ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા પંથકના 45 ગામની દોઢ લાખ માનવ વસ્તી માટે તાલાલા ગીરથી અમરેલી જવાની તમામ એસ.ટી બસ બંધ કરી એસ.ટી વિભાગે તલાલા પંથકની પરિવહન સેવા ઝુંટવી લીધા બાદ તાલાલા ગીરથી અમરેલી જવા માટે બે ટ્રેન નો વિકલ્પ હતો તે પણ રેલ્વે બાબુઓએ છીનવી લેતાં તાલાલા પંથકની મુસાફર જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે.
- Advertisement -
તાલાલા થી સાસણગીર, વિસાવદર, ધારી થઈને અમરેલી જવા માટે સવારે 10:20 તથા બપોરે 02:05 મિનિટે એમ બે મીટરગેજ પેસેન્જર ટ્રેન જતી હતી જે અમરેલી થી સવારે 10:30 અને બપોરે 04:20 કલાકે પરત આવતી હતી.અમરેલી બ્રોડગેજ લાઈન ની કામગીરી ચાલતી હોવાનું કારણ રજૂ કરી તાલાલા ગીર થી અમરેલી જવાની બંને ટ્રેનો રેલવે બાબુઓએ બંધ કરી દેતા તાલાલા પંથકના 45 ગામની અમરેલી જવાની એકમાત્ર ટ્રેન સુવિધા હતી તે પણ ઝુંટવાઈ ગઈ છે.અમરેલી બ્રોડગેજ લાઈન ની કામગીરી લાંબો સમય સુધી ચાલે તેમ હોય ત્યાં સુધી અમરેલી જવાની ટ્રેન સેવા બંધ રાખવી તાલાલા પંથકની મુસાફર જનતા માટે હળાહળ અન્યાય છે.તાલાલા તાલુકાને અમરેલી જવાની એકમાત્ર મીટરગેજ ટ્રેન સુવિધા હોય લાંબો સમય ટ્રેનો બંધ રાખવાનો નિર્ણય મુસાફર જનતા માટે આફતરૂપ બનશે.
ધારી રેલવે સ્ટેશન ઉપર ઘટતી થોડી ઘણી સુવિધા ઉભી કરવામાં આવે તો તાલાલા થી અમરેલી જતી ટ્રેનો ધારી સુધી દોડાવી શકાય તેમ છે માટે અમરેલી ખાતે બ્રોડગેજ લાઈન નું કામ પૂર્ણ થાય નહીં ત્યાં સુધી તાલાલા,સાસણ ગીર,વિસાવદર,ધારી,અમરેલી જતી પેસેન્જર ટ્રેન ધારી સુધી ચાલુ રાખી તાલાલા,ઉના,ગીર ગઢડા,વિસાવદર વિગેરે સોરઠના સાત તાલુકાની મુસાફર જનતાની મુશ્કેલીનું સુખરૂપ નિવારણ લાવવા પ્રબળ લોક માંગણી ઉઠી છે.



