નવી અઢી વર્ષની ટર્મ માટે ભાજપ શાસિત તમામ તાલુકા પંચાયતોના હોદેદારોની પસંદગી કરાઈ
માળીયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના પદ માટે કહીં ખુશી, કહીં ગમના માહોલમાં ધમપછાડા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આગામી અઢી વર્ષની નવી ટર્મ માટે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખના ગઈકાલે નામ જાહેર થયા બાદ આજે અનેક રાજકીય દાવપેચ અને આંતરીક જૂથવાદ વચ્ચે મોરબી જીલ્લાની મોરબી, માળીયા, હળવદ, ટંકારા અને વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના નામ જાહેર કરવામાં આવ્યા છે.
મોરબી તાલુકા પંચાયતની 26 સીટમાંથી 19 સીટ ભાજપ પાસે હોય તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે જેથી તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદેદારોની અઢી વર્ષની ટર્મ પુરી થતા આજે બીજા અઢી વર્ષ માટે નવા હોદેદારો જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અશોકભાઈ વાલજીભાઈ દેસાઈ, ઉપપ્રમુખ તરીકે કિરણબેન જયેશભાઇ રાઠોડ અને કારોબારી ચેરમેન તરીકે અશ્વિનભાઈ ગોરધનભાઇ પાટડીયાના નામ જાહેર થતા હવે સામાન્ય સભામાં નવા હોદ્દેદારોને ચૂંટી કાઢવામાં આવશે.
ટંકારા તાલુકા પંચાયતની નવી ટર્મ માટે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ પ્રમુખ તરીકે છાંયાબેન અરવિંદભાઈ માંડવીયા, ઉપપ્રમુખ તરીકે ચાર્મીબેન ભાવેશભાઈ સેજપાલ અને કારોબારી સમિતિ માટે અલ્પેશભાઈ ચુનીલાલભાઈ દલસાણીયાના નામની જાહેરાત કરી છે. હવે સામાન્ય સભામાં તમામ નવા હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા બાદ વરણી કરવામાં આવશે.
માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સુશીલાબેન અશોકભાઈ બાવરવા, ઉપપ્રમુખ તરીકે સીતાબેન ચંદુભાઈ લાવડીયા અને કારોબારી સમિતિ માટે જીગ્નેશભાઈ રાયધનભાઈ ડાંગરના નામ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે પરંતુ હજુ ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન માટે ધમપછાડા ચાલી રહ્યા છે. ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના પદ માટે કહીં ખુશી, કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ બંને પદ માટે નવાજુની થવાના એંધાણ છે.
હળવદ તાલુકા પંચાયતની બીજી ટર્મના પ્રમુખ તરીકે પ્રવીણભાઈ માવજીભાઈ સરસાવડીયા, ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ કાંતિભાઈ ઝીંઝુવાડિયા, કારોબારી સમિતિ માટે હર્ષાબેન મહેશભાઈ કોપણીયાના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉમેદવારો ભાજપ તરફથી ઉમેદવારી કરશે અને આવતીકાલે હળવદ તાલુકા પંચાયતના નવા હોદેદારોની ચૂંટણી થશે.
વાંકાનેર તાલુકા પંચાયતની બીજી ટર્મના પ્રમુખ તરીકે કૈલાશબા હરિસિંહ ઝાલા, ઉપપ્રમુખ તરીકે દેવુબેન હનુભાઈ વિંઝવાડીયા અને કારોબારી સમિતિના ચેરમેન પદે જીજ્ઞાસાબેન રાજેશકુમાર મેરના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે સામાન્ય સભામાં તમામ નવા હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા બાદ વરણી કરવામાં આવશે.