ખાસ-ખબર સંવાદદાતા, અમર બખાઈ દ્વારા
મહાશિવરાત્રીનો મેળો એ શિવની ભક્તિમાં લીન થવાનો અનેરો અવસર છે, ત્યારે ભવનાથમાં યોજાતા આ પવિત્ર ભજન, ભોજન અને ભક્તિના સમન્વય સમા ત્રિવેણી સંગમ સમા શિવરાત્રીના મેળામાં દેશભરમાંથી આવતા નાગા સાધુઓ દ્વારા ધૂણી ધખાવવા આવે છે, આજે તેનું મહત્વ સમજીએ.
- Advertisement -
ધૂણી વિષે ભવનાથમાં પવિત્ર દામોદરકુંડ પાસે આવેલ મુચકુંદ ગુફા આશ્રમના 1008 મહામંડળેશ્વર મહંત મહેન્દ્રાનંદગીરીજી મહારાજે જણાવ્યું કે, ધૂણી રે ધખાવી એલી તારા નામની…આ ધૂણી સૌ પ્રથમ અમરકંટ વનની અંદર વડલાની નીચે ભગવાન શિવજીના આદેશથી માં પાર્વતીના અનુસ્થાનથી સ્થાપના કરવામાં આવી હતી.

ધૂણીને લીધે વાતાવરણ પ્રકૃતિમાં પરિપૂર્ણ સત્કર્મ ઉર્જા પ્રાપ્ત થાય છે. તે માટે ધુણાની સ્થાપના થઈ તે ધુણામાં જે તમામ હોમાત્મક થાય છે તે અંખડ અગ્નિ ચાલુ રહે છે. ત્યાં બેઠેલ સન્યાસીની અંદર પણ બીજો ધૂણો હોય છે, જે નામ અને સ્મરણનો ધૂણો છે. તે શ્ર્વાસોશ્ર્વાસ અંદર અખંડ ચાલ્યો આવે છે. આ ધુણાથી સતત સનાતન ધર્મ માટે તેની માળા ફરતી રહે છે. ધુણાની ભસ્મમાં ઉર્જા ચેતના તિલક કરે કે સ્પર્શ કરે તેનાથી તન, મન અને આત્મા શુદ્ધિ થાય છે. અખાડાના નાગા સન્યાસીઓ ધૂણી ચેતન કરી આ અલખને જગાડે છે. સમાજમાં ધર્મને ટકાવી રાખવા માટે ભગવાન શિવજીએ તેની સ્થાપના કરી છે.


