ઢોસા-ઈડલી, ઉત્તપ્પમ અને વડા સાંભારથી વિશેષ અને અલગ એવું દક્ષિણ ભારતીય વ્યંજનોમાં બીજું ઘણુંબધું છે, રાજકોટમાં તાજેતરમાં જ શરૂ થયેલી “ચેન્નઈ’સ ચટનીઝ” અમે માણેલી આવી જ વાનગીઓનો જાત અનુભવ…
સાઉથ ઈન્ડિયન ટેસ્ટ માટેનો આગ્રહ એટલો કે, ચોખા પણ ત્યાંથી આવે, ઝીણી ડુંગળી અને ઘી પણ ત્યાંથી જ મંગાવવામાં આવે!
- Advertisement -
તમે ક્યારેય ઉત્તર ભારતમાં ઢોકળાં ખાધા છે? ગાદલાં જેવાં જાડાપાડા અને ચાસણીથી નીતરતા હોય. બેસનનાં રસગુલ્લા જેવું લાગે. મનાલી અને શિમલાનાં ધ મોલ રોડ પર ગુજરાતી વાનગી મળે છે: ઢોકળાં. એ જ પહેલવાન બ્રાન્ડ ગાદલું. અને આપણું સુરતી કે અમદાવાદી ખમણ કેવાં હોય? વાટીદાળનાં. હેલ્ધી અને સ્વાદિષ્ટ. પ્રોટિનથી છલોછલ, સ્યૂગર સીરપથી નહીં. એક્ઝેકટલી સાઉથની વાનગીઓ પર આપણે ત્યાં સૃષ્ટિ વિરુદ્ધનું કર્મ થાય છે. ચીઝ ઢોસા, પનીર ઢોસા અને એવું ઘણુંબધું. કેટલીક રેસ્ટોરાંમાં તો જિન્ની ઢોસા પણ મળે છે, બોલો. સવાલ એ છે કે જિન્ની ઢોસા બનતા હોય તો ભૂત ઢોસા, ચૂડેલ ઢોસા અને ખિજડાવાળા મામા ઢોસા કેમ નહીં?
દોસ્તો, કહેવાનું તાત્પર્ય એટલું જ કે, જે-તે પંથકનું ઓથેન્ટિક ફૂડ એ વિસ્તારનાં કુશળ રસોયા જ બનાવી શકે. મોટા ભાગે એવું હોય. મુંબઈની પાઉં-ભાજીમાં કોઈ ગજબનાક ટેસ્ટ હોય છે. સૌરાષ્ટ્રનાં એક ટાઉનમાં એક ભાઈ એવી પાઉંભાજી બનાવે છે – જેમાં મૂળ સામગ્રી ઉપરાંત ભીંડો, દૂધી, ગુવાર, લિલી ચોળી પણ ઠોકે છે. મેં એક વખત ટેસ્ટ કરી હતી. મારે એનો રીવ્યુ આપવો નથી પણ, એટલું કહીશ કે નર્કમાં જ્યારે પાઉંભાજી બનશે ત્યારે એ ભાઈનો પણ સામગ્રીમાં ઉપયોગ થશે. હવે મુદ્દાની વાત: આપણે ત્યાં જે સાઉથ ઇન્ડિયન બને છે એ કંઈ બધી જગ્યાએ ખરાબ નથી હોતું પરંતુ જેમ ઇત્તર ભારતમાં ગુજરાતની ઓળખ ઢોકળાં અને ફાફડા (થેન્કસ ટુ તારક મહેતાના આંધળા ચશ્ર્માં, બોલિવુડ, સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સ અને વેબ સિરીઝ) પૂરતી જ મર્યાદિત થઈ ગઈ છે. આપણાં મૂઠિયાં, દાળ-ઢોકળી, ઊંધિયું, ઘારી, હાંડવો, વાટીદાળનાં ખાંડ વગરનાં ખમણ, તૂરિયા-પાત્રા, ઢોકળી જેવી અનેક વાનગીઓથી શેષ ભારત અજાણ છે. આવું જ સાઉથ ઇન્ડિયન ક્યુઝીન સાથે બન્યું છે. ઈડલી-વડાં, ઢોસા અને ઉત્તપ્પમ. આપણામાંથી મોટાભાગનાં લોકો માટે આ જ અને માત્ર આ જ સાઉથ ઇન્ડિયન વેજ ડિશીઝ છે. હું પણ સાઉથમાં ગયો એ પછી ત્યાંની વાનગીઓનાં વૈવિધ્ય વિશે જાણ થઈ. અને હવે રાજકોટને પણ જાણ થશે. હમણાં એક મિત્રએ રાજકોટમાં “ચેન્નઈ’સ ચટનીઝ” નામની રેસ્ટોરાં (બિલખા પ્લાઝા, લોર્ડ્સ બેન્ક્વેટ હોટેલની સામે, ચૌધરી હાઈસ્કૂલ પાસે) સ્ટાર્ટ કરી છે. અમે હમણાં સપરિવાર ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ કરવા ગયા હતા અને અમે દિલથી એ ખૂબ માણ્યું. રીતસર ટેસડો પડી ગયો.અને ખૂબ મોજ આવી તેનું કારણ એ કે, ત્યાં એકદમ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન મળે છે. ત્યાં આઠેક જેટલાં કૂક અને એક શેફ છે, આ બધાંને તેઓ ચેન્નઈથી જ લઇ આવ્યા છે. મેનુ પણ એવું કે, આપણને સંકલ્પ જેવી ચેઇન સાવ ફિક્કી લાગે. આખો સ્ટાફ ટ્રેઇન્ડ છે. એકાદ મહિના સુધી તો અહીં રેસ્ટોરાં ચાલું કરતા પહેલાં ટ્રાયલ ચાલી. બધી વાનગીમાં પરફેક્શન મેળવાયું. સાઉથ ઇન્ડિયન ટેસ્ટ માટેનો આગ્રહ એટલો કે, ચોખા પણ ત્યાંથી આવે, ઝીણી ડુંગળી અને ઘી પણ ત્યાંથી જ મંગાવવામાં આવે. અમે કેરળ ગયા તો એકપણ રેસ્ટોરાંમાં ચીઝ ઢોસા કે ઇવન બટર ઢોસા પણ ન જોયા. ત્યાં ઓઇલ અથવા ચોખ્ખા ઘીનું જ ચલણ છે. તમિલનાડુનાં બે-ત્રણ ગામડાંનું ઘી ત્યાં જબરું વખણાય છે. આ ઘીનો જ ઉપયોગ અહીં થાય છે.
અને મેનુ (સાચો શબ્દ મેન્યુ છે, કદાચ)માં અનેક પ્રકારની ટ્રેડિશનલ ઈડલી, અનેક પ્રકારનાં ઢોસા, વડાં ઉપરાંત બીજું ઘણુંબધું છે. કાંચિપુરમ ઈડલી ઉપરાંત થાટ્ટે ઈડલી – જેની પર દેશી ઘી ઉપર પોડ્ડી મસાલા નાંખીને સર્વ થતી મોટી સાઈઝની ચપટી ઈડલી એકદમ ચકાચક. ચેટ્ટીનાડની વિખ્યાત ડિશ પેન્નીયરમ પણ એકદમ સ્વાદિષ્ટ છે. સાઉથનાં રાજ્ય કેરળની ઘણી ડિશ એકદમ સ્વાદિષ્ટ હોય છે. અહીંના મેનુમાં કેરળની વાનગીઓનું આખું અલગ પેજ છે. કેરળનાં વિખ્યાત ગણાતા માલાબાર પરાટ્ટા (પરોઠા)ના ચેન્નઈ’સ ચટનીઝમાં અનેક કોમ્બો છે અને સાઉથ સ્ટાઈલનાં અનેક જાતનાં ભજીયા પણ ખરા. આજની પેઢીને ગમે તેવા ફ્યુઝન પણ છે. છ’એક પ્રકારની મજેદાર ચટણીઓ અહીંની સ્પેશિયાલિટી, અનેક પ્રકારનાં કોમ્બોઝ, થાળી, ફિલ્ટર કોફી, મીઠાઈઓ… અહીં બધું જ છે, તમારી જ ખોટ છે. આ દિવાળીની રજાઓમાં પહોંચી જજો, ચેન્નઈ’સ ચટનીઝમાં. એટલી ખાતરી છે કે, તમે નિરાશ નહીં થાઓ.
નોંધ: આ પેઈડ પ્રમોશન નથી, મને જ્યાં અત્યંત સારો કે અત્યંત ખરાબ અનુભવ થયો હોય ત્યારે એ જવફયિ કરતો હોઉં છું.
-કિન્નર આચાર્ય
(તંત્રી-“ખાસ-ખબર” દૈનિક)
- Advertisement -