ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂનની કામગીરીને લઇને ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે સવાલો ઉઠાવ્યા છે. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ એ કાયમી પાણીની તંગીવાળું શહેર છે. પાણીનો બચાવ થાય, વરસાદી પાણીનો સંગ્રહ થાય તેના માટે આજી નદીનો પટ અને કાંઠા ચોખ્ખા થાય એ જરૂરી છે. પરંતુ મહાનગરપાલિકા પ્રિ-મોન્સૂનની કામગીરીમાં ગટરના કામ કરે છે પણ આજી નદીનું શુદ્ધિકરણ કરતી નથી. આથી રાજકોટનું જળસ્તર ઊંચુ આવતું નથી.
ગોવિંદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આજી નદીના શુદ્ધિકરણ માટે અમે 180 કરોડની રકમ ફાળવીશું તેવું જણાવ્યું છે. આ રકમ આવે, તેની પ્રોસેસ થાય, ટેન્ડર નીકળે વગેરેમાં ત્રણ-ચાર મહિનાનો સમય લાગી શકે છે. જેમાં આખું ચોમાસુ વીતી જાય. એટલે હું મ્યુનિ. કમિશનર અને મેયરને રજુઆત કરી માગણી કરવાનો છું કે, સરકારમાંથી રૂપિયા જ્યારે આવે ત્યારે પણ આપણે થોડી રકમ ખર્ચીને નદીની અંદર જે કચરો પડ્યો છે તેમજ નદીનું પૂરાણ થયું છે તેને ઉપાડી લઈએ.