સિંગતેલના ડબ્બામાં 20 રૂપિયાનો વધારો
પામતેલનો ભાવ સૌપ્રથમવાર 2600ને પાર
- Advertisement -
ખાસ ખબર સંવાદદાતા
દરેક ક્ષેત્રમાં મોંઘવારી માઝા મુકીને વધી રહી છે. ખાદ્યતેલના ભાવો આસમાને આંબ્યા છે. એક તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના નક્કર આયોજનના અભાવ વચ્ચે ઈન્ડોનેશિયાએ પામતેલની નિકાસ પર પ્રતિબંધનો અમલ થવા સાથે નફાખોરો અને સંગ્રહખોરો બેલગામ બન્યા છે. લોકોની મુશ્કેલીઓ વિશે વિચાર કર્યા વગર પોતાનો સ્વાર્થ સાધવા માટે સંગ્રહખોરોએ સિંગતેલના ડબ્બાના ભાવ વધારી દીધા છે. યાર્ડમાં મગફળીનો પર્યાપ્ત જથ્થો આવ્યો હોવા છતાં વધુને વધુ નફો કમાવવાની લાલચે સિંગતેલના ડબ્બામાં 20 રૂપિયાનો વધારો કરીને સિંગતેલના ડબ્બાના ભાવ 2810 રૂપિયા થઈ ગયા છે.
ઈન્ડોનેશિયાએ પ્રતિબંધ મુક્યો તે પહેલાં એટલે કે ગઈકાલ સુધી પામોલીનની આયાત શરૂ જ હતી તેમ છતાં અઠવાડિયાથી ભાવ વધારો થઈ રહ્યો છે. સૌ પ્રથમવાર પામતેલના ભાવ એક દિવસમાં 40 રૂપિયા વધ્યા અને સાથે ત્રણ દિવસમાં રૂપિયા 120નો ભાવ વધારો ઝીંકવામાં આવતા પામતેલના ભાવ 2600ને પાર થઈને 2610 થયા છે. જ્યારે કપાસિયાનો ભાવ 2710 અને 2760એ પહોંચ્યું છે.


