ઉચ્ચ અધિકારીઓના અનુભવથી લઠ્ઠાકાંડ શકયતા નહિવત હોવાનું માની હત્યાના મુળ સુધી પહોંચી ભેદ ઉકેલ્યો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગત 28 નવેમ્બરનાં રોજ સાંજના અરસામાં ગાંધી ચોક રીક્ષા સ્ટેન્ડ પાસે બે લોકોના મૃત્યુ થતાં લઠ્ઠાકાંડ થયો હોવાની ચકચાર મચી હતી. એવા સમયે જૂનાગઢ પોલીસની સતર્કતાથી લઠ્ઠાકાંડ નહીં થયો હોવાનું સામે આવ્યુ હતું. કથિત લઠ્ઠાકાંડની વાતને લઇને એડિશ્નલ ડીજીપી એસ.રાજકુમાર પાંડીયન જૂનાગઢ રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા અને જિલ્લા પોલીસ અધિક્ષકની સુચકતાથી તપાસનો ધમધમાટ રાતભર ચાલ્યો હતો અને પીએમ રીપોર્ટ અને એફએસએલ રીપોર્ટમાં સાઇનાઇડ પીવાથી મૃત્યુ થયાનું સામે આવ્યુ હતું.
- Advertisement -
લઠ્ઠાકાંડ શકયતા નહિવત હોવાનું માની વર્ષોના અનુભવતી સાચી દિશામાં તપાસ શરૂ થતા કથિત લઠ્ઠાકાંડનું પરિણામ ઝડપી લાવવામાં જૂનાગઢ પોલીસને સફળતા મળી હતી. ચૂંટણી સમયે કથિત લઠ્ઠાકાંડને રાજકીય રંગ આપવાની ચકચાર મચી હતી. એવા સમયે સ્થાનિક અને ઉચ્ચ કક્ષાએથી તપાસનો ઝડપી ધમધમાટ શરૂ થયો હતો અને ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.
જૂનાગઢ ક્રાઇમ બ્રાંચ અને પોલીસની જુદી-જુદી ટીમ દ્વારા સાઇનાઇડ જેવું અતિ ઘાતક ઝેરી પ્રવાહી કયાંથી આવ્યુ અને કેવી રીતે પીવડાવ્યુ તે દીશામાં જીણવટભરી તપાસ શરૂ કરતા મૃતક રફિક ઘોઘારી અને ભરત ઉર્ફે જોનનું મૃત્યુનું કારણનાં મૂળ સુધી પહોંચી ગયા હતા અને મૃત્કની પત્નિ મહેમુદા રફિક ઘોઘારીને ઉંડાણ પૂર્વક પૂછપરછમાં પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યુ હતું. જેમાં મહેમુદાના પ્રેમી આશીફ અને તેનો મિત્ર ઇમરાનની હત્યા પ્રકરણમાં સામેલ હોવાનું તપાસમાં ખુલ્યુ હતુ. જૂનાગઢ પોલીસે મૃતકની પત્નિ-પ્રેમી અને સાથી મિત્રની ધરપકડ કરી હતી.
ત્યારે સમગ્ર મામલાનો 2022ની ચૂંટણી સમયે જ રાજકીય રંગ જોવા મળી રહ્યો હતો. તેવા સમયે પોલીસે લઠ્ઠાકાંડ નહીં પણ બંન્ને લોકોની હત્યા થયાનો ખુલાશો સામે આવ્યો હતો.ત્યારે જૂનાગઢ પોલીસ અને અતિ ઘાતક સાઇનાઇડ કયાંથી આવ્યુ અને કોણ લાવ્યુ તે દિશામાં ઝડપભેર તપાસ કરી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે સાઇનાઇડ લાવનાર અને વેંચનાર હાથ વેતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આવતીકાલે જૂનાગઢ પોલીસ હત્યા પ્રકરણમાં વધુ ખુલાશો કરશે તેવું જાણવા મળી રહ્યું છે.
- Advertisement -
રાજકીય રંગ પર પાણી ઢોળતી પોલીસ
2022ની વિધાનસભા ચૂંટણીનાં મતદાન પૂર્વે જુનાગઢમાં બનેલી હત્યાની ઘટનાને રાજકીય રંગ આપવાની કોશિષ ટ્વીટમાં જોવા મળી હતી. કોંગ્રેસનાં દિગજ્જ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, ગુજરાતમાં ફરી એકવાર ઝેરી દારૂથી મૃત્યુ થયાનું ટ્વીટ કરી ચૂંટણી સમયે ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા. ચૂંટણીનાં માહોલમાં જુનાગઢ પોલીસે લઠ્ઠાકાંડ નહીં પણ હત્યા થઇ હોવાનો સાબિત કરી બતાવ્યુ હતું.
સાઇનાઇડના મુળ સુધી પહોંચી પોલીસ
જૂનાગઢમાં બે લોકોના હત્યા પ્રકરણ મામલે પોલીસે પત્નિ સહિત પ્રેમી અને સાથી મિત્રને ઝડપી લેવામાં સફળતા મળી છે. ત્યારે હવે સાઇનાઇડ કયાંથી આવ્યુ અને કોણ લાવ્યુ તેના મુળ સુધી પહોંચી ગઇ છે અને આવતીકાલે હત્યા પ્રકરણમાં વધુ આરોપી સાથે ખુલાસા કરવામાં આવશે.