એક વર્ષથી શિક્ષણ કાર્ય બંધ, 700થી વધુ છાત્રા કરે છે અભ્યાસ
નવું ભવન બનાવવાની તંત્રની ચોખ્ખી ના: રિપેરીંગ કરવા તૈયાર
જૂનાગઢનાં આઝાદ ચોકમાં સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ જૂનાગઢ જિલ્લાની એકમાત્ર સરકારી સ્કૂલ છે ત્યારે તેનું નવું ભવન કંડમ થયું છે. એક વર્ષથી બંધ હાલતમાં હોય ભારે મુશ્કેલી પડી રહી છે. ગર્લ્સ હાઈસ્કૂલમાં 700થી વધુ છાત્રાઓ અભ્યાસ કરે છે. જૂનાગઢમાં ગર્લ્સ હાઈસ્કૂલ બચાવવામાં સરકાર નપાણી સાબિત થઈ રહી છે. જૂનાગઢમાં રાજાશાહીના સમયમાં આઝાદ ચોકમાં ગર્લ્સ હાઈસ્કૂલ શરૂ થઈ હતી. ગર્લ્સ હાઈસ્કૂલને વર્ષો વિતી ગયા છે પરંતુ જૂનુ ભવન મૂળ સ્થિતિમાં કાર્યરત છે અને તેના રિનોવેશન માટે અંદાજે 3 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ સ્કૂલની સંખ્યાને ધ્યાને રાખી બાજુમાં નવું ભવન બનાવવામાં આવ્યું હતું. જેને અંદાજે 30 વર્ષ જેટલો સમય થયો છે. 30 વર્ષમાં ભવન જર્જરિત બન્યું છે. પી.ડબલ્યુ.ડી.એ તેને કંડમ જાહેર કરી દીધું છે. છેલ્લાં એક વર્ષ કરતાં પણ વધારે સમયથી નવા ભવનનો સ્લેબ તૂટી ગયો છે. તેમાંથી પોપડાં પડી રહ્યા છે. પીલરમાંથી લોખંડ દેખાઈ રહ્યું છે. તેમાં છાત્રાઓને બેસાડી શકાય તેમ નથી. શાળામાં 700 જેટલી સંખ્યા છે. જેના કારણે મુશ્કેલી પડી રહી છે. સરકાર નવા ભવનનું રિપેરીંગ કરવાનું કહી રહી છે. પરંતુ ભવન ચાલે તેમ જ નથી. નવા ભવનને પાડી ફરી બાંધકામ કરવું પડે તેમ છે. એકમાત્ર સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ બચાવવા તંત્રએ આગળ આવવાની જરૂર છે.
સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ જીવિત રાખવામાં સરકાર નપાણી સાબિત થઈ
- Advertisement -
સરકારી સ્કૂલની નબળી સ્થિતિ
જૂનાગઢમાં બે સરકારી હાઈસ્કૂલ છે. ગર્લ્સ હાઈસ્કૂલ અને બોયઝ હાઈસ્કૂલ. પરંતુ બંનેની નબળી સ્થિતિ કરી દેવામાં આવી છે. શાળાના આચાર્ય, શિક્ષકો તેને બચાવવાના પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી.
રિવરફ્રન્ટ પાછળ કરોડોનો ખર્ચ
જૂનાગઢ જિલ્લામાં બે રિવરફ્રન્ટ મંજૂર થયા છે. તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે પરંતુ સરકારી શાળા કે જેમાં અંદાજે 700થી પણ વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે તેને બચાવવા માટે કોઈ જ પગલાં લેવામાં આવતાં નથી.


