ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
લોકસભાની ચૂંટણીના કારણે ગાંધીનગર ખાતે હવે આગામી શનિવારે બે માસ બાદ આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાશે જેમાં તમામ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં સગર્ભા નોંધણી સહિતના વિવિધ મુદ્દાઓની ઊંડી સમીક્ષા કરાશે અને નબળી કામગીરી કરનારા આરોગ્ય અધિકારીઓને નોટિસ આપવા સુધીના પગલાં પણ લેવાશે.
રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પપ્પુસિંઘે જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતે ચૂંટણીના કારણે દર મહિને પ્રથમ શનિવારે મળતી સમીક્ષા બેઠક યોજાઇ ન હતી. આગામી શનિવારે મળનારી બેઠકમાં મુખ્યત્વે સગર્ભા નોંધણી, બાળકોના રસીકરણની કામગીરી, હોમ ડિલિવરી, આયુષ્યમાન કાર્ડની કામગીરી, પીએચસીના જમીનના પ્રશ્નો, સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે કે કેમ તે અંગેની સમિક્ષા કરાશે. તેમજ ખાનગી હોસ્પિટલમાં ઇન્સ્પેકશન સહિતની બાબતોનો રિવ્યૂ કરાશે અને જે જિલ્લાની નબળી કામગીરી હોય ત્યાંના જિલ્લા આરોગ્ય અધિકારીઓનો ખુલાસો પૂછવામાં આવે છે અને જરૂર જણાયે તેમને નોટિસ પણ અપાશે. ગાંધીનગર ખાતે યોજાનારી આ બેઠકમાં રાજ્યના કોઇ પણ જિલ્લામાં જો કોઇ રોગચાળો વધ્યો હોય તો તે બાબતની સમીક્ષા કરાશે અને તેને વકરતો અટકાવવા લેવાયેલા પગલાંની પણ સમીક્ષા કરાશે.