ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
રાજકોટના હીરાસર ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા ટર્મિનલને મુસાફરોના સ્વાગત સાથે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. થોડાં સમય પૂર્વે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એરપોર્ટનું ઉદઘાટન થયા બાદ મુસાફરોને વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે એરપોર્ટ ખાતે જુદી જુદી કામગીરીને ઓપ આપવામાં આવ્યો છે. ત્યારે આજરોજ રાજકોટ આવનાર અને રાજકોટથી બહારગામ જતાં આશરે 400 જેટલા મુસાફરોને ગુલાબ અને ગીફ્ટ બોક્સ આપવામાં આવ્યા હતા.
નવા ટર્મિનલના ઉદઘાટનની શરૂઆત સરસ્વતી વંદના અને ચંદન તિલકથી કરવામાં આવી હતી. ટર્મિનલને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. આ ટર્મિનલમાં સૌ પ્રથમ મુંબઈ-રાજકોટની ફ્લાઈટના મુસાફરોનું આગમન થતાં એરપોર્ટ ઓથોરીટીના સ્ટાફે મુસાફરોને જ મુખ્ય મહેમાન બનાવીને પુષ્પગુચ્છ આપીને ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું હતું. ગુજરાતી સંસ્કૃતિમાં પ્રચલિત રાસ-ગરબાથી મુસાફરોનું સ્વાગત થતાં તેઓ ખુબ જ પ્રભાવિત થયા હતા. મુસાફરોએ અદ્યતન સુવિધા સાથેના નવા ટર્મિનલની ભેટ બદલ સરકારના આભાર વ્યક્ત કર્યો હતો.
- Advertisement -
આ વખતે ગુજરાત અને કાઠિયાવાડની ઓળખ ગણાતા ગરબા ઉપરાંત ભાંગડા રમવામાં આવ્યા હતા અને તેથી મુસાફરોએ પણ આ સ્વાગતને બિરદાવ્યું હતું. સાથે 23,000 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર થયેલા અદ્યતન ટર્મિનલને નિહાળી આકર્ષણ અનુભવ્યું હતું. મુસાફરોએ કહ્યું કે, બિઝનેસ ક્લાસ અને વિદેશી મુસાફરોને આકર્ષવા માટે આ પ્રકારનું એરપોર્ટ ખરેખર જરૂરી હતું.
ઇમિગ્રેશન વિભાગની મંજૂરી બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થશે: રૂપાલા
રાજકોટના હિરાસર એરપોર્ટના ઈન્ટરનેશનલ કક્ષાના નવા ટર્મિનલના ઉદ્ઘાટન બાદ લોકસભા સાંસદ પરષોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને સૈદ્ધાંતિક રીતે કસ્ટમ ક્લિયરન્સ મળી ચૂક્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સૈદ્ધાંતિક રીતે કસ્ટમ ક્લિયરન્સ આપી દીધું છે. એક-બે દિવસમાં સત્તાવાર જાહેરાત પણ થઈ જશે. આ ઉપરાંત ઇમિગ્રેશન વિભાગની પણ મંજૂરી મળી જશે. કસ્ટમનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર થઈ ગયા બાદ ઇમિગ્રેશનની મંજૂરીની પણ પ્રક્રિયા ટૂંક સમયમાં થઈ જશે. જે બાદ આગામી ટૂંક સમયમાં રાજકોટથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થશે.