આગામી લોકસભા ચૂંટણી, શું કહે છે ગુજરાત?
મતદારોની સંખ્યામાં અગ્રેસર રહેલા સમાજમાં ઉભી થયેલી નારાજગી અને ગરમાગરમી વચ્ચે તમામ રાજકીય પક્ષો જ્ઞાતિને સાધવાના સમીકરણો રચે તો નવાઈ નહીં!
- Advertisement -
દેશમાં ચૂંટણીનો માહોલ સર્જાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત તમામ મોટા નેતાઓ ચૂંટણી રેલીઓ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (bjp)ના નેતાઓ તેમના સહયોગી ગઉઅ માટે 400 પાર કરવાના નારા લગાવી રહ્યા છે, જ્યારે વિપક્ષી ગઠબંધન ‘india’ પણ મજબૂત પુનરાગમનની તૈયારી કરી રહ્યું છે. ગુજરાતની વાત કરીએ તો આ રાજ્ય ભાજપ માટે મજબૂત કિલ્લો છે અને સ્વાભાવિક પણે ભાજપ 2024ની ચૂંટણીમાં પણ અહીં સંપૂર્ણ સરસાઈ મેળવવા માંગે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંનેનું રાજ્ય હોવાથી અને આમ પણ વિવિધ કારણોસર ગુજરાત ભાજપ માટે ખૂબ જ ખાસ રાજ્ય રહ્યું છે. ગત ચૂંટણીની વાત કરીએ તો, 2019ની સંસદીય ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં ફરી એકવાર કોરેકોરી સરસાઈ મેળવી હતી. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે, જેમાંથી ભાજપે તમામ બેઠકો કબજે કરી હતી. સાથે જ કોંગ્રેસનું ખાતું પણ ખોલી શકાયું નહોતું. આ ચૂંટણીમાં ભાજપને 62 ટકાથી વધુ વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસને 32.11 ટકા વોટ મળ્યા. જો કે 32 ટકા વોટ મળ્યા બાદ પણ કોંગ્રેસ અહીં ખાતું ખોલાવી શકી ન્હોતી. જ્યારે, દેશમાં પહેલીવાર નરેન્દ્ર મોદીના નામે ચૂંટણી લડવામાં આવી એ 2014માં પણ આવું જ ચૂંટણી પરિણામ આવ્યું હતું. મોદીની હોમપીચ પર ભાજપની તરફેણમાં મજબૂત વાતાવરણ હતું અને ભાજપે તમામેતમામ 26 બેઠકો જીતી લીધી હતી.ગત લોકસભાની ચૂંટણીના કેટલાક પરિણામો ગુજરાતમાં ભાજપ માટે ખૂબ સારા રહ્યા હતા. 2019ની સંસદીય ચૂંટણીમાં દેશની સૌથી મોટી જીત નવસારી સંસદીય બેઠક પરથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ઉમેદવાર સીઆર પાટીલે રેકોર્ડબ્રેક જીત હાંસલ કરી હતી.પાટીલ આ હરીફાઈમાં 689,668 મતોની સરસાઈથી જીત્યા હતા. આ સરસાઈ 2019ની ચૂંટણીમાં મતોના માર્જિનથી સૌથી મોટી જીત સાબિત થઈ હતી.આ ઉપરાંત બીજી ચાર સીટ પર ભાજપ 5 લાખ મતોથી જીતી હતી. ગુજરાતમાં આ સંસદીય ચૂંટણીમાં 4 જગ્યાએ જીત અને હાર વચ્ચેનો તફાવત 5 લાખથી વધુ મતનો હતો.
- Advertisement -
અત્રે એ નોંધવું પડે કે વીસેક વર્ષના શાસન બાદ પણ ભાજપને સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડ્યો ન્હોતો. જો કે એ વખતે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાંથી ચૂંટણી લડી ન હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે લોકસભાની ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું અને ગાંધીનગરની જે સીટ લાલકૃષ્ણ આડવાનીની હતી તેના પરથી લડી, બહુ મોટા અંતરથી, 5 લાખથી વધુ મતોથી જીત્યા હતા. અટલ બિહારી વાજપેયી પણ ગાંધીનગર સંસદીય બેઠક (1996) પરથી ચૂંટણી જીત્યા છે. વાજપેયી 2 બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા અને બંને બેઠકો (ગાંધીનગર અને લખનૌ) પરથી જીત્યા હતા.
ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણીમાં પણ કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર તેની જીતનું ખાતું ખોલવાનો છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાનની જેમ અહીં પણ કોંગ્રેસ ખાતું ખોલાવી શકી નહોતી. કોંગ્રેસ રાજ્યમાં 10 વર્ષથી સત્તાથી દૂર છે. જ્યારથી મોદી દેશના પીએમ બન્યા છે ત્યારથી આ રાજ્ય ભાજપ માટે અભેદ્ય ગઢ બની ગયું છે. ભાજપ પોતાના આ સૌથી મજબૂત કિલ્લામાં કોંગ્રેસ માટે કોઈ રસ્તો છોડવા માંગતી નથી. જ્યારે કોંગ્રેસ તેનું ખાતું ખોલવા પર ધ્યાન કેન્દ્રિત કરશે જે ખૂબ જ પડકારરૂપ થવાનું છે કારણ કે ભાજપે તેના ઘણા મોટા નેતાઓને યેનકેન પ્રકારે પોતાના પક્ષમાં સામેલ કર્યા છે. જો કે આ વખતે કોંગ્રેસને અહીંથી આમ આદમી પાર્ટીનું સમર્થન છે(અલબત્ત આમ આદમી પાર્ટી અત્યારે ખુદ બહુ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે.) અહીં બંને પક્ષો સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. આવી સ્થિતિમાં 2024ની ચૂંટણી બંને પક્ષો માટે ખાસ રહેવાની છે.
ગુજરાતમાં ભાજપ કેટલીક બેઠકો ઉપર ઉમેદવારની પસંદગીમાં થાપ ખાઈ ગયો છે જેના મૂળમાં સ્થાનિક નેતાગીરીએ પ્રદેશ નેતૃત્વને અંધારામાં રાખ્યાનું પણ સ્પષ્ટ દેખાય છે , પ્રદેશ નેતૃત્વ આપસી લડાઈમાં પોતાના વફાદાર નેતાઓને આગળ કરવામાં રહ્યું
*ગુજરાત લોકસભા 2024ની વાત કરીએ તો,*
ગુજરાતમાં ભાજપ કેટલીક બેઠકો ઉપર ઉમેદવારની પસંદગીમાં થાપ ખાઈ ગયો છે જેના મૂળમાં સ્થાનિક નેતાગીરીએ પ્રદેશ નેતૃત્વને અંધારામાં રાખ્યાનું પણ સ્પષ્ટ દેખાય છે , પ્રદેશ નેતૃત્વ આપસી લડાઈમાં પોતાના વફાદાર નેતાઓને આગળ કરવામાં રહ્યું. સર્વસ્વીકૃત ઉમેદવારની જગ્યાએ કેટલાક ઉમેદવારને ઠોકી બેસાડ્યા. સિનિયર નેતાઓ અવહેલનાના અસંતોષમાં અને 156 બેઠકોના અહંકારમાં નિષ્ક્રિય રહ્યા. સુરેન્દ્રનગરમાં લોકસભા સાંસદની જગ્યાએ ભાજપે ચંદુ શિહોરાને ટિકિટ આપતાં સ્થાનિક તળપદા કોળી સમાજે ભાજપ સામે બળવો પોકાર્યો. વડોદરાના રંજનબેન ભટ્ટ તેમજ સાબરકાંઠાના ભીખાજી ઠાકોર મામલે પાર્ટીમાં અંદરોઅંદર અસંતોષની ચર્ચાનું બજાર ગરમાયુ હતું. સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરની જગ્યાએ શોભનાબહેન બારૈયાને ટિકિટ અપાઈ તો એનો પણ વિરોધ થયો. આ બધા મામલે, બીજેપીમાં અંદરોઅંદરના ડખા અને અસંતોષ ઉડીને આંખે વળગે છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં મોઢે ફીણ આવી ગયાં હોવા છતાં મિથ્યાભિમાનમાં રાચતા નેતાઓનો ઓવરકોન્ફિડન્સ ભાજપને બે પાંચ સીટોનું નુકશાન કરાવે તો નવાઈ નહીં. ભાજપના જુના વિશ્વાસુ નેતાની જગ્યાએ કોંગ્રેસમાંથી આવેલ સક્ષમ નેતાઓને સ્થાન આપી ભાજપે આંતરિક જુવાળ વહોરી લીધો છે. ઉમેદવારોની પસંદગીમાં જાણે ભાજપને ’હાર’ નામના ફેક્ટરનો ડર જ ન હોય એમ પરિપક્વતા દાખવ્યા વગરની છે. આ બાબતે એમ કહી શકાય કે કદાચ દેશના વિભિન્ન રાજ્યોમાં એક બાદ એક મળેલી જીત, ભાજપના સર પર ચડી બોલી રહી છે.
બીજું, ગુજરાતમાં ગત બે ચુંટણીમાં વધુ મતદારો ધરાવતા સમાજના જ્ઞાતિગત સમીકરણ નિર્ણાયક સાબિત થયા છે. દરેક પક્ષ જ્ઞાતિવાદ પર લડ્યો છે. અને હવે ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે જ મતદારોની સંખ્યામાં અગ્રેસર રહેલા સમાજમાં ઉભી થયેલી નારાજગી અને ગરમાગરમી વચ્ચે તમામ રાજકીય પક્ષો જ્ઞાતિને સાધવાના સમીકરણો રચે તો નવાઈ નહીં!
અરવિંદ સ્વામી કહે છે કે, રાજકારણમાં ભાગલા પાડો અને રાજ કરો એવી નીતિ થઈ ગઈ છે. એક સમાજની મોટી જ્ઞાતિ તરીકે ઓળખાણ હોય, ત્યાં જુદા જુદા જૂથ પડી ગયા છે. રાજકારણીઓએ જ એનું વિભાજન જ કરી નાખ્યું છે. એ સમાજની બહુમતી તૂટી ગઈ અને નબળી થઈ છે. એટલે એક જ સમાજના ત્રણ-ચાર જૂથ કરી નાખ્યા છે. ધીમે ધીમે અંદરો અંદર તેમના ઇગો અથવા રાજકારણના લીધે જે તે સમાજની સંખ્યા હોવા છતાં એકતા અને સંગઠનના અભાવે તેમની તાકાતમાં ઘટાડો થયો છે.
સુરેન્દ્રનગર બેઠક પર કોળી સમાજનો હોલ્ડ, તળપદા કોળી અને ચુવાળીયા કોળી આમનેસામને છે. આવી પરિસ્થિતિ સૌરાષ્ટ્રમાં ઘણી સીટ પર છે. કડવા પાટીદાર ઉમેદવાર હોય અને સામે લેઉવા પાટીદાર ઉમેદવાર હોય છે, તો મતનું વિભાજન થાય છે. આ અંદરોઅંદરની લડાઈમાં ફાયદો કોઈને નથી. કારણ કે આ સમાજ સિવાય પણ બાકીનો એક બહુ મોટો વર્ગ છે, જેની કુલ સંખ્યા બહુ મોટી છે, જે નિર્ણાયક હોય છે. તે બધા સમાજ કઈ તરફી મતદાન કરે છે તેના પર પરિણામનો આધાર છે. બાકીના અન્ય સમાજની બહુમતી અને ટકાવારી પણ વધારે છે. જ્યારે એક સમાજ બે ભાગમાં વહેંચાઈ જાય ત્યારે મતોનું વિભાજન થાય છે. આ સમયે અન્ય જ્ઞાતિઓ નિર્ણાયક સાબિત થતી હોય છે. આ ચૂંટણીમાં પણ અન્ય જ્ઞાતિઓનું મતદાન જે પાર્ટી તરફ થશે એને વધારે ફાયદો થશે.
લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ અને અઅઙને મોટો ફટકો મળ્યો છે. કામરેજ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ રમેશ ભાદાણી,તાલુકા કોંગ્રેસ મહિલા નેતા દિવ્યા નાવડિયા, મગન ખોડીફાડ નેતાઓ ભાજપમાં જોડાયા છે. તેમજ 500 જેટલા કોંગ્રેસ અને અઅઙ ના સક્રિય કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. મંત્રી પ્રફુલ પાનસીરિયાએ તમામને ખેંસ પહેરાવી ભાજપમાં પ્રવેશ આપ્યો છે. તો આ બાજુ, સૌરાષ્ટ્રના રાજકારણમાં ખૂબ ઝડપથી નવીનવી ઉથલપાથલ થઈ રહી છે. હાલની સ્થિતિ જોઈએ તો અત્યાર સુધી 26 માંથી 26 બેઠક જીતનાર ભાજપને કદાચ બે-ચાર બેઠકનું નુકશાન ભોગવવું પડે તો નવાઈ નહીં.ક્ષત્રિય આંદોલનની પણ પરિણામ પર અસર પડી શકે છે. રાજ્યની 26 લોકસભા બેઠકમાંથી ક્ષત્રિય આંદોલન કેટલીક બેઠકોને સ્પર્શી શકે છે અથવા ક્ષત્રિયોના આંદોલનને તે કેટલા અંશે પચાવી શકે છે તેના પર પણ પરિણામનો મદાર રહેશે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છની બેઠકોમાં રાજા રજવાડાઓનું વિશેષ મહત્વ રહેલું છે. રજવાડાનું આ અપમાન લોકો કેટલા અંશે સહન કરશે તેની પણ અસર મતદાનમાં દેખાય આવશે.
રાજ્યની 26 લોકસભા બેઠકમાંથી ક્ષત્રિય આંદોલન કેટલીક બેઠકોને સ્પર્શી શકે છે અથવા આંદોલનને તે કેટલા અંશે પચાવી શકે છે તેના પર પણ પરિણામનો મદાર
ભાવનગર લોકસભા, ભાવનગરના પીઢ પત્રકાર મહેન્દ્ર ઝવેરી કહે છે કે સામાજિક સમીકરણની વાત આવે તો જે મતદારોની સંખ્યા વધુ હોય, તેના પર આખું ગણિત મંડાતું હોય છે. ભાવનગર જિલ્લામાં કોળી સમાજના મતદારોનું વિશેષ મહત્વ છે.બીજા નંબરે પટેલ સમાજ, ત્રીજા નંબર પર ક્ષત્રિયો અને ચોથા નંબર પર અન્ય જ્ઞાતિ આવે છે. ભાવનગરમાં પણ ક્ષત્રિય સમાજના આંદોલનના પડઘા પડ્યા છે. હવે આ ચૂંટણી દરમિયાન ભાવનગરમાં ક્ષત્રિય સમાજનો રોષ કેટલાક અંશે મતદારોને ફેરવી શકે છે. બીજા નંબરે કોળી સમાજના મતદારમાં બે ભાગ પડશે. કારણ કે ભાવનગરમાં બંને પક્ષના સક્ષમ ઉમેદવાર કોળી સમાજના છે. ત્રીજી વાત કરીએ તો હાલની પરિસ્થિતિ જોતા સામાન્ય માણસ અસંખ્ય સરકારી પગલાથી ગળે આવી ગયો છે. જો તે લોકો મતદાન કરવા નીકળશે તો પરિણામ ભાજપની કલ્પના બહારનું પણ હોઈ શકે. અલબત્ત, એક બાજુ રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઉત્તરાખંડના ગૌચરમાં રેલીમાં કહી રહ્યા છે કે કોંગ્રેસ આગામી કેટલાક વર્ષોમાં ડાયનાસોરની જેમ લુપ્ત થઈ જશે. કોંગ્રેસનું નામ લેતા બાળકો પૂછશે કોંગ્રેસ કોણ છે! બીજી બાજુ રૂપાલા વિવાદ થંભવાનો નામ નથી લેતો. રાજકોટના ત્રંબા ગામે ગુજરાતના કેબિનેટ પ્રધાન ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં યોજાયેલી ભાજપની સભામાં એકઠા થયેલા ક્ષત્રિય સમાજના લોકોએ પરશોત્તમ રુપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ખુરશીઓ ઉછાળી હતી. જો કે પોલીસે પરિસ્થિતિને કાબુમાં કરી લીધી હતી.
ઉપર જણાવ્યા એ બધા નકારાત્મક પરિબળ ઉપરાંત મીડિયા સર્જિત ઉહાપોહ પછી પણ પ્રજામત મોદીતરફી હોવાના કારણે અને કોંગ્રેસ મૃતપ્રાય હોવાથી ભાજપ હેટ્રિક કરશે જ એમ કહી શકાય. પરંતુ પ્રજાની નારાજગીનો અંદાજ મોદીને આવી ગયો હોવાથી ચૂંટણી બાદ સરકાર અને સંગઠનમાં ધરખમ ફેરફારો આવશે એ નિશ્ચિત છે