એન્થની રોબિન્સનનું એક પુસ્તક છે – ઞક્ષહશળશયિંમ ાજ્ઞૂયિ. આ પુસ્તકમાં એણે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. એક ગુનેગારને મૃત્યુદંડની સજા કરવામાં આવી. એની મૃત્યુ માટેની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી. મનની શરીર પર થતી અસરો પર સંશોધન કરનારી એક ટીમે કોર્ટને અરજી કરીને આ ગુનેગાર પર પ્રયોગ કરવા માટેની પરવાનગી મેળવી. કોર્ટે નિષ્ણાંતોના અભિપ્રાય બાદ પરવાનગી આપી. મૃત્યુદંડની સજા પામેલા આ ગુનેગારને એવું કહેવામાં આવ્યું કે, ‘તને જુદી રીતે મૃત્યુદંડની સજા કરવાની છે. ફાંસી આપીને કે ઇલેક્ટ્રિક શોકથી નહીં પરંતુ એક અત્યંત ઝેરી કોબ્રા કરડાવીને તારું મૃત્યુ નિપજાવવામાં આવશે.’ આ વાત પેલા ગુનેગારને મૃત્યુની તારીખ સુધીમાં વારંવાર કરવામાં આવી. નક્કી થયેલી તારીખે એને એક રૂમમાં બેસાડવામાં આવ્યો. તેની નજર સામે જ અત્યંત ઝેરી સાપ લાવવામાં આવ્યો, જેને જોઈને જ ડર લાગે. પેલાના હાથ-પગ બાંધીને આંખ પર પણ પટ્ટી બાંધવામાં આવી. એક નાની એવી સોઈ એના શરીરમાં ભોંકીને ડિસ્ટીલ્ડ વોટરનું ઇંજેક્શન આપવામાં આવ્યું. થોડી જ વારમાં એ વ્યક્તિ તરફડવા લાગી અને મૃત્યુ પામી. મૃત્યુ બાદ શરીરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ આખા શરીરમાં પ્રસરેલું કાતિલ ઝેર બતાવવામાં આવ્યું. આ ઝેર બહારથી તો આપેલું નહોતું તો ક્યાંથી આવ્યું ? ગુનેગારની માન્યતાએ સાદા પાણીને પણ ઝેર બનાવી દીધું હતું. આપણે પણ કેટલીક આવી જ માન્યતા અને નકારાત્મકતા સાથે જીવન જીવીએ છીએ અને આપણા જીવનમાં ઝેર ઉમેરીએ છીએ. અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ કહેતા, આપણી પરવાનગી વગર દુનિયાની કોઈ તાકાત આપણને દુ:ખી ન કરી શકે. દુ:ખને આપણે જ આમંત્રણ આપીને બોલાવીએ છીએ – નબળા વિચારોથી. મનને મારવાની જરૂર નથી. મજબૂત બનાવવાની જરૂર છે જેથી જીવનને ભરપૂર માણી શકાય.
મોટું વિચારો, જલ્દી વિચારો, આગળનું વિચારો, વિચારો પર કોઈનો ઇજારો નથી હોતો
– ધીરુભાઈ અંબાણી



