જૂનાગઢ મનપા દ્વારા મુકવામાં આવેલ ડસ્ટબિનને લઇ સવાલ ઉભા થયા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા ડસ્ટબિનની ખરીદી કરવામાં આવી છે અને શહેરનાં તમામ માર્ગો પર ડસ્ટબિન મુકવામાં આવ્યાં છે. પરંતુ ડસ્ટબિનની ખરીદી અને ગુણવત્તાને લઇ સવાલ ઉઠયાં છે. ડસ્ટબિનની ખરીદીની યોગ્ય તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તેમ છે. જૂનાગઢ શહેરમાં સ્વચ્છતા માટે ડસ્ટબિન ખરીદવામાં આવ્યાં છે. જેમાં સુકો કચરો અને ભીનો કચરો એમ બે પ્રકારનાં ડસ્ટબિન ઠેર ઠેર મુકવામાં આવ્યાં છે. જોકે કેટલાક ડસ્ટબિન ગાયબ થઇ ગયા છે. તો કેટલાક તુટી ગયા છે.
- Advertisement -
તેમજ કેટલીક જગ્યાએ ડસ્ટબિન બીનઉપયોગી બન્યાં છે. આયોજન વિના જ માત્રને માત્ર રૂપિયા વેડફવા માટે જ ડસ્ટબિનની ખરીદી થઇ હોય તેવું લાગી રહ્યું છે.
જૂનાગઢમાં સોશિયલ મિડિયા પર પણ તેનો વિરોધ થઇ રહ્યો છે.તેમજ ડસ્ટબિન ખરીદીમાં કૌભાંડ થયાની ચર્ચા થઇ રહી છે. જૂનાગઢ મનપા દ્વારા 2 હજાર ડસ્ટબિનની ખરીદી કરાઇ છે. કરોડો રૂપિયાની યોગ્ય તપાસ કરવામાં આવે તો કેટલાક અધિકારીઓનાં નામ આવે તેમ છે. જૂનાગઢ મહાનગર પાલીકામાં અગાઉ પણ અનેક કૌભાંડ થઇ ચૂકયાં છે. ત્યારે ડસ્ટબિનની ખરીદીમાં પણ કૌભાંડની આશંકા સેવાઇ રહી છે. ત્યારે ડસ્ટબિનની ખરીદી અને ગુણવત્તાની તપાસ થવી જોઇએ તેવી માંગ ઉઠી છે.