પરાણે ડૉનેશન ઉઘરાવવાની આદત પડી ગઈ
‘કોઈ ડૉનેશન ન આપવા માંગે તો તમે યલ્લો ફીવર વૅક્સિન આપો કે કેમ’ તેવી માહિતી મંગાતા સિવિલ તંત્ર જવાબ ગળી ગયું!
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સિવિલ હોસ્પિટલ વધુ એકવાર વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 75 રૂપિયાની યલો ફીવર વેક્સિન સાથે 1500 રૂપિયા ડૉનેશનના નામે રોગી કલ્યાણ સમિતિ દ્વારા ઉઘરાવવામાં આવે છે. આ અંગે એક જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આરટીઆઈમાં જણાવ્યા અનુસાર 15-02-2017ના રોજ યેલો ફીવર વેક્સિનેશન અંતર્ગત મિટિંગમાં થયેલી ચર્ચા અનુસાર યેલો ફીવર ચાર્જીસ લેવામાં આવે છે. મતલબ કે, સિવિલ હોસ્પિટલ પાસે યલો ફીવર વેક્સિન લેનાર પાસેથી 1500 રૂપિયા રોગી કલ્યાણ સમિતિમાં લેવામાં આવે છે તેનો કોઈ પરિપત્ર કે લેખિત આદેશ જ નથી! આ સિવાય જો કોઈ વ્યક્તિ યલો ફીવર વેક્સિનમાં રોગી કલ્યાણ સમિતિમાં 1500 રૂપિયા ડોનેશન આપવા ન માંગે તેમજ રોગી કલ્યાણ સમિતિ પાસે કેટલું ફંડ છે તેની વિગતોમાં પણ સિવિલ હોસ્પિટલની પોલ ખુલી છે.
એક અરજદાર દ્વારા આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવી છે કે, રોગી કલ્યાણ સમિતિમાં કુલ જમા ફંડની વિગત તેમજ છેલ્લા બે વર્ષના કરેલા ખર્ચની વિગત જણાવવી. આ વિશે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા રોગી કલ્યાણ સમિતિમાં વર્ષ 2024-25 દરમિયાન કુલ 2,33,91,885 ફંડ અને વર્ષ 2025-26 દરમિયાન કુલ 1,13,85,436 ફંડ આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. ચોંકાવનારી વિગત એ છે કે, કરોડો રૂપિયાનું ફંડ આવ્યું હોવા છતાં હાલ રોગી કલ્યાણ સમિતિ પાસે કોઈપણ પ્રકારનું ફંડ ઉપલબ્ધ નથી એવું આરટીઆઈમાં જણાવવામાં આવ્યું છે. અલબત્ત આ ફંડનો ખર્ચ પણ એવો દર્શાવવામાં આવ્યો છે જાણે આખી સિવિલ હોસ્પિટલ રોગી કલ્યાણ સમિતિના ફંડ પર નભતી હોય.
- Advertisement -
આ સિવાય અરજદાર દ્વારા એવી પણ વિગત માંગવામાં આવી છે કે, યલો ફીવર વેક્સિન માટે જો કોઈ ડોનેશન ન આપે તો રસી આપવામાં આવે કે કેમ તે અંગે સિવિલ તંત્ર તરફથી આરટીઆઈમાં માંગેલ માહિતી રેકર્ડ પર શૂન્ય છે અને પ્રશ્ર્નાર્થ સ્વરૂપ હોય માહિતી આપી શકાય નહીં એવું જણાવી વધુ એક વિવાદ ઉભો કરી દીધો છે. જો પ્રશ્ર્નાાર્થ સ્વરૂપ હોય અને માહિતી આપી શકાય તેમ ન હોય તો શા માટે એવું જણાવવામાં આવ્યું કે માહિતી રેકર્ડ પર શૂન્ય છે?
હકીકતમાં આરટીઆઈથી લઈ સિવિલના આંતરિક સૂત્રો પાસેથી મળેલી માહિતીને આધારે સ્પષ્ટ થાય છે કે, સિવિલ હોસ્પિટલમાં 75 રૂપિયાની યલો ફીવર વેક્સિન સાથે રોગી કલ્યાણ સમિતિમાં ડોનેશનના નામે લેવાતા 1500 રૂપિયા તદ્દન ગેરવાજબી છે તેમજ આ ડોનેશન લેવાના કોઈ જ આધાર પુરાવા કે પરિપત્ર ઉપલબ્ધ હોય તેવું જણાતું નથી. હવે અરજદાર દ્વારા આરટીઆઈમાં આપેલી માહિતીથી અસંતુષ્ટ હોય ઉચ્ચ માહિતી અધિકારી સમક્ષ અપીલમાં જવાનું નક્કી કર્યું છે ત્યારે જોવું રહ્યું કે આગામી સમયમાં યલો ફીવર વેક્સિન સાથે રોગી કલ્યાણ સમિતિના નામે થતા ઉઘરાણાની વધુ કેટલી અને કેવી ચોંકાવનારી વિગતો બહાર આવશે.



