ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. હાલ માત્ર એક જ દર્દી સારવાર હેઠળ છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 63690 પર પહોંચી છે. રાજકોટમાં અંદાજિત વસ્તી 20 લાખની છે અને અત્યાર સુધીમાં કોરોનાના ટેસ્ટની સંખ્યા 17,73,522 જેટલી થઈ છે. સમગ્ર કોરોનાકાળની આ રીતે ગણતરી કરતા રાજકોટ શહેરનો સરેરાશ પોઝિટિવિટી રેટ 3.59 ટકા રહ્યો છે જ્યારે રિકવરી રેટ 99.21 ટકા કરતા પણ વધુ છે.ખાનગી હોસ્પિટલમાં સારવાર કે દવા પાછળ કરોડો રૂપિયા ખર્ચ થયા છે માત્ર મનપાએ જ કોરોના પાછળ અત્યાર સુધીમાં 34 કરોડ રૂપિયાની રકમ ખર્ચી નાખી છે. આ માત્ર રાજ્ય સરકારે આપેલી ગ્રાન્ટ છે આ સિવાય સ્વભંડોળ તેમજ અન્ય અનુદાન ગણવામા આવ્યા નથી તેમજ ત્રીજી લહેરમાં ફાળવાયેલી ગ્રાન્ટ પણ ગણાઈ નથી. પહેલી લહેર દરમિયાન રાજકોટમાં 16167 કેસ નોંધાયા હતા.
- Advertisement -
‘માસ્ક હવે બિનજરૂરી’
માસ્ક પહેરવાની ફરજિયાત જોગવાઇથી લોકો હવે ત્રસ્ત થઇ ગયા છે : નિષ્ણાતોનો મત
આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોએ કોવિડ નિયંત્રણો સંબંધી ભય અને આશંકાને નકામા ગણાવતાં જાહેર સ્થળો પર માસ્ક પહેરવાનો નિયમ હવે બિનજરૂરી ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે લોકો રોગચાળાનાં બે વર્ષોમાં માસ્ક પહેરીને કંટાળી ગયા હોવાથી ઘણા દેશોમાં એ બાબતની ફરજિયાત જોગવાઈ રદ કરવામાં આવી છે. તેથી ભારતમાં પણ હાલ માસ્ક પહેરવાનો નિયમ રદ કરવો જોઇએ.વોશિંગ્ટનના સેન્ટર ફોર ડિસીઝ ડાયનેમિક્સ, ઇકોનોમિક્સ એન્ડ પોલિસીના ડિરેક્ટર રમણન લક્ષ્મીનારાયણને જણાવ્યું હતું કે માસ્ક પહેરવાના લાભ વિશે સંદેશાનો પ્રસાર ચાલુ રાખવો જોઇએ. હાલમાં માસ્ક પહેરવાનો ફરજિયાત નિયમ પાછો ખેંચવાનું ડહાપણ ભર્યું ગણાશે.
બીજો કોવિડ વેવ આવે તો એ નિયમ ફરી લાગુ કરી શકાય. હાલ લોકોમાં માસ્ક પહેરવાની ફરજિયાત જોગવાઈ તરફનો કંટાળો ફેલાયો છે. તેથી આ તબક્કે લોકોને માસ્ક નહીં પહેરવાની છૂટ આપવાની જરૂર છે.હરિયાણાની અશોકા યુનિવર્સિટીમાં ભૌતિકશાષા અને જીવશાષાના પ્રાધ્યાપક ગૌતમ મેનને જણાવ્યું હતું કે મોકળાશ ન હોય એવી જગ્યાઓમાં માસ્ક પહેરવાના ઔચિત્યનો સંદેશપ્રસાર આવશ્યક છે. હું એ નિયમના સખતાઈથી અમલની તરફેણ કરતો નથી.