નમ્રતા સિને પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ નવી ગુજરાતી ફિલ્મ ‘સરપંચ’ ધૂમ મચાવશે: કરન રાજવીર, નિરાલી ઓઝા સહિતના કલાકાર અભિનયનો ઓજસ પાથરસે
ખાસ-ખબર સંવાદદાતા
આજના રાજકારણ અને અર્થકારણથી આપણે બધા પરિચિત છીએ. આપણી આસપાસ ઘણા એવા નેતાઓ છે જે પ્રજાની ભલાઈ કરવાને બદલે પોતાની ભલાઈ કરવામાં જ માને છે. આવા રાજકારણીઓ સત્તાનો દુરુપયોગ કરીને ઘરની ધોરાજી ચલાવતા હોય છે, પરંતુ ક્યારેક તેને પણ માથાનો મળી જાય છે અને લોકોના સહકારથી આવા ભ્રષ્ટ નેતાને સબક શીખવાડે છે. આજના સમયની આવી વાસ્તવિકતાને રૂપેરી પડદે લાવવાનું શ્રેય નમ્રતા સિને પ્રોડક્શનના નિર્માતા દેવ કોરડીયા અને દિગ્દર્શક અપૂર્વ બાજપાયીને જાય છે. નમ્રતા સિને પ્રોડક્શનના બેનર હેઠળ એક અનોખી ગુજરાતી ફિલ્મ ‘સરપંચ’ બનાવી છે અને આ ફિલ્મનો પ્રીમિયર શો તા.24ને શુક્રવારે રાજકોટમાં રાખવામાં આવ્યો હતો. આ ફિલ્મ અંગે વધુ માહિતી આપતા ફિલ્મના પ્રોડયુસર દેવ કોરડીયા અને દિગ્દર્શક અપૂર્વ બાજપાયીએ કહ્યું હતું કે, આ ફિલ્મ ઘણા એંગલથી બીજી ફિલ્મો કરતા જુદી પડે છે. અમે આ ફિલ્મને આજની વાસ્તવિકતાની તદ્દન નજીક લઇ ગયા છીએ.
આ ફિલ્મના સરપંચ અખંડપુર ગામના બાહુબલી નેતા છે અને સત્તાનાં જોરે બધાને પોતાની મુઠ્ઠીમાં રાખતા હોય છે. પણ એક દિવસ ગામનો જ એક યુવાન તેને પડકારે છે અને તેની સામે ચૂંટણી લડવાની જાહેરાત કરે છે. સરકાર તો ગામના વિકાસ માટે પૈસા મોકલે છે પણ આ પૈસાથી સરપંચનો જ વિકાસ થતો હોય છે. આ સીસ્ટમ તોડવા માટે ફિલ્મનો હીરો બીડું ઉઠાવે છે અને પછી જે થાય છે તેના માટે આ ફિલ્મ જોવી જરૂરી છે. આ ફિલ્મના દિગ્દર્શક અપૂર્વ બાજપાયી છે, જયારે દેવ કોરડીયા, પ્રકાશકુમાર વૈષ્ણવ અને નીતેશ પટેલ નિર્માતા છે. ધર્મેશભાઈ જંજવાડિયા સહ નિર્માતા છે. આ ફિલ્મમાં નીતેશ પટેલે પોલીસ ઇન્સ્પેકટરની ભૂમિકા પણ ભજવી છે. પત્રકારો સાથેની આ વાતચીત સમયે ફિલ્મની સ્ટારકાસ્ટ કરન રાજવીર, નિરાલી ઓઝા, રાગી જાની ઉપરાંત આકાશ ઝાલા, કેતન દયા, સ્મિત, કપિલ, ઉર્વશી સોલંકી સહિતનાઓએ હાજરી આપી હતી. તેમજ નમ્રતા સિને પ્રોડકશને ‘સરપંચ’ ફિલ્મ લોકોને જરૂર પસંદ આવશે તેવી આશા પણ વ્યક્ત કરી છે.