હજુ હમણાં સુધી ભારતીય લોકો બ્રિટનમાં સ્થાયી થવા કૂદકાં મારતાં હતાં. માત્ર ઈન્ડિયન્સ જ નહીં, અન્ય અનેક એશિયાઈ દેશો માટે ઈંગ્લેન્ડ એક ખ્વાબ સમાન ગણાતું. પરંતુ સ્થિતિ હવે સાવ બદલાઈ ગઈ છે. હવે ઈંગ્લેન્ડ અને લંડન એક દુ:સ્વપ્ન સમાન બની ગયાં છે. માત્ર અન્ય દેશોમાંથી જઈ વસવા માંગતા લોકો માટે જ નહીં, બ્રિટિશર્સ માટે પણ એ ભયાનક વાસ્તવિકતા પચાવવાનું અઘરું થઈ રહ્યું છે.
હમણાં આધારભૂત આંકડા બહાર આવ્યા છે: છેલ્લાં એક વર્ષમાં કુલ 16,500 મિલિયોનર્સ લંડન છોડી અન્ય દેશમાં સ્થાયી થયા છે. આ જ સમય ગાળામાં ચીનમાંથી માત્ર આઠ હજાર અને ભારતમાંથી ચાર હજાર મિલિયોનર્સ અન્ય દેશમાં સેટલ્ડ થયાં છે. યુનાઈટેડ કિંગ્ડમની હાલત એટલી ખરાબ છે કે લેબરથી લઈને મિલિયોનર સુધીનાં લોકો માટે જીવન સરળ નથી.
- Advertisement -
બ્રિટિશ સરકારની કેટલીક અક્ષમ્ય ભૂલોને કારણે મોડર્ન યુગનું સ્વર્ગ ગણાતું લંડન શહેર આજે અરાજકતાનાં સકંજામાં છે. ઈસ્લામિક દેશોનાં શરણાર્થીઓએ અને પાકિસ્તાન, બાંગ્લાદેશનાં કટ્ટર મુસ્લિમોએ લંડનનું જાણે ઈસ્લામીકરણ કરી નાખ્યું હોય તેવી સ્થિતિ છે, સુસંસ્કૃત બ્રિટિશ પ્રજા માટે આ ત્રાસ અસહ્ય ગણાય.
બીજી તરફ લેબરને અપાતાં અપૂરતાં વળતરની સમસ્યા. બન્યું છે એવું કે, દાયકાઓથી બ્રિટનમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવાં ગરીબ દેશોનાં મજૂરો પર જ આધાર રખાય છે. આ લોકો બહુ સસ્તામાં કામ કરે છે. મૂળ બ્રિટિશન આવું કામ કરે પણ નહીં અને કરે તો પાકિસ્તાની મજૂર કરતાં પાંચ-દસગણા નાણાં માંગે. આ મજૂરો મફતનાં ભાવે કામ કરી રહ્યાં છે. તેમની મજૂરીમાં- મહેનતાણામાં ભાગ્યે જ ક્યારેક વધારો થયો છે- એ પણ સાવ ક્ષુલ્લક. આ જ સમય દરમિયાન બ્રિટનમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનાં ભાવ ખૂબ વધ્યાં છે. હાઉસિંગનાં ભાવ અને રૅન્ટ એટલી હદે વધ્યાં છે કે, સામાન્યજનની પહોંચથી ક્યાંય દૂર નીકળી ગયાં છે.
હાઉસિંગ ક્ષેત્રે ભયાનક ખેંચ ઉભી થવાનાં કારણો પણ સરકારી જ છે. વર્ષો સુધી બ્રિટિશ સરકારે ‘રાઈટ ટુ બાય’ પોલિસી અંતર્ગત લોકોને અફોર્ડેબલ હાઉસિંગની યોજનાઓ આપી. આ કારણે પ્રાઈવેટ રીયલ એસ્ટેટ ડેવલપર્સની કમર તૂટી ગઈ. આ સેકટર ક્યારેય જોઈએ તેવું ખીલી જ શક્યું નહીં- તેથી હાઉસિંગની શોર્ટેજ ઉભી થઈ અને મિલકતોનાં ભાવ તથા ભાડાં આસમાને પહોંચ્યા. આજે લંડનની સડકો પર બે લાખ કરતાં વધુ હોમલેસ- બેઘર લોકો રહે છે. યુનાઈટેડ કિંગ્ડમ જેવાં દેશ માટે આ સત્ય એક મોટી શરમ છે.
ભારતીય વિદ્યાર્થીઓ માટે હવે લંડન દૂરથી જ રળિયામણું છે
ઈંગ્લેન્ડમાં જોબનાં ઠેકાણાં નથી, ગમ્મે ત્યારે કૉસ્ટ કટિંગના નામે કર્મચારીઓને છૂટ્ટાં કરવામાં આવે છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે હવે લંડન દૂરથી જ રળિયામણું છે. છેલ્લાં પાંચેક વર્ષનો ટ્રેન્ડ જોતાં ભારતીય સ્ટુડન્ટ્સએ હવે કોઈ નવાં દેશ તરફ દૃષ્ટિ દોડાવવી પડે તેવાં સંજોગો નિર્માણ પામ્યાં છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ આડા ફાટ્યા છે. ત્યાં પણ નોકરીની જબરી ખેંચ છે. ગોરા-સ્થાનિક અમેરિક્ધસ માટે પણ જોબ નથી, આપણો યુવા તો દૂરની વાત છે. વિઝા ફી પહોંચની બહાર નીકળી ગઈ છે. આટલી ફી ભર્યા બાદ પણ સીક્યુરિટી શૂન્ય છે. ટ્રમ્પને એક રાત્રે સ્વપ્ન આવે કે, તમામ ભારતીય વિદ્યાર્થીને કાઢી મૂકવાં જોઈએ, તો સવારે અગિયાર ને પાંચ મિનિટે એવો પરિપત્ર બહાર પડી જાય.
- Advertisement -
કેનેડાની સ્થિતિ પણ સારી નથી. હમણાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાઈરલ થયો હતો જેમાં સાવ સામાન્ય નોકરીની ચાર-પાંચ વેક્ધસી માટે દોઢ-બે કિલોમીટર લાંબી લાઈનનાં આંખો ઉઘાડનારા દૃશ્યો હતાં. જોબ ત્યાં પણ નથી અને પ્રોપર્ટીનાં ભાવ તથા મકાન ભાડું ત્યાં ઈંગ્લેન્ડના કરતાં પણ ઊંચે જઈ રહ્યાં છે.
ભારતીય વિદ્યાર્થીઓ અને ભારતીય ધનકુબેરો માટે કેનેડામાં અનુકૂળ સ્થિતિ નથી. પ્રથમ કારણ એ છે કે, ખાલિસ્તાનીઓ પ્રત્યેનાં કેનેડા સરકારનાં ભરપૂર પ્રેમને કારણે શીખ સિવાયનાં ભારતીયો ત્યાં ત્રસ્ત છે. બીજું, કેનેડામાં ખૌફનાક જોબ ક્રાઈસિસ છે, નોકરીઓ છે જ નહીં એમ કહીએ તો ચાલે. આઈ.ટી. પ્રોફેશનલ્સ કે ડૉકટર્સ જેવા લોકો માટે તો કેનેડામાં જોબ મળી જાય પરંતુ બાકીનાં માટે મોટી તકલીફ છે.
કેનેડામાં તમારા કેનેડા બહારનાં અનુભવનું કશું જ મૂલ્ય નથી. અહીં આવવું હોય તો કરિઅરનું ‘રિસેટ’ બટન દબાવવું પડે. બધું એકડે એકથી જ ચાલું થાય. અને કદાચ જોબ મળી જાય તો પણ કેવી મળે? ઉબેર ડ્રાઈવર, સુપર માર્કેટમાં એટેન્ડન્ટ, મૉલમાં કેશિયર, કોલ સેન્ટર એજન્ટ, ફાસ્ટફૂડ ચેઈનમાં ઓર્ડર લેવા માટેની કે વેઈટરની.
કેનેડા ફર્સ્ટ જનરેશન ઈમિગ્રન્ટ માટે નથી. ત્યાં વર્ષોથી સ્થાયી થયેલાં લોકોને કેનેડિયન પ્રજા સ્વીકારતી નથી. અમેરિકા અને કેનેડામાં આ બહુ મોટો તફાવત છે. કેનેડિયન તમને હંમેશા ‘બહારનાં’ જ ગણશે. લટકામાં ખતરનાક વેધર. બે-ત્રણ શહેરોને બાદ કરતાં બધાં શહેરો માઈનસ તાપમાનવાળા છે. તમને સ્કિઈંગ કે સ્નો સ્પોર્ટ્સ પસંદ હોય તો જરૂર જજો. પણ જલદી પાછા આવી જજો.



