મહાભારતનાં યુધ્ધ પહેલા (3300 ઇસવીસન પૂર્વે) ઋષિ ભારદ્વાજે વૈમાનિક શાસ્ત્રની રચના કરી હતી. એમની કળાત્મકતા અને વિમાન અંગેનાં લખાણોએ દુનિયાભરનાં મોટા મોટા એવિયેશન એન્જિનિયર્સને અચંબિત કરી મૂક્યા છે
-પરખ ભટ્ટ
ઇ.સ. 1875ની સાલમાં આપણા ગુજરાતનાં જ એક અતિપ્રાચીન મંદિરમાંથી પુરાતત્વશાસ્ત્રીઓને આજથી 1000 વર્ષ પહેલા લખાયેલો ગ્રંથ મળી આવ્યો! ભારદ્વાજ ઋષિની કલમે લખાયેલ આ ‘વૈમાનિક શાસ્ત્ર’ (જેને પ્રાચીન ભારતમાં ‘બૃહદવિમાન શાસ્ત્ર’ તરીકે પણ ઓળખવામાં આવતું એ) સંશોધકો માટે ચર્ચાનો વિષય બન્યું. એમાં એવા પ્રકારનાં વિમાનની બનાવટ અંગે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે, જેનાં વિશે આધુનિક વિજ્ઞાન સાવ અજાણ છે! આ વિષયે વિગતવાર ચર્ચા કરતાં પહેલા ભારદ્વાજ ઋષિનો પરિચય મેળવી લઈએ. ઋષિ બૃહસ્પતિનાં પુત્ર અને આયુર્વેદ, યંત્ર સર્વસ્વ જેવા પુષ્કળ સંસ્કૃત સાહિત્યોનાં રચયિતા ઋષિ ભારદ્વાજનો ઉલ્લેખ ઘણી પૌરાણિક કથાઓમાં જોવા મળે છે. એવું કહેવાય છે કે, રામ-લક્ષ્મણ અને જાનકીએ વનવાસ દરમિયાન એક વખત ઋષિ ભારદ્વાજનાં આશ્રમમાં વસવાટ કર્યો હતો.
માન્યતા છે કે, મહાભારતનાં યુધ્ધ પહેલા (3300 ઇસવીસન પૂર્વે) ઋષિ ભારદ્વાજે વૈમાનિક શાસ્ત્રની રચના કરી હતી. એમની કળાત્મકતા અને વિમાન અંગેનાં લખાણોએ દુનિયાભરનાં મોટા મોટા એવિયેશન એન્જિનિયર્સને અચંબિત કરી મૂક્યા છે. વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે ઋષિ ભારદ્વાજ દ્વારા આલેખાયેલા વિમાનોની રચના આજનાં એરોપ્લેન કરતાં ક્યાંય વધુ જટિલ છે. વાસ્તવમાં એમણે વિમાનોને ત્રણ કેટેગરીમાં વહેંચ્યા છે :
(1) પૃથ્વી પર એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કરી શકે એવા વિમાનો.
(2) એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર પ્રવાસ કરી શકે એવા વિમાનો.
(3) એક બ્રહ્માંડમાંથી બીજા બ્રહ્માંડમાં પહોંચી શકે એવા વિમાનો.
- Advertisement -
વૈમાનિક શાસ્ત્રનો અનુવાદ
ભારદ્વાજ ઋષિનાં લખાણોને ત્યારબાદ ઘણા લેખકો અને અનુવાદકો (પાણિની, કૌટિલ્ય, દયાનંદ સરસ્વતી વગેરે..) દ્વારા ચકાસવામાં આવ્યા. 1973ની સાલમાં, ટી.કે.એલપ્પા અને પંડિત સુબ્રય શાસ્ત્રીની મદદ વડે જી.આર.જોસ્યેર નામનાં એક અંગ્રેજ વ્યક્તિએ એનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. મૈસુર શહેરમાં આવેલી ‘ઇન્ટરનેશનલ એકેડમી ઓફ સંસ્કૃત ઇન્વેસ્ટિગેશન’નાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા જી.આર.જોસ્યેરે વૈમાનિક શાસ્ત્રનાં પૂર્ણ અભ્યાસ બાદ, એમાં જણાવવામાં આવેલા પાંચ મુદ્દા અલગ તારવ્યા :
(1) એરોપ્લેનનું નિર્માણ, કાપકૂપ, તેને આગ કેવી રીતે લગાડવી અને તેનો નાશ કેવી રીતે કરવો.
(2) એરોપ્લેનને સ્થગિત કેવી રીતે કરવું.
(3) એરોપ્લેનને અદ્રશ્ય કરી શકવાની તકનિક
(4) દુશ્મન સૈન્યનું વિમાન કઈ દિશામાં આગળ વધી રહ્યું છે એ ખાતરીપૂર્વક કહી શકવું.
(5) શત્રુનાં વિમાનને સંપૂર્ણત: તોડી પાડવાની તકનિક.
વૈમાનિક શાસ્ત્રમાં હવા, પાણી અને જમીન પર ઉડી શકે એવા પ્રકારનાં વિમાનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તદુપરાંત, આવા વિમાનોને અગ્નિ, પાણી તથા માનવીય અનિયંત્રણથી બચાવવા માટે જરૂરી એવી સાધન-સામગ્રી વિશે પણ જણાવાયું છે. તૂટી ન શકે એવા વિમાન (અભેદ્ય), જેનાં પર અગ્નિની કોઇ અસર ન થાય એવા વિમાન (અદાહ્ય) અને જેને વિશ્વની કોઇ ધાતુ વડે ભેદી ન શકાય તેવા વિમાન (અછેદ્ય) વિશેનાં વર્ણનો ઘણા વિસ્તારપૂર્વક લખાયા છે! તેમાં આર્કિટેક્ચર, ડિઝાઇન તેમજ માસ-મેન્યુફેક્ચરિંગ (જથ્થાબંધ ઉત્પાદન) માટે જરૂરી એવા કુલ 41 કૃત્રિમ ભાગ તથા 16 પ્રાકૃતિક તત્વોનો ઉપયોગ કરી, કુદરતી-આફતો તેમજ દુશ્મન સૈન્યનો સામનો કરી શકે એવા વિમાનો બનાવવાની ટેકનિક અપાઈ છે!
સ્વાભાવિક રીતે અહીં એવો સવાલ ઉદભવે કે આવડા મોટા વિમાનોને કઈ જગ્યાએ સંગ્રહી શકાતાં હશે?! અત્યારનાં આધુનિક એરોપ્લેન માટે તો એરપોર્ટ બનાવવામાં આવ્યા છે, પરંતુ પ્રાચીન વિમાનો માટે આવા કોઇ સ્થળ નક્કી કરાયા હશે કે કેમ? જી બિલકુલ. આવી જગ્યાને એ સમયે નામ આપવામાં આવતું હતું : વિમાન-ગૃહ! વિમાનોમાં પીળાશ પડતાં સફેદ રંગનું ઇંધણ ઉપયોગમાં લેવાતાં હોવાનો પણ ઉલ્લેખ મળી આવ્યો છે. કેટલાક લેખકોનું માનવું છે કે, આ ઇંધણ એ બીજું કંઈ નહીં પરંતુ ગેસોલીનનો જ એક પ્રકાર હોઇ શકે! જ્યારે અન્ય કેટલાકનું કહેવું છે કે, ઇંધણમાં માત્ર ગેસોલીન જ નહીં, પારો (મરક્યુરી)નું પણ મિશ્રણ ભળેલું હોવું જોઇએ.
- Advertisement -
વિમાન ચલાવનાર પાઇલોટ વિશે પણ વૈમાનિક શાસ્ત્ર ઘણું બધું જણાવે છે. વિમાનનાં સંતુલિત ઉડ્ડયન માટે કઈ વસ્તુનું ધ્યાન રાખવું, સૂર્યશક્તિનો ઉપયોગ કેવી રીતે કરવો, આપદા વખતે શું સાવધાની વર્તવી, શત્રુ સામે બચાવ કેવી રીતે કરવો અને કુદરતી આફતો જેમકે, વાવાઝોડું અને વીજળીથી વિમાનનું રક્ષણ કઈ રીતે કરવું એ તમામ બાબતોને ખૂબ ઉંડાણપૂર્વક અહીં સમજાવવામાં આવી છે! એમાંના ‘વસ્ત્રાધિકરણ’ પ્રકરણમાં ઉડ્ડયન દરમિયાન પાઇલોટ અને મુસાફરોએ કેવા પ્રકારનાં વસ્ત્રો પહેરવા એનાં વિશેનું વર્ણન છે. એવી જ રીતે, ‘આહારાધિકરણ’ પ્રકરણમાં પાઇલોટની તંદુરસ્તી અને આહાર-વિહાર અંગેની સારી-ખરાબ આદતો અંગેનાં સૂચનો કરવામાં આવ્યા છે!
આજનાં પાઇલોટને કંઈ સીધેસીધા કોકપિટમાં બેસાડી દેવામાં નથી આવતાં! વર્ષોની ટ્રેનિંગ બાદ એમને ઘણી બધી પરીક્ષાઓમાંથી નિર્વિધ્ન પસાર થવું પડે છે, ત્યારે છેક તેઓ મોટી મોટી નેશનલ-ઇન્ટરનેશનલ ફ્લાઇટનાં પાઇલોટ બનવાની લાયકાત મેળવે છે. પૌરાણિક કાળમાં પણ આવા પ્રકારની આકરી પરીક્ષાઓ લેવામાં આવતી, જેમાં ઉતીર્ણ થયા બાદ જ વ્યક્તિને વિમાન ચલાવવાની મંજૂરી મળી શકતી એ વાતનો નિર્દેશ વૈમાનિક શાસ્ત્રમાં થયો છે. આજની ભાષામાં જેને ‘ટેક ઓફ્ફ’, ‘લેન્ડિંગ’ કહે છે એવા પ્રકારની કુલ 32 વિદ્યાઓ પર વિજય મેળવ્યા પછી વ્યક્તિને વિમાન ચલાવવા યોગ્ય ગણવામાં આવતો! આ 32 વિદ્યાઓમાં ચાલુ વિમાને યુધ્ધ લડવાની કળાઓ પણ સામેલ હતી. ‘શત્રુવિમાન કંપનક્રિયા’ તેમજ ‘શત્રુવિમાન નાશનક્રિયા’નાં વર્ણનો એટલી હદ્દે રોચક અને રોમાંચક છે કે, પાંપણ પણ ફરકવાનું બંધ કરી દે!!
(1) માંત્રિક : ‘મંત્રાધિકાર’ પ્રકરણમાં જણાવ્યાનુસાર; અભેદ્ય, અછેદ્ય અને અદાહ્ય વિમાનોનાં નિર્માણ માટે છિન્નમસ્તા, ભૈરવી, વેગિણી, સિદ્ધંબાનાં મંત્રોને જાગૃત કરવા પડે છે. જેનાં વડે વિમાનને દ્રશ્ય-અદ્રશ્ય કરી શકવાની ક્ષમતા કેળવી શકાય છે.
(2) તાંત્રિક : મહામાયા જેવી અન્ય કેટલીક તાંત્રિક શક્તિઓનો ઉપયોગ કરી વિમાનમાં અમુક ખાસ પ્રકારની ઉર્જાનો સંચાર કરવા.
(3) કૃતક : વિશ્વકર્મા, છાયાપુરૂષ, મન, માયા તથા વિવિધ સ્થપતિઓનો અભ્યાસ કરી જુદા-જુદા પ્રકારની બાંધણી ધરાવતાં વિમાન બનાવવા.
(4) અંતરાલ : કુદરતી આફતો અથવા શત્રુ-વિમાન દ્વારા ઉભી કરવામાં આવેલી અડચણો સામે રક્ષણ પૂરું પાડવા તેમજ વિમાનને હવામાં થોડા સમય પૂરતું સ્થંભિત કરવા માટે.
(5) ગૂઢ : સૂર્યનાં કિરણોથી બચીને અંધકાર પેદા કરી, વિમાનને અન્ય શત્રુ-વિમાનથી છુપાવી દેવા માટે.
(6) દ્રશ્ય : ‘વિશ્વ ક્રિયાદર્પણ’ વડે પોતાનાં વિમાન જેવું જ બીજું આભાસી (છદ્મ) વિમાન ઉભું કરવા માટે.
(7) અદ્રશ્ય : સૂર્યમાંથી અલૌકિક ઉર્જા મેળવી, ‘વિનર્થ્ય વિકર્ણ’ અને ‘બાલાહ વિકર્ણ’ શક્તિનો સંગમ કરાવવામાં આવે છે, જેનાં વડે પેદા થાય છે, એક શ્વેત રંગનું આવરણ! જે વિમાનને અદ્રશ્ય કરી આપે છે!
(8) વિમુખ : અસંવેદનશીલતા અને મૂર્છાવસ્થા ઉત્પન્ન કરવા માટે.
(9) પરોક્ષ : ‘મેઘોત્પત્તિ’ પ્રકરણમાં જણાવ્યા અનુસાર, ‘શક્ત્ય-આકર્ષણ દર્પણ’નાં ઉપયોગ વડે વાદળો ઉત્પન્ન કરવા માટે આ સિદ્ધિ મેળવવામાં આવે છે. જેનાં ઇસ્તેમાલથી દુશ્મન-વિમાનને દૂર રાખી શકવામાં મદદ મળે છે.
(10) અપરોક્ષ : ‘શક્તિ-તંત્ર’ મુજબ, કોઇપણ અદ્રશ્ય વસ્તુઓને પાઇલોટ સમક્ષ દ્રશ્યમાન કરવા માટે.
(11) વિરૂપકરેણ : ‘ધુમ્ર પ્રકરણ’માં થયેલા ઉલ્લેખ મુજબ, ‘વૈરૂપ્ય દર્પણ’ અને ‘પદ્મચક્ર’નાં ઉપયોગ વડે વિમાનનો આકાર બદલવા માટે.
(12) રૂપાકર્ષણ : વિમાનની અંદર ઉભી કરવામાં આવેલી એક એવી તકનિક, જેનાં વડે દુશ્મન-વિમાનની અંદર ચાલી રહેલી પ્રવૃત્તિઓ પર નજર રાખી શકાય છે.
(13) સ્તબ્ધક : ‘સ્તંભનયંત્ર’નો ઉપયોગ કરી દુશ્મનો પર ખાસ પ્રકારનો વાયુ છોડી એમને બેભાન કરવા માટે.
(14) સંકોચન : વિમાનની ગતિ ખૂબ તેજ હોય એવા સમયે અચાનક આવી જનારી આપત્તિઓથી રક્ષણ મેળવવા તથા વિમાનને અત્યંત સૂક્ષ્મ (સંકુચિત) બનાવી દેવા માટે.
(15) વિસ્તૃત : ‘આકાશ-તંત્ર’માં અપાયેલ વર્ણનો અનુસાર, વાવાઝોડા અથવા તેજ પવનથી વિમાનનું રક્ષણ કરવા માટે.
(16) સુરૂપ : ‘કારક પ્રકરણ’ અનુસાર, 13 પ્રકારનાં કારક-બળનો ઉપયોગ કરી પ્રેક્ષક સામે સોના-રૂપાનાં દાગીનાથી લદાયેલ, રૂપ-રૂપનાં અંબાર જેવી અપ્સરાનો ભ્રમ ઉભો કરવા માટે.
(17) જ્યોર્તિભાવ : ‘અંશુબોધિણી’ વિભાગનાં વર્ણનો મુજબ, વિમાનમાંથી સૂર્ય જેટલા અતિ તેજસ્વી કિરણોનો પ્રાદુર્ભાવ કરવા માટે.
(18) તમોમય : ‘દર્પણ પ્રકરણ’ અનુસાર, વિમાનનાં કોઇ ભાગ પર સંપૂર્ણ અંધકાર પેદા કરવા માટે.
(19) પ્રલય : પાંચ પ્રકારનાં ધુમાડાઓનો સંગમ કરી મહાવિનાશક અસરો પેદા કરવા માટે વપરાતી આ સિદ્ધિનું વર્ણન ‘સદગર્ભ વિવેક’માં અપાયું છે.
(20) તારા : તારાઓથી મઢેલા આકાશનો ભાસ ઉભો કરવા.
(21) મહાશબ્દ વિમોહન : ‘શબ્દપ્રકાશિકા’ અનુસાર, મેઘગર્જના વડે દુશ્મનોને દિગ્મૂઢ કરી દેવા માટે.
(22) લંઘન : હવાનાં એક સ્તરમાંથી બીજા સ્તરમાં પ્રવેશ કરતી વેળાએ વિમાનને ક્ષતિ ન પહોંચે એવા પ્રકારની આ સિદ્ધિનો ઉલ્લેખ ‘વાયુતત્વ પ્રકરણ’માં થયો છે.
(23) ચાપ્લ : 4087 રિવોલ્યુશન પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન વડે શત્રુ-વિમાન પર હુમલો કરવા.
(24) સર્વતોમુખ : દસેય દિશાઓમાંથી થનારા હુમલાઓથી રક્ષણ મેળવવા માટે પાઇલોટ સર્વતોમુખ સિદ્ધિનો પ્રયોગ કરી, પોતાનાં વિમાનને બધી દિશામાં ઝડપભેર ફેરવીને વળતો પ્રહાર કરી શકે છે.
(25) પરશબ્દગ્રાહક : ‘સૌદામિની કલા’ અનુસાર, બે અલગ-અલગ વિમાનોમાં બેઠેલા પાઇલોટ વચ્ચે વાતચીત જળવાઈ રહે એ પ્રકારની સિદ્ધિ (કમ્યુનિકેશન ટેકનિક).
(26) રૂપાંતર : સિંહ, વાઘ, સાપ, પર્વત, નદી વગેરે જેવા અલગ-અલગ આભાસી સ્વરૂપોનું આવરણ ઉભું કરી દુશ્મનોને ભ્રમિત કરવા માટે ‘તૈલ-પ્રકરણ’માં આ સિદ્ધિનું વર્ણન છે.
(27) સર્પ-ગમન : સાપની માફક વિમાનને સર્પાકાર ગતિએ આગળ વધારવા માટે.
(28) ક્રિયાગ્રહણ : ‘ત્રિ-શીર્ષ દર્પણ’અનુસાર, વિમાનનાં નીચેનાં ભાગે શ્વેતરંગી કાપડનું આવરણ ઉભું કરી, વિમાન નીચે ચાલતી પ્રવૃતિઓ પર નજર રાખવા માટે.
(29) દિક્પ્રદર્શન : દુશ્મન-વિમાન કઈ દિશામાં આગળ વધી રહ્યું છે એ જાણવા માટે.
(30) આકાશ-આકાર : ‘આકાશ તંત્ર’ અનુસાર, ખાસ પ્રકારનાં રસાયણનો ઉપયોગ કરી, આકાશમાં ઉડી રહેલા વિમાનને અલગ તારવી ન શકાય એ માટેની ક્રિયા.
(31) જલદરૂપ : રસાયણોનાં મિશ્રણને જલદરૂપ આપીને એનાં ધુમાડાંનો ઉપયોગ કરી વિમાનને વાદળોની વચ્ચે ઢાંકી દેવા.
(32) કર્ષણ : એક અતિ-શક્તિશાળી સિદ્ધિ, જેનાં ઉપયોગ વડે પાઇલોટ પોતાનાં વિમાનની આજુબાજુ ઘેરો ઘાલીને ઉભેલા દુશ્મનોનાં વિમાનને 87 ડિગ્રી સેલ્શિયસ તાપમાન ધરાવતી અગનજ્વાળા વડે ભસ્મિભૂત કરી શકવાની ક્ષમતા કેળવી લે છે.
આ તો થઈ વિમાન-ઉડ્ડયન પહેલા પાઇલોટે હાંસિલ કરવી પડતી 32 અદ્ભુત સિદ્ધિઓની વાત! પરંતુ ઋષિ ભારદ્વાજ ફક્ત આટલું કહીને અટકી નથી ગયા! એમણે પોતાનાં પુસ્તકમાં હવાઈ-ઉડ્ડયન માટે 70 અધિકૃત અને 10 નિષ્ણાંત લોકોનો પણ ઉલ્લેખ કર્યો છે, જેનાં વિશે પુરાતત્વશાસ્ત્રીઓ અને સંસ્કૃત-વિશેષજ્ઞો હજુ અજાણ છે! તદુપરાંત, એમણે વિમાનને લગતાં છ અલગ-અલગ વિષયો પર લખાયેલા પુસ્તકોનાં છ અજાણ્યા લેખકો વિશે પણ વૈમાનિક શાસ્ત્રમાં જણાવ્યું છે :
(1) વિમાન ચંદ્રિકા : નારાયણમુનિ વ્યોમ
(2) યાન-મંત્ર : શૌનક
(3) યંત્ર-કલ્પ : ગર્ગ
(4) યાન-બિંદુ : વચસ્પતિ
(5) ખેતયાન પ્રદીપિકા : ચક્રયાણિ
(6) વ્યોમયાનર્ક પ્રકાશ : દુંદિનાથ
પુરાતત્વશાસ્ત્રીઓને વૈમાનિક શાસ્ત્ર 1875માં મળ્યું, પરંતુ ઉપરોક્ત છ ગ્રંથ વિશે તેઓ સાવ અંધારામાં છે. આમ છતાં સંશોધકોને આશા છે કે, કદાચ કોઇક દિવસ આમાંથી એકાદ ગ્રંથ મળી આવશે ત્યારે મોડર્ન એરોનોટિક્સમાં ધરમૂળ પરિવર્તન જોવા મળવાની સંભાવના છે! અલબત્ત, બ્રિટિશ-કાળ દરમિયાન ઘણા બધા સંસ્કૃત પૌરાણિક ગ્રંથો બળીને ખાખ થઈ ગયા, અથવા ચોરાઈ ગયા. છ ગ્રંથો એકીસાથે હાથ લાગવાની શક્યતા હાલપૂરતી ઓછી છે.
વૈમાનિક શાસ્ત્રને આજનાં મોડર્ન-યુગ સુધી પહોંચાડવા માટે ‘એરોનોટિકલ રિસર્ચ ડેવલપમેન્ટ બોર્ડ’ દ્વારા ‘અકેડમી ઓફ સંસ્કૃત રિસર્ચ’ હેઠળ એક વર્ષનો ખાસ કોર્ષ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં વૈમાનિક શાસ્ત્ર પર પુન:અભ્યાસ હાથ ધરાયો. ઘણા પ્રયોગો બાદ, ‘બનારસ હિંદુ યુનિવર્સિટી’નાં પ્રોફેસર ડોન્ગ્રેએ કાચનાં ગુણધર્મો ધરાવતું એક એવું મટીરિયલ વિકસાવ્યું, જેને રડારની રેન્જમાં પકડી ન શકાયું! ખાસ વાત એ છે કે, આવા પ્રકારની તકનિકનો ઉલ્લેખ વૈમાનિક શાસ્ત્રમાં પણ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે વધુ જાણકારી મેળવીશું આવતાં અઠવાડિયે.