રાજ્ય સરકાર દ્વારા જંત્રી દરમાં વધારાના અમલનો નિર્ણય હાલ પુરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રિયલ એસ્ટેટ અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે જંત્રીના દરમાં 12 વર્ષ બાદ સીધો 100 ટકાનો વધારો કરતા બિલ્ડર એસોસિયએશનમાં નારાજગી વ્યાપી ગઈ હતી. જે બાદ અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ ગાંધીનગરમાં સચિવાલય ખાતે પહોંચી CMને રજૂઆત કરવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશને નવા જંત્રી સામેના વાંધાઓ અને કેટલાક સૂચનો આપ્યા હતા. જે બાદ હવે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ મોટો નિર્ણય લીધો છે.
- Advertisement -
જંત્રી દરમાં વધારો હાલ પૂરતો મોકૂફ
રાજ્યમાં જંત્રી દરમાં કરાયેલો વધારો હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. રાજ્યમાં ગત 4 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલ જંત્રી દરના વધારાનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખી આગામી તારીખ 15/04/2023ના રોજથી અમલી કરવામાં આવશે.
ઋષિકેશ પટેલે આપ્યું હતું મોટું નિવેદન
મહત્વનું છે કે, ગત 07 ફેબ્રુઆરીએ ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જંત્રીને લઈને જણાવ્યું હતું કે, નવો નિર્ણય ના થાય ત્યાં સુધી ડબલ જંત્રી જ ચૂકવવાની રહેશે. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ ડેલિગેટ્સ સાથે ચર્ચા કરી છે. જંત્રી બાબતે કોઈ નિર્ણય થશે તો જાણ કરવામાં આવશે. જ્યારે જમીનનું સંપાદન થાય તે તારીખની અસરથી જંત્રી લાગું પડે છે.
જંત્રી એટલે શું અને તે કોણ નક્કી કરે છે?
– જંત્રી એટલે કે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવતું લૅન્ડ વૅલ્યૂ સર્ટિફિકેટ. જંત્રી એટલે જમીન કે કોઈપણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટે સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા લઘુતમ ભાવ.
- Advertisement -
– જો તમારો વેચાણ દસ્તાવેજ જંત્રી કરતા વધુ હશે તો જ સરકારી ચોપડે તમે તે પ્રૉપર્ટીના માલિક છો તેવી નોંધણી થશે નહીંતર નહીં થાય.
– જંત્રીના ભાવથી કોઈપણ પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે તમારે કેટલી સ્ટેમ્પ ડ્યુટી અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો એ નક્કી કરવામાં મદદ મળે છે. બીજા રાજ્યોમાં તેને સર્કલ રેટ તરીકે ઓળખવામાં આવે છે.
– રાજ્ય સરકાર દ્વારા જમીન અને મિલકતની બજાર કિંમતના આધારે નિયમિત સમયે સમીક્ષા કરવામાં આવે છે. અને ત્યાર બાદ સર્કલ રેટ એટલે કે જંત્રીના દર નક્કી કરવામાં આવે છે.
આ રીતે ચેક કરો જંત્રીનો દર
ગુરવી ગુજરાતની સત્તાવાર વેબસાઈટ પરથી
– તમે ગુરવી ગુજરાતની સત્તાવાર વેબસાઈટ પરથી પણ જંત્રી દર જાણી શકો છે. આ માટે સૌથી પહેલા garvi.gujarat.gov.in પર જાવ. હવે જંત્રી પર ક્લિક કરો. જે બાદ મારી સ્ક્રિનની સામે નવું પેજ ખુલશે.
– જેમાં તમારે જિલ્લો, તાલુકો, ગામ અને સર્વે નંબરની વિગતો ભરવાની રહેશે. જરૂરી માહિતી ભર્યા બાદ તમારે નીચે દેખાતા SHOW JANTRI પર ક્લિક કરવાનું રહેશે. આના પર ક્લિક કર્યા બાદ તમને જંત્રીની તમામ વિગતો મળી રહેશે.
મહેસુલ વિભાગની વેબસાઈટ પરથી
મહેસુલ વિભાગની વેબસાઈટ પરથી પણ તમે જંત્રીનો દર જાણી શકો છો. આ માટે સૌથી પહેલા revenuedepartment.gujarat.gov.in. પર જાવ. હવે તમને ગુજરાતનો નકશો દેખાશે, આ નકશામાં તમારે તમારો જિલ્લો, તાલુકો, ગામ અને સર્વે નંબર પસંદ કરવાનો રહેશે. જે બાદ તમને જંત્રીનો દર મળી રહેશે.