ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના સુંદરગઢ પાસે આવેલ પેપરમિલે ફરી એકવાર પ્રદુષિત પાણી પાણીની વહેણમાં ઓક્યુ છે જેને લઈને આજુબાજુના ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ થોડાં સમય પહેલાં પણ પેપરમિલે પ્રદુષિત પાણી વોકળામાં છોડતાં ગ્રામજનોએ વિરોધ કર્યો હતો જેથી તે સમયે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે ધામા નાખ્યાં હતાં અને પ્રદુષિત પાણીના સેમ્પલો લીધાં બાદ ધરખમ દંડ ફટકાર્યો હતો જોકે આ દંડનીય કાર્યવાહી બાદ પણ સુંદરગઢ પાસે આવેલી પેપરમિલે પ્રદુષિત પાણી વોકળામાં ઓકવાનુ ચાલુ રાખ્યું છે. વોકળામાં છોડાયેલ પ્રદુષિત પાણી વરસાદી પાણી સાથે બ્રાહ્મણી ડેમ 2 માં જાય છે અને સીધું જ લોકોના ઘર સુધી પાણી પિવાના ઉપયોગમાં લેવાય છે કારણકે બ્રાહ્મણી ડેમ 2 તાલુકાની જીવાદોરી છે અને તાલુકામાં પીવા માટે પાણી ડેમમાંથી જ આપવામાં આવે છે ત્યારે વારેઘડીએ વોકળામાં પ્રદુષિત પાણી છોડવામાં આવતા કારખાના સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ અને કાર્યવાહી થયા બાદ પણ કારખાનું પ્રદુષિત પાણી છોડવાનું યથાવત રાખશે કે કેમ તે જોવાનું રહ્યું.સુંદરગઢ પાસે આવેલ પેપરમિલે અગાઉ પ્રદુષિત પાણી વોકળામાં છોડતાં જીપીસીબીએ પ્રદુષિત પાણીના સેમ્પલ લીધાં હતા અને ભારેખમ દંડ પણ ફટકાર્યો હતો.
જોકે અગાઉ માલધારીઓ અને ખેડૂતોએ પ્રદૂષિત પાણીનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે, પ્રદુષિત પાણીને પશુઓ પીવે એટલે પશુઓના અકાળે મોત થાય છે તેમજ પશુઓ રોગમાં સપડાઈ છે. આ ઉપરાંત ખેડુતોએ જણાવ્યું હતું કે, પ્રદુષિત પાણી જમીનમાં ઉતરીને બોર મારફત બહાર આવે છે અને પાકને નુકસાન સાથે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે ત્યારે આવી પ્રદુષિત પાણી અને હવા ઓકતી પેપબરમિલ સામે કાર્યવાહી કરવા ગ્રામજનોએ અગાઉ રજૂઆત કરી હતી અને કાર્યવાહી પણ કરવામાં આવી હતી ત્યારે ફરી એકવાર પ્રદુષિત પાણી વોકળામાં ઠાલવવામાં આવ્યું છે ત્યારે કાર્યવાહી કેવા પ્રકારની થશે તે જોવું
રહ્યું !