જીરૂનો ભાવ 9100 અને વરિયાળીનો ભાવ રૂા.3830
અગાઉ જીરૂનો મણ દીઠ ઓલટાઈમ હાઈ ભાવ 8650
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રના પંથકમાં કમોસમી વરસાદ બાદ ઘણાં ઊભા પાકમાં નુકસાન થયું છે. ત્યારે રાજકોટ યાર્ડમાં જીરૂ અને વરિયાળીના રેકોર્ડબ્રેક ભાવ બોલાયા છે. જ્યાં ગત વર્ષે જીરૂના ભાવ મણે રૂ.4400થી 4500 બોલાયા હતા જ્યારે આ વર્ષે જીરૂના ભાવ ગત વર્ષ કરતા બમણા એટલે કે રૂ.9100 મણના બોલાયા છે. જે સાથે જ પહેલી વખત ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.
જીરૂમાં હજુપણ નવી સીઝનને 9 મહિનાની વાર હોય તેથી વધુ તેજી થવાની શક્યતા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં શનિવારે જીરૂના 1460 કિવન્ટલનો વેપાર થયો હતો અને રૂ.8000 થી 8680ના ભાવે સોદા પડયા હતા. જ્યારે જસદણમાં 500 કિવન્ટલનો વેપાર થયો હતો અને રૂ.5000થી 8750ના ભાવે સોદો થયો હતો. જ્યારે બળધોઇના એક ખેડૂતે તેનું જીરૂ રૂ.9000ના મણ લેખે વેચાણ કર્યાના સમાચાર સાંપડયા છે.
બીજી તરફ કમોસમી વરસાદ વચ્ચે પણ સૌરાષ્ટ્રના મોટાભાગના ખેડૂતોએ જીરૂનું તેમનું ઉત્પાદન વેંચી નાખ્યુ છે માત્ર 20 ટકા ખેડૂતો પાસે જ જીરૂનો સ્ટોક પડયો છે. જ્યારે અનેક વેપારીઓએ જીરૂના ઉત્પાદનને ધ્યાનમાં રાખીને સ્ટોક કરી રાખ્યો હોય તેવો કમાશે તેમ ચર્ચાઇ રહ્યું છે.
વાત જો સૌરાષ્ટ્રના વરિયાળીના ભાવમાં પણ આ વર્ષે જોરદાર તેજી ભભૂકી છે. વરિયાળીનો ભાવ 3830 રૂપિયા પર પહોંચ્યો છે. ગત વર્ષે વરીયાળીનો ભાવ મણે રૂ.2200 થી 2300 બોલાયો હતો જે આ વર્ષે વધીને રૂ.3500 એટલે કે દોઢ ગણાથી વધુ થઇ ગયો છે. જેના હિસાબે વરિયાળીના ભાવમાં પણ તેજી જોવા મળી છે.