950 કરોડનો વેરો બાકી છે, તે ન મળતા આખા વર્ષની મહેનત માંડ બે મહિનામાં ખર્ચાય
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખાએ આ વર્ષે ઈતિહાસમાં સૌથી વધુ ટેક્સ કલેક્શનનો રેકોર્ડ બનાવ્યો છે. પ્રથમ વખત મનપાની વેરાની આવક 300 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે અને 31 માર્ચે રાત્રે 8 વાગ્યા સુધીની સ્થિતિએ મનપાને 325 કરોડનો વેરો મળ્યો છે. જો કે તેની સામે મનપાનો ખર્ચ અનેકગણો છે અને માત્ર એક જ મહિનામાં 280 કરોડની ચૂકવણી કરી દેવાઈ છે.નાણાકીય વર્ષ પૂરું થતું હોવાથી માર્ચ મહિનામાં સૌથી વધુ બિલના ચૂકવણા થતા હોય છે. મનપાએ આ માર્ચ માસમાં આશરે 280 કરોડ રૂપિયાના ચૂકવણા કર્યા છે.
- Advertisement -
ગત માર્ચ માસમાં 240 કરોડ રૂપિયાની ચૂકવણી થઈ હતી અને આ વખતે તેના કરતા વધુ 40 કરોડનો ખર્ચ થતા ગત વર્ષ કરતા આ વર્ષે વધુ ઝડપથી પ્રોજેક્ટની કામગીરી હાથ ધરાઈ હોવાનું જણાય છે. આ તરફ વેરા વસૂલાત શાખાએ આખું વર્ષ દોડીને 325 કરોડ ભેગા કર્યા છે જેથી આ બંને હિસાબો સરખાવતા એ જોવા મળે છે કે આખા વર્ષની આવક મનપા માટે ફક્ત 2 મહિનાનો જ ખર્ચ છે. આ તફાવતનું સૌથી મોટું કારણ મહાનગરપાલિકાના મસમોટા બાકીદારો છે. મનપાનું અધધ 950 કરોડની વસૂલાત બાકી બોલે છે અને તે આવક આવ્યા બાદ દર વર્ષે સરેરાશ 400 કરોડ આવક મળી શકે તેમ છે અને હવે તો પાણીવેરો વધ્યો છે અને બીજા દરમાં વધારો થયો છે પણ, બાકીદારો સામે કાર્યવાહી ન થતા આવકમાં ઘટાડો થયો છે.