રાજકોટના રેસકોર્સ મેદાનમાં ચેતવણીના બોર્ડથી વિવાદ: 50 ચકરડી – રાઈડમાં બેસતા દૈનિક હજારો ભૂલકાઓની સુરક્ષાની જવાબદારીમાંથી છટકતું તંત્ર
રાઈડ સેફ્ટી કમિટીના નિયમનુ પાલન થતું ન હોવાથી રેસકોર્સ મેદાનમાં ઊભી રહેતી ચકરડી – રાઈડ ગેરકાયદે – દબાણ હટાવ અધિકારી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટનું રેસકોર્સ મેદાન કે જ્યાં 50 જેટલી ચકરડી અને રાઈડ આવેલી છે. અહીં દરરોજ હજારો વાલીઓ પોતાના સંતાનોને લાઈટિંગ ચકરડી, રાઈડમાં બેસાડવા માટે લઈ આવે છે રવિવારે તો અહીં બાળકો સાથે અનેક પરિવારો ઉમટી પડે છે ત્યારે આ ગ્રાઉન્ડની બહાર સાઈડમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચેતવણીનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. જેમાં લખાયું છે કે આ ગ્રાઉન્ડમાં કોઈ પણ રાઈડસ-ચકરડીની મંજૂરી રાજકોટ મહાનગરપાલિકા તરફથી આપેલ નથી. રાઈડસમાં બેસતા ગ્રાહકોની સેફ્ટી/સિક્યુરિટીની જવાબદારી પોતાની રહેશે. જવાબદારીમાંથી છટકી જવાની નીતિ ધરાવતા મહાનગરપાલિકાના આ પ્રકારના કૃત્યથી વાલીઓમાં ભારે રોસ સાથે નારાજગી જોવા મળી રહી છે ત્યારે મનપાના દબાણ હટાવ અધિકારીનું કહેવું છે કે ઝછઙ ગેમ ઝોન દુર્ઘટના બાદ રાઈડ સેફટી કમિટીની રચના થઈ અને તેના નિયમનુ પાલન ન થતું હોવાથી અહીં રાખવામાં આવતી ચકરડી અને રાઈડ ગેરકાયદેસર રીતે ચાલી રહી છે જેથી વાલીઓ જાગૃત થાય તે માટે આ પ્રકારનું ચેતવણીનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. જો કે અહીં સવાલ એ છે કે, શા માટે રાજકોટ મહાનગરપાલિકા અહીં ચકરડી કે રાઈડને રાખવાની મંજૂરી આપવાની વ્યવસ્થા કરતું નથી ?, મનપાનું ગ્રાઉન્ડ હોવાથી અહીં મનોરંજન માટે આવતાં બાળકોની સુરક્ષાની જવાબદારી પોતાના શિરે શા માટે લેતું નથી?
શહેરના રેસકોર્સ રીંગરોડ પર આવેલા ફન વર્લ્ડની બાજુમાં રેસકોર્સ મેદાનમાં હાલ લાઈટિંગ ચકરડી, ચાઈલ્ડ ટ્રેન, જમ્પિંગ સહીતની અલગ અલગ પ્રકારની 50 જેટલી રાઈડ રાખવામાં આવેલી છે. જ્યાં રાઈડ અને ચકરડી રાખવા માટે અગાઉ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવતી હતી અને એક રાઈડ અથવા ચકરડી દીઠ ભાડું પણ વસૂલવામાં આવતું હતુ.
જોકે રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બન્યા બાદ રાઈડ સેફ્ટી કમિટી બનાવવામાં આવી. જે અંતર્ગત ગુજરાત રાજ્ય રાઈટ સેફ્ટી કમિટીની મંજૂરી વિના કોઈ પણને રાઈડ અને ચકરડી રાખવા માટે મંજૂરી આપી ન શકાય. જેથી હાલ ત્યાં એક પણ ચકરડી કે રાઈડને મંજૂરી આપવામાં આવેલી નથી. જોકે કોર્પોરેશન દ્વારા અહીં સાઈડમાં બેસવા માટે આવતા બાળકોની જવાબદારીમાંથી હાથ ખંખેરી લેવામાં આવ્યા છે જે ખૂબ જ ગંભીર બાબત છે.
- Advertisement -
જો ભાડું વસૂલ કરતા ન હોય તો ચેતવણીનું બોર્ડ શા માટે લગાવ્યું?
આ બાબતે દબાણ હટાવ શાખાના અધિકારી બી. જે. બારીયાએ જણાવ્યું હતું કે, રેસકોસ મેદાનમાં અગાઉ રાઈડ રાખવા માટેની મંજૂરી આપવામાં આવતી હતી અને ત્યારે 50 જેટલી રાઈડ રાખવા દેવાની મંજૂરી અપાતી હતી જે સમયે એક રાઈડ કે ચકરડી રાખવા માટે મહિને રૂ.1500 જેટલું ભાડું વસૂલવામાં આવતું હતું. જોકે ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજ્ય સરકારની સૂચના મુજબ રાઈડ સેફટી કમિટી બનાવવામાં આવી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલની અધ્યક્ષતામાં કમિટી બની છે. જેમાં રોડ ઍન્ડ બિલ્ડીંગના અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓની સાથે કોર્પોરેશનના અધિકારીઓ પણ સભ્ય તરીકે છે. જે કમિટીના નિર્ણય પ્રમાણે રેસકોર્સ મેદાનમાં એક પણ ચકરડી કે રાઈડ રાખવા માટે મંજૂરી લેવામાં આવી નથી જેથી આપણે ત્યારથી તેનું ભાડું પણ વસૂલ કરતા નથી. જો ભાડુ વસૂલ કરતા ન હોય તો ચેતવણીનું બોર્ડ કઈ રીતે લગાવી શકાય તેવું પૂછતા તેમણે જણાવ્યું હતું કે, રેસકોર્સ મેદાન પર ચકરડી અને રાઈડ રાખતા આ લોકોને દૂર કરવામાં આવે તો ફરી ત્યાં આવી જાય છે.