રાજુલાના ભેરાઈ ગામે વિશ્ર્વ સિંહ દિવસની અનોખી ઉજવણી: સિંહ સ્મૃતિ સ્મારક પર પૂજા-આરતી કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.11
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે 10 ઓગસ્ટ, 2025 ના રોજ રાજુલા તાલુકાના ભેરાઈ ગામ પાસે આવેલા વિશ્વના એકમાત્ર સિંહ સ્મૃતિ સ્મારક ખાતે અનોખી ઉજવણી કરવામાં આવી. સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓએ અહીં સિંહની પૂજા અને આરતી કરીને આ દિવસની ઉજવણી કરી, જેમાં સિંહ ચાલીસાનું પઠન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજુલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિલેશ વેગડા, જાફરાબાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાઘેલા, રાજુલા નેચર ક્લબના વિપુલભાઈ લહેરી, ભેરાઈ ગામના સરપંચ વાલાભાઈ રામ, કથાકાર હિતેશદાદા ઝાંખરા અને વન વિભાગના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તમામ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી દર્શાવે છે કે રાજુલા પંથકના લોકો માટે સિંહ માત્ર એક પ્રાણી નથી, પરંતુ તેમના પ્રાણથી પણ પ્રિય છે.
- Advertisement -
સિંહ સ્મૃતિ સ્મારક પાછળની કરુણ કહાની
આ સિંહ સ્મૃતિ સ્મારક પાછળ એક દર્દભરી કહાની છે. વર્ષ 2014માં ભેરાઈ ગામ નજીક એક રેલવે અકસ્માતમાં બે સિંહણના મોત થયા હતા. આ સિંહણો સ્થાનિક લોકો સાથે ખૂબ હળીમળીને રહેતી હોવાથી તેમના મૃત્યુથી લોકો ખૂબ દુ:ખી થયા હતા. તે પછી, સિંહપ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ અને માલધારીઓએ ભેગા મળીને લોક ભાગીદારીથી આ સ્મારક બનાવ્યું. આ સ્મારક માટે ભેરાઈ ગામના હરસુરભાઈ રામે પોતાની જમીન આપીને વિશેષ યોગદાન આપ્યું હતું. આ સ્મારક પર લોકો માનતા પૂરી કરવા પણ આવે છે.