આઠ-આઠ વર્ષથી સંતાન સુખ ઝંખતી મેસરીયા ગામની પરિણીતાનું પુત્રને જન્મ આપ્યા બાદ મોત
કરુણાંતિકા : આઠમા વર્ષે પરિણીતાને સંતાન સુખ તો મળ્યું પરંતુ બાળકનું મોઢું પણ જોઈ ન શકી !
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
લગ્નજીવનના આઠ-આઠ વર્ષથી સંતાન સુખ ઝંખતી વાંકાનેરના મેસરીયા ગામની પરિણીતાનું રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યા બાદ કરૂણ મોત નીપજતાં અરેરાટી વ્યાપી જવા પામી છે. પરિણીતાની પ્રસુતિ દરમિયાન તબીબોએ સિઝેરિયનમાં મોડું કરીને ઉતાવળ કરતા તબીબોની બેદરકારીના કારણે પરિણીતાનું મોત નીપજ્યું હોવાનો પરીવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતી અલ્પાબેન જગદીશભાઈ સાકળીયા નામની પરિણીતાના 8 વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. તેણીના પતિ જગદીશભાઈ રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ સેટેલાઈટ ચોકમાં ડેરી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. લગ્નજીવનના આઠ-આઠ વર્ષ વિતી ગયા હોવા છતાં પણ અલ્પાબેનને સંતાન સુખ પ્રાપ્ત થયું ન હતું ત્યારે આઠ વર્ષથી સંતાન સુખ ઝંખતી પરિણીતાને સોમવારે પ્રસવ પીડા ઉપડતા વાંકાનેર સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી ત્યાં તબીબોએ બે દિવસ રાહ જોવાનું કહેતા પરિણીતાના પરીવારજનો ઘરે પરત ફર્યા હતા ત્યારબાદ ફરી બુધવારે મૃતકના પતિ દ્વારા પરિણીતાને રાજકોટમાં આવેલી ક્રાઈસ્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં અલ્પાબેને સિઝેરિયન બાદ પુત્રને જન્મ આપ્યો હતો અને ત્યારબાદમાં અલ્પાબેન ભાનમાં નહીં આવતા બેભાન હાલતમાં તેણીનું કરૂણ મોત નીપજતાં પરિવારમાં કાળો કલ્પાંત છવાઈ ગયો છે.
તબીબોએ સીઝેરીયનમાં મોડું કર્યા બાદ ઉતાવળ કરતા મોત થયું: મૃતકના પતિનો આક્ષેપ
આ બાબતે ’ખાસ-ખબર’ દ્વારા મૃતકના પતિ જગદીશભાઈ સાથે વાત કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, બુધવારે વહેલી સવારે રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં તેમના પત્નીને દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ સાંજના ચાર વાગ્યે સિઝેરિયન કરવાનું જણાવ્યા બાદ રાત્રિના પોણા નવેક વાગ્યાના અરસામાં તેમના પત્નીનું સિઝેરિયન કરી પુત્રને જન્મ અપાવ્યો હતો પરંતુ તબીબોએ સિઝેરિયનમાં મોડું કર્યા બાદ રાત્રે ઉતાવળ કરતા તબીબોની બેદરકારીના કારણે તેમના પત્નીનું મોત નીપજ્યું હોવાનો પતિ જગદીશભાઈએ આક્ષેપ કર્યો હતો. આ મામલે મૃતક પરિણીતાની ધાર્મિક ક્રિયા પૂર્ણ થયા બાદ પરિણીતાના પતિ જગદીશભાઈ દ્વારા તબીબો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે.