સંસદની બહાર વિપક્ષનો હોબાળો, NEET પર ચર્ચા કરવા માગ સાથે એકજૂટ થઈને કર્યા દેખાવ
18 મી લોકસભાના પ્રથમ સત્રના બીજા સપ્તાહમાં પણ ભાજપ નેતૃત્વવાળી એનડીએ સરકાર અને વિપક્ષની વચ્ચે હોબાળો ચાલુ રહ્યો. આજથી સંસદની કાર્યવાહી ફરી શરૂ થઈ. સરકારની મુશ્કેલી વધારતાં વિપક્ષે સંસદની બહાર NEET પર એક દિવસ ચર્ચાની માગ સાથે દેખાવો કર્યા હતા. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરવાની જગ્યાએ વિપક્ષે NEET, તપાસ એજન્સીઓના દુરુપયોગ જેવા મુદ્દા પર સત્તાપક્ષ ભાજપને ઘેર્યો હતો. વિપક્ષ વતી રાહુલ ગાંધીએ લોકસભામાં માગ કરી હતી કે એક દિવસ માટે NEET મુદ્દે ચર્ચા કરવામાં આવે, પરંતુ સરકાર એ માટે તૈયાર ન થતાં વિપક્ષે આખરે વૉકઆઉટ કર્યું હતું.
- Advertisement -
રાજ્યસભાની કાર્યવાહી 2.15 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
દાયકાઓથી નહેરૂના ચરિત્ર હનનમાં લાગેલું છે સંઘ-ખડગે
ખડગેએ અટલ બિહારી વાજપાપેઇનું નિવેદન કોટ કર્યું અને સાથે જ સંઘને લઇને નેહરૂના લેટરને વાંચી સંભળાવ્યો. તેના પર સભાપતિએ કહ્યું- એ પણ જણાવી દે કે અટલબિહારી વાજપેઇજી કયા સંગઠનના હતા. ખડગેએ તેના પર કહ્યું કે જનસંઘ. તેમણે કહ્યું કે વાજપેઇજી હોત તો આ પ્રકારના ઝેરીલી વાતો ન કરતા. ખડગેની સ્પીચ બાદ સુધાંશુ ત્રિવેદી ઉભા થયા. તેમણે કહ્યું કે મેં જવાહર લાલ નહેરૂને લઇને કોઇપણ ઝેરી વાત કહી નથી. મેં માત્ર કોંગ્રેસના જ ચાર નેતાઓને કોટ કર્યા.
- Advertisement -
ખડગેએ ઉઠાવ્યો નોકરી અને મોંઘવારીનો મુદ્દો
મલ્લિકાર્જુન ખડગેએ ભરતીઓનો મુદો ઉઠાવ્યો. તેના પર સભાપતિ ઘનખડે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને જવાબ આપવા માટે કહ્યું. અશ્વિની વૈષ્ણવે નોકરીઓના આંકડા જણાવ્યા. ખડગેએ મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો અને 2014 ની ચૂંટણીમાં ભાજપનો ચૂંટણીનો નારો યાદ અપાવ્યો- ઘટશે મોંઘવારી, વધશે કમાણી. તેમણે સરકારને કામ કરવાની સલાહ આપી અને મહાત્મા ગાંધીનું એક વક્તવ્ય કોટ કર્યું.
અમે ચૂંટણીપંચને 117 ફરિયાદો કરી પણ કોઈ કાર્યવાહી ના થઇ
રાજ્યસભામાં ખડગેએ ચૂંટણી પંચનો મુદ્દો પણ છેડ્યો. તેમણે કહ્યું કે ‘વડાપ્રધાન મોદીના નિવેદનો પર રાષ્ટ્રપતિ મૂર્મુએ તેમના અભિભાષણમાં ચિંતા વ્યક્ત કરવાની જરૂર હતી. વડાપ્રધાને ચૂંટણીના ભાષણોમાં 421 વાર મંદિરો, મસ્જિદો અને અન્ય ધર્મોની વાત કરી. પાકિસ્તાન અને લઘુમતીઓ વિશે 224 વખત વાત કરી. કોંગ્રેસનો ઢંઢેરો ચોક્કસ ધર્મ સાથે જોડી દીધો. 75 વર્ષમાં અલગ-અલગ પક્ષોના વડાપ્રધાનોએ ચૂંટણીમાં પ્રચાર કર્યો. પહેલા ક્યારેય આવું જોવા મળ્યું નથી. અમે ચૂંટણી પંચને 117 ફરિયાદો કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી. ચૂંટણી દરમિયાન કોંગ્રેસના બેન્ક ખાતા સીઝ કરાયા હતા અને આવકવેરાની નોટિસો પણ ફટકારાઈ.
ગૃહમાં ખડગેનો શાયરાના અંદાજ પણ જોવા મળ્યો
ખડગેએ શાયરાના અંદાજમાં કહ્યું કે ‘સચ બોલને વાલે અક્સર બહુત હી કમ બોલતે હૈ, જૂઠ બોલને વાલે નિરંતર, હરદમ બોલતે હૈ… એક સચ કે બાદ ઔર સચ કી જરૂરત નહીં હોતી, એક જૂઠ કે બાદ સેંકડો જૂઠ આદતન બોલતે હૈં…’ વડાપ્રધાન મોદીની અમૃતવાણી છે. જે મેં અહીં રજૂ કરી. જો તમને દુઃખ થયું હોય તો કે પછી એમને દુઃખ થયું હોય તો માફી માગુ છું.
ખડગેએ બંધારણીય સંસ્થાઓના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો
રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગેએ બંધારણીય સંસ્થાઓના દુરુપયોગનો આક્ષેપ કરતાં કહ્યું હતું કે તેનો ઉપયોગ વસૂલી માટે કરવામાં આવ્યો. મને આશા છે કે તમે સત્યનું સમર્થન કરશો. તેના પર અધ્યક્ષે કહ્યું કે હું હંમેશા સત્યનું સમર્થન કરું છું. ગૃહના નેતાઓ હસ્તક્ષેપ કરવા માંગે છે. તેના પર ખડગેએ કહ્યું કે મારી લિંક તૂટી જશે. ગૃહના નેતા જેપી નડ્ડાએ સ્પીકરને લઈને વિપક્ષના નેતાના નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો. ખડગેએ કહ્યું કે હું અહીં કોઈનું અપમાન કરવા માટે ગૃહમાં આવ્યો નથી. અધ્યક્ષ ધનખરે પણ આવા આક્ષેપો અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. આના પર ખડગેએ કહ્યું કે જો તમને દુઃખ થાય તો ઠીક છે, મને અફસોસ છે.
અમે પેપરલીક, બેરોજગારીની વાત કરીએ છે, તો મોદીજી મંગળસૂત્ર અને મુજરાની
રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ વિશે વાત કરતા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર આક્રમક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ‘અમે ખેડૂતોની વાત કરીએ છીએ ત્યારે મોદી ભેંસ ઉપાડી જવાની વાત કરે છે. અમે ભાજપના ભાગલાના રાજકારણની વાત કરીએ છીએ ત્યારે મોદીજી ઔરંગઝેબની વાત કરે છે. અમે પેપર લીકની વાત કરીએ છીએ ત્યારે તેઓ મંગલસૂત્ર અને મુજરાની વાત કરે છે. અમે રોજગારીની વાત કરીએ છીએ ત્યારે તેઓ ‘મન કી બાત’ કરવા લાગે છે. ઈતિહાસને લગતા નિર્ણયો લેવામાં જનતા સક્ષમ છે. જૂઠું બોલવું, લોકોમાં ભાગલા પાડવા, આ બધું પહેલીવાર બન્યું છે. આ પહેલા કોઈ વડાપ્રધાને આવા કામ કર્યા નથી.’ આ દરમિયાન ખડગેએ વિદેશી મીડિયાના કવરેજનો ઉલ્લેખ કરતા કહ્યું કે ‘વિશ્વગુરુ વિશે આપણે નહીં પરંતુ વિશ્વ બોલી રહ્યું છે. દેશની ચૂંટણીમાં વડાપ્રધાન નફરતભર્યા શબ્દો બોલ્યા હતા.’
રાષ્ટ્રપતિના અભિભાષણમાં કોઈ વિઝન નથી : મલ્લિકાર્જુન ખડગે
લોકસભામાં વિપક્ષના વૉકઆઉટ બાદ રાજ્યસભામાં પણ ભારે હોબાળો યથાવત્ રહ્યો હતો. રાજ્યસભામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાષ્ટ્રપતિના ભાષણનો જવાબ આપ્યો હતો. તેમણે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ અંગે ચર્ચાની શરૂઆત કરતાં કહ્યું કે ‘પડકારોનો સામનો કઇ રીતે કરાશે તે અંગે જણાવવાનું હતું પણ રાષ્ટ્રપતિના અભિભાષણમાં કોઈ વિઝન જ નહોતું. તેમનું અભિભાષણ ફક્ત સરકારની પ્રશંસા કરનારું હતું. તેમાં પાયાની સુવિધાઓની અવગણના કરવામાં આવી. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે આપણે સાથ મળીને કામ કરીશું પણ છેલ્લાં 10 વર્ષ જોશો તો ખબર પડશે કે આ ફક્ત ભાષણોમાં જ હતું.’
સત્તાપક્ષ દ્વારા NEET મુદ્દે ચર્ચા કરવા કોઈ તૈયારી ન બતાવાતા વિપક્ષે હોબાળો મચાવ્યો અને આખરે લોકસભામાંથી વૉકઆઉટ કરવાનો નિર્ણય લીધો.
સંસદે ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સંસદ વતી ભારતીય ક્રિકેટ ટીમને T-20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા.
I.N.D.I.A ગઠબંધને તપાસ એજન્સીઓના દુરુપયોગ સામે કર્યા દેખાવ
કેન્દ્રીય તપાસ એજન્સીઓ જેમ કે ઈડી, સીબીઆઈ, ઈન્કમ ટેક્સ વિભાગના દુરુપયોગનો આરોપ મૂકતાં I.N.D.I.A ગઠબંધનના સાથીઓએ સંસદના ગેટ પર જ દેખાવો શરૂ કરી દીધા હતા. આ દેખાવોમાં રાહુલ ગાંધી પણ જોડાયા હતા.




