હાર્મોનિયમ, ગિટાર અને તબલાની કરી હોળી
ખાસ-ખબર સંવાદદાતા
અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો સત્તા પર આવ્યાને એબે વર્ષ જેટલો સમય પસાર થવા આવ્યો હોવા છતાં તે જરાં પણ બદલાયા નથી. મહિલાઓને બ્યુટીપાર્લર ચલાવવાથી માંડીને અભ્યાસ કરવા પર પ્રતિબંધ મુકયો છે. નખશીખ શરીરનું અંગ ઢાકયા વિના મહિલાઓ બહાર નિકળી શકતી નથી. લોકો બે ટંક જમી શકતા નથી એવી દારુણ ગરીબીમાં કોઇ ટકાઉ આર્થિક ઉપાય કરવાના સ્થાને ઇસ્લામ અને પરંપરાના નામે અવનવા ગતકડા કાઢતા રહે છે.
- Advertisement -
અગાઉ તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં સાર્વજનિક સ્થાનો પર સંગીત વગાડવા પર પ્રતિબંધ મુકયો હતો હવે તેનાથી આગળ વધીને સંગીતના સાધનોને ભેગા કરીને સળગાવવા લાગ્યા છે. તન અને મનને ડોલાવતા સંગીતકારો પર પગલા ભરી રહી છે. હારર્મોનિયમ,ગિટાર,તબલા, એમ્પલિફાયર જેવા જે પણ સંગીત સાધનો મળે તેની જાહેરમાં હોળી થવા લાગી છે.
30 જુલાઇના તાલિબાનના નૈતિકતા મંત્રાલયે હેરાત પ્રાંતમાં સંગીત વાધો અને ઉપકરણોને બાળવાનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. એક સંગીતપ્રેમી માટે આ સાધનો જીવથી પણ અણમોલ હોય છે પરંતુ સંગીતના દુશ્ર્મન શાસકો માટે આ શુકનની ઘડીઓ હતી. તાલિબાન શાસકો સંગીતને અનૈતિક માને છે. ગીત-સંગીતને પ્રોત્સાહન આપવાથી લોકો ભ્રષ્ટ થઇ જાય છે અને ભટકી જાય છે એવી દલીલ કરવામાં આવી હતી.