અગાઉ 14 ફેબ્રુઆરીએ થવાની હતી
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં કોરોનાની ત્રીજી લહેર મંદ પડતા શિક્ષણ કાર્ય પણ પાટા પર આવ્યું છે. અગાઉ મોકૂફ રખાયેલી પરીક્ષાઓ પણ લેવાઇ રહી છે. ત્યારે ગુજરાત માધ્યમ શિક્ષણ બોર્ડે સ્પષ્ટતા કરી છે કે માર્ચમાં લેવાનારી ધોરણ-12 સાયન્સની પરીક્ષા પહેલા 2 માર્ચથી સાયન્સના પ્રાયોગિક (પ્રેક્ટિકલ) વિષયોની પરીક્ષા યોજાશે. અગાઉ આ પરીક્ષા 14 ફેબ્રુઆરીથી થવાની હતી. પરંતુ, કોરોનાના કારણે સરકાર દ્વારા તમામ પરીક્ષાઓ બે સપ્તાહ પાછળ લઈ જવાનું નક્કી કરાયું હતું. પરીક્ષા અંગે બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને મંગળવારે વિદ્યાર્થીઓની હોલ ટિકીટ પણ વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવી છે.
શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સના મહત્વના વિષયોની પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવતી હોય છે. આ વખતે આ પ્રાયોગિક પરીક્ષા 14 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી દરમિયાન લેવાની જાહેરાત કરાઈ હતી. જોકે, આ વખતે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવતા સ્કૂલો બંધ કરવામાં આવી હતી. પરિણામે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે પુરતો સમય મળી રહે તે માટે તમામ પરીક્ષાઓ બે સપ્તાહ પાછળ લઈ જવાની જાહેરાત કરી હતી. જેમાં ધોરણ-12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા પણ 2 માર્ચથી શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. આ પરીક્ષા 2 માર્ચથી શરૂ થશે અને 12 માર્ચના રોજ પુર્ણ થશે.
- Advertisement -
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા 2 માર્ચથી લેવામાં આવનાર હોવાથી આ પરીક્ષા માટેની હોલ ટિકીટ મંગળવારથી ડાઉનલોડ કરી શકાય તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી છે. બોર્ડની વેબસાઈટ પરથી શાળા દ્વારા શાળાનો ઈન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલો મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈડી દ્વારા લોગીન કરી હોલ ટિકીટ ડાઉનલોડ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.