સાંતલપુર તાલુકાના વરણોસરી, કિલાણા, ઝઝામ અને કેશરગઢ ગામના લોકોને 30 કિલોમીટરનું વધારાનું અંતર કાપવું પડશે
ખાસ-ખબર ન્યૂઝ સાંતલપુર
- Advertisement -
સાંતલપુર તાલુકામાં ભારતમાલા રોડના નિર્માણને કારણે વરણોસરી, કિલાણા, ઝઝામ અને કેશરગઢ ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ચાર ગામોના લોકો માટે તાલુકાની કચેરી અને આવન-જાવન માટે વારાહી મુખ્ય મથક છે. પહેલા તેઓ 14 કિલોમીટરનું અંતર કાપીને વારાહી પહોંચતા હતા, પરંતુ રોડ પર પાણી ભરાવાના કારણે હવે તેમને 30 કિલોમીટરનું વધારાનું અંતર કાપીને જવું પડે છે.
આ રોડનું નિર્માણ ઈઉજ કંપની દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ કંપનીએ પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરી નથી. જે નાળુ મૂકવામાં આવ્યું છે તે પણ જમીનથી ઘણું નીચું છે, જેના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. આ મામલે વરણોસરીના કરશનજી જાડેજાએ જણાવ્યું કે, રોડનું કામ ચાલુ હતું ત્યારે તેમણે જિલ્લા કલેક્ટર અને ઈઉજ કંપનીના અધિકારીઓને રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું.
થોડા સમય પહેલા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માને પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં પરિસ્થિતિ યથાવત છે. પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે તકલીફ ભોગવવી પડી રહી છે.



