ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.18
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં નવા મંત્રીઓએ પદ અને ગુપ્તતાની શપથ ગ્રહણ કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું આ મંત્રીમંડળ આગામી બે વર્ષ માટે કાર્યરત રહેશે.
આ શપથવિધિ દરમિયાન હર્ષ સાંઘવીને રાજ્યના ઉપ મુખ્યમંત્રી તરીકે શપથ અપાયો હતો. નવા મંત્રીમંડળમાં અનુભવી નેતાઓ સાથે યુવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે. આ વખતે મંત્રીમંડળમાં 4 આદિવાસી અને 3 અનૂસૂચિત જાતિના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. નવી કેબિનેટમાં કેટલાક જૂના મંત્રીઓને ફરીથી તક મળી છે – જેમ કે ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, કનુ દેસાઈ અને પ્રફુલ પાનસેરીયા. સાથે જ લવિંગજી ઠાકોર અને કુમાર કાનાણી જેવા નવા ચહેરાઓ પણ મંત્રી તરીકે જોડાયા છે.
નવા મંત્રીઓમાં મુખ્ય નામો આ પ્રમાણે છે – ભુપેન્દ્ર પટેલ, હર્ષ સાંઘવી, પ્રફુલ પાનસેરીયા, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પુરુષોત્તમ સોલંકી, દર્શના વાઘેલા, જીતેન્દ્ર વાઘાણી, કમલેશ પટેલ, રમેશ કટારા, રેવાબા જાડેજા, કનુ દેસાઈ અને અન્ય. નવી કેબિનેટ રચના દ્વારા ભાજપે રાજકીય સંતુલન જાળવીને યુવા અને અનુભવી નેતૃત્વનું સંયોજન આપવાનો પ્રયાસ કર્યો છે, જેથી આગામી ચૂંટણી પહેલાં સંગઠન અને શાસન બંને મજબૂત બને તેવી આશા વ્યક્ત થઈ રહી છે.