સાસણ ગિર સિંહ દર્શનથી અભિભૂત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મ તેમના ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસના બીજા દિવસે દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કર્યા હતાં.રાષ્ટ્રપતિએ ભગવાન સોમનાથ દાદાને દેશનાં નાગરિકોના જનકલ્યાણ અને સુખાકારી માટેની ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. તેમની સાથે તેમની પુત્રી પણ હતાં. ત્યાર બાદ તેમણે ગીર જંગલની મુલાકાત લઈને સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો. અહીં ડેડકડી રેન્જમાં બે સિંહણ અને સાત સિંહ બાળનું જૂથ જોવા મળ્યું હતું.
- Advertisement -
સિંહોને નિહાળ્યા બાદ સાંજના સિંહસદન ખાતે રાષ્ટ્રપતિએ ગીરના આદિવાસી સમુદાયો સાથે મુલાકાત કરી સાંસ્કૃતિક કાર્યક્રમને માણ્યો હતો. રાત્રિ રોકાણ સાસણમાં કર્યા બાદ આજ રોજ સવારે સાસણથી તેઓ હેલીકોપ્ટર દ્વારા દ્વારકાના જગતમંદિરે દર્શનાર્થે પહોંચશે. દ્વારકા ખાતે કાળીયા ઠાકોરના દર્શન પુજન આરતી બાદ તેઓ ગુજરાત વિદ્યાપીઠ ખાતે આયોજિત પદવીદાન સમારોહમાં હાજરી આપવા અમદાવાદ જવા રવાના થશે. દ્વારકામાં રાષ્ટ્રપતિના આગમનને વધાવવા માટે ઠેર-ઠેર સુશોભન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિનાં રૂટ અને જગતમંદિર સહિતના સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.