ટ્રસ્ટોના સંચાલન સાથે જોડાયેલ એક ગંભીર ગેરરીતિનું ઝાળું સતત વિસ્તરી રહ્યું છે : ડૉ.પુરૂષોતમ પીપરિયા
બહુમતી ટ્રસ્ટીઓના રાજીનામા અને નવા ટ્રસ્ટીઓની એન્ટ્રીથી કાયદાને બાયપાસ
- Advertisement -
મની લોન્ડરીંગની શંકા વચ્ચે કડક તપાસ અને સુધારાની તાતી જરૂર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં જાહેર ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટોના સંચાલન સાથે જોડાયેલ એક ગંભીર ગેરરીતિનું જાળું સતત વિસ્તરી રહ્યું છે. ટ્રસ્ટોના નામે ચાલતો મેનેજમેન્ટ ટ્રાન્સફરનો ગોરખધંધો હવે ખુલ્લેઆમ ચર્ચાનો વિષય બની ગયો છે. આ ગેરવ્યવહાર હેઠળ ટ્રસ્ટના મૂળ સંચાલકો રોકડમાં મોટી રકમ ‘પ્રીમિયમ’ તરીકે મેળવી બહુમતી ટ્રસ્ટીઓના રાજીનામા અપાવી નવા ટ્રસ્ટીઓને દાખલ કરે છે અને આખું ટ્રસ્ટ આડકતરી રીતે વેચી દેવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા કાયદાકીય રીતે માન્ય દેખાય તે રીતે ગોઠવવામાં આવે છે, પરંતુ તેની પાછળનો હેતુ ટ્રસ્ટની કરોડોની મિલ્કતો પર કબજો મેળવવાનો હોય છે. ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ, 1950 મુજબ ટ્રસ્ટની મિલ્કતનું સીધું વેચાણ કડક નિયંત્રણ હેઠળ હોય છે, જેમાં ચેરિટી કમિશનરની મંજૂરી, જાહેર હરાજી અને સરકારી મૂલ્યાંકન જેવી પ્રક્રિયાઓ ફરજિયાત છે.
પરંતુ આ કડક જોગવાઈઓને ટાળવા માટે ફેરફાર રિપોર્ટ (કલમ 22) નો દુરુપયોગ કરવામાં આવે છે. બહુમતી ટ્રસ્ટીઓ એકસાથે રાજીનામા આપે છે અને તેમની જગ્યાએ નવા ટ્રસ્ટીઓની નિમણૂંક થાય છે. કાગળ પર આ એક સામાન્ય વહીવટી ફેરફાર તરીકે રજૂ થાય છે, જ્યારે હકીકતમાં આ ટ્રસ્ટના સંચાલનનો હસ્તાંતરણ હોય છે. રાજકોટ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં આવેલી શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓમાં આ પ્રકારના વ્યવહારો થવાની ચર્ચાઓ તેજ બની છે. કેમ્બ્રિજ કહેવાતી એક હાઇસ્કૂલ અને રીંગ રોડ પર આવેલ બોર્ડિંગ સહિત અનેક ટ્રસ્ટોમાં રોકડમાં મોટા પાયે લેવડદેવડ થતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
આ ગેરરીતિ માત્ર કાયદાનો ભંગ જ નથી, પરંતુ મની લોન્ડરીંગ જેવી ગંભીર આર્થિક અપરાધ પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલી હોઈ શકે છે. નિષ્ણાતોના મતે, આવકવેરા હેઠળ મળતી કરમુક્તિનો દુરુપયોગ કરીને ટ્રસ્ટો બ્લેક મનીને વ્હાઈટ બનાવવાના સાધન બની રહ્યા છે. છતાં પણ આવા કેસોમાં ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને રીફરલ કરવામાં ઢીલાશ દેખાઈ રહી છે, જે તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉભા કરે છે. સામાજિક સ્તરે પણ આ ગોરખધંધાના ગંભીર પરિણામો જોવા મળી રહ્યા છે. જ્યારે ટ્રસ્ટો ખાનગી હિત ધરાવતા જૂથોના કબજામાં જાય છે, ત્યારે શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સેવાઓ મોંઘી બની જાય છે અથવા સામાન્ય લોકો માટે અપ્રાપ્ય બની જાય છે. દાતાઓનો વિશ્વાસ તૂટી રહ્યો છે અને સાર્વજનિક સંપત્તિ ખાનગી નફાખોરીનું સાધન બની રહી છે.
કાયદાકીય નિષ્ણાતો સૂચવે છે કે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ટ્રસ્ટોના વહીવટી ફેરફારોમાં પારદર્શિતા અને કડક દેખરેખ અનિવાર્ય છે. ખાસ કરીને જ્યારે બહુમતી ટ્રસ્ટીઓમાં એકસાથે ફેરફાર થાય, ત્યારે તેની આર્થિક તપાસ, પૃષ્ઠભૂમિ ચકાસણી અને જાહેર નોટિસ જેવી પ્રક્રિયાઓ ફરજિયાત બનાવવી જોઈએ. આ પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે કે ટ્રસ્ટોના નામે ચાલતો આ ગેરકાયદેસર વ્યવહાર માત્ર કાયદાની છટકબારીઓનો લાભ નથી, પરંતુ જનહિત માટે ઉભી કરવામાં આવેલી સંસ્થાઓના મૂળ હેતુને જ ખોખલો કરી રહ્યો છે. આ સમગ્ર મામલો માત્ર કાયદાકીય ખામીનો નથી, પરંતુ વિશ્વાસ, નૈતિકતા અને જનહિતના સંરક્ષણનો પ્રશ્ન છે. યોગ્ય સુધારા અને સખત અમલ વિના આ ગોરખધંધો વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
- Advertisement -
મેનેજમેન્ટ ટ્રાન્સફરની ‘મોડસ ઓપરેન્ડી’ શું છે?
મૂળ ટ્રસ્ટીઓ રોકડમાં ‘પ્રીમિયમ’ સ્વીકારે છે
બહુમતી ટ્રસ્ટીઓ સામૂહિક રાજીનામા આપે છે
નવા ટ્રસ્ટીઓની નિમણૂંક કરીને બહુમતી બનાવાય છે
ફેરફાર રિપોર્ટ દ્વારા કાયદેસર પ્રક્રિયા દર્શાવવામાં આવે છે
ટ્રસ્ટની મિલ્કત કાગળ પર યથાવત રહે છે, પરંતુ નિયંત્રણ બદલાઈ જાય છે
નવા ટ્રસ્ટીઓ બાદમાં મિલ્કતમાંથી વ્યાપારી લાભ મેળવે છે
શું છે જરૂરી સુધારા અને કડક પગલાં?
બહુમતી ટ્રસ્ટીઓના ફેરફાર પર ફરજિયાત આર્થિક તપાસ
નવા ટ્રસ્ટીઓની પૃષ્ઠભૂમિ ચકાસણી (ઈંઇ રિપોર્ટ સહિત)
ફેરફાર પહેલા જાહેર નોટિસ આપવાની ફરજ
મની લોન્ડરીંગ કેસોમાં ઊઉને ફરજિયાત રીફરલ
ટ્રસ્ટની મિલ્કતના ઉપયોગ પર પોસ્ટ-ઓડિટ સિસ્ટમ
ગેરરીતિ કરનાર ટ્રસ્ટીઓ સામે દંડ અને અયોગ્યતા જાહેર કરવી



