દિવાળીના દિવસ પછીના દિવસને નવવર્ષ તરીકે ઉજવવામાં આવે છે. આ પરંપરા માત્ર ગુજરાતમાં જોવા મળે છે. ગુજરાતી હિંદુ કેલેન્ડર પ્રમાણે દિવાળીના દિવસે વર્ષનો અંત થાય છે અને તે પછી નવું વર્ષ શરૂ થાય છે. જેને આપણે બેસતા વર્ષ તરીકે પણ ઓળખીએ છીએ. આ ઉજવણી પાછળ એક કારણ તો આપણું કેલેન્ડર છે. બીજું કારણ એ છે કે જે દિવસે રામ આપણી સાથે રહેવા આવે તે દિવસથી આપણો નવો જન્મ થાય છે. તેથી નવવર્ષની ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો નવવર્ષ નવી ચેતના અને ઉલ્લાસને જગાડનારું પર્વ છે. ભગવાન રામ આપણી ભીતર રમે ત્યારે ખરું નવવર્ષ ઉજવાય છે. રામનો શાબ્દિક અર્થ આપણને વેદોમાં મળે છે.
ઋગ્વેદની એક ઋચા અનુસાર, જે સમગ્ર બ્રહ્માંડમાં રત (અથવા તો રમે છે) છે તે ‘રામ’ છે. તેથી આપણે રામમય બની ઈશ્ર્વરનો સાક્ષાત્કાર કરવાનું વચન લઈએ તે માટે નવવર્ષ ઉજવાય છે. એ ઉપરાંત દિવાળીના બીજા દિવસને અન્નકૂટ દિવસ અથવા ગોવર્ધન પૂજા દિવસ તરીકે ઓળખવમાં આવે છે. આ દિવસે પાળેલા બળદ, ગાય, બકરી વગેરેને સ્નાન કરાવીને, તેનો શણગાર કરીને પૂજા કરવામાં આવે છે. ગાયના છાણમાંથી ગોવર્ધન બનાવવામાં આવે છે. તેની પૂજા કરવામાં આવે છે અને ઘણી વાનગીઓ ચઢાવવામાં આવે છે.