ધંધુસરમાં ભારે વરસાદ વચ્ચે ટીમ 108 દર્દીના સહારે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
જૂનાગઢ સહિતના જિલ્લામાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદની કપરી પરિસ્થિતિમાં 108 સેવા અટક્યા વગર દર્દીઓ સુધી પહોંચી છે. વંથલી તાલુકાના ધંધુસર ગામે ભારે વરસાદ વચ્ચે 108 એમ્બ્યુલન્સ દર્દીના સહારે આવી હતી. ખાસ કરીને 108 એમ્બ્યુલન્સને દર્દી સુધી પહોંચવા માટે ભારે પૂરનો સામનો કરવો પડ્યો હતો. 108 એમ્બ્યુલન્સ પૂરમાં ફસાઈ નહી તે માટે 108 સેવાના પાયલોટે પોતાની કોઠાસૂઝ અને અનુભવોના ભાથાને કામે લગાડી દીધું હતું. 108 સેવાના પાયલોટે સૂઝબૂઝ દાખવી દર્દી સુધી પહોંચવા માટે કોઝ-વે પર પાણીની ઉંડાઈ 108ના પાયલોટે જાતે તપાસી હતી અને ત્યાર બાદ આગળ વધીને દર્દી સુધી પહોંચી જરુરી સારવાર આપી હતી.
- Advertisement -
ભારે વરસાદની સ્થિતિ હતી ત્યારે વંથલી તાલુકાના ધંધુસર ગામે લપસી પડવાથી એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે અને દર્દીને તાત્કાલિક સારવારની જરુરિયાત છે તેવી રજૂઆત મળતા 108ના પાયલોટ ભૂપેન્દ્રભાઈ ગઢવી તથા ઈએમટી જયદીપભાઈ નિમાવત વિનાવિલંબે ધંધુસર ગામ જવા રવાના થયા હતા. જૂનાગઢ શહેરની 108 એમ્બ્યુલન્સને પણ આ સતત થઇ રહેલી મેઘકૃપાના કારણે ઊબેણ નદીમાં આવેલા પૂરની પરિસ્થિતિમાં સ્થળ સુધી પહોંચવાની અગવડો હોવા છતાં ફરજને મહત્વ આપ્યું. જૂનાગઢ – ધંધુસર માર્ગ બંધ હતો આથી ધંધુસર પહોંચવા માટે વિકલ્પ ક્યો પસંદ કરવો તેની અવઢવ વચ્ચે 108 સેવાએ વંથલી, નવલખી, બરવાળા, રવનીના વૈકલ્પિક રસ્તા મારફત દર્દી સુધી પહોંચી તેને સારવાર પહોંચાડી માનવતાની મહેક મહેકાવી હતી.
108 એમ્બ્યુલન્સ સેવાના પ્રારંભ કાળથી પાયલોટ તરીકે સેવારત આપતા ભૂપેન્દ્રભાઈ ગઢવીએ કહ્યુ કે, નવલખી, બરવાળા, રવની ત્રણ ગામના કોઝ-વે પર પાણીનો પ્રવાહ સતત શરુ હતો ઉપરાંત મેઘલી રાત્રિ હોવાથી નિર્ણય કરવો પણ મુશ્કેલ હતો છતાં દર્દી સુધી પહોંચવું પણ આવશ્યક હતું. તેથી, ત્રણ ગામના કોઝ-વે પર એમ્બ્યુલન્સથી નીચે ઉતરી કોઝ-વેના પાણીમાં જાતે ઉતરી પાણીની ઊંડાઈ તપાસી જોખમ ન હોવાની ખરાઈ કર્યા બાદ એમ્બ્યુલન્સને આગળ હંકારી દર્દી સુધી પહોંચી તાત્કાલિક સારવાર આપી હતી. વિશેષ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. આ તકે દર્દીના સ્વજનોએ રાજય સરકાર અને 108 એમ્બ્યુલન્સ સેવાનો આભાર વ્યકત કર્યો હતો.



