‘ખાસ-ખબર’નાં અહેવાલો અક્ષરશ: સાચા ઠર્યાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના જંકશન પ્લોટ હંસરાજનગર વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતી અને સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર તરીકે ઓળખાતી સમા ભાયાણી ઉર્ફે જન્નત મીર નામની યુવતીએ કુખ્યાત લાલો ઉર્ફે ઈમ્તિયાઝ રાઉમાના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો છે. ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા દૂધની ડેરી વિસ્તારના કુખ્યાત એવા ઈમ્તિયાઝ ઉર્ફે લાલાના ત્રાસથી કંટાળી ફિનાઈલ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા જન્નત મીરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા જન્નત મીરે એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં કુખ્યાત ઈમ્તિયાઝ રાઉમા ઉર્ફે લાલાના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. જન્નત મીરે સુસાઇડ નોટમાં ‘તોફાની રાધા’ની જેમ મારી નાખવાની ધમકી મળ્યાનો પણ ઉલ્લેખ કર્યો છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રીઢા ગુનેગાર ઈમ્તિયાઝ રાઉમા ઉર્ફે લાલાના ત્રાસથી કંટાળીને સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર રાધિકા ધામેચા ઉર્ફે તોફાની રાધાનું રહસ્યમય મોત નિપજ્યું હતું. એ સમયે પણ ‘ખાસ-ખબર’એ છાતી ઠોકીને કહ્યું હતું કે, રાધાની હત્યા થઈ છે અને હત્યારો એક કૂખ્યાત મુસ્લિમ શખ્સ છે. આજે એ વાત સાબિત થઈ છે.
હાઈકોર્ટનો રાજકોટમાં ન રહેવા હુકમ છતાં રાજકોટમાં ખુલ્લેઆમ રખડતો હતો ઈમ્તિયાઝ
અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત ઈમ્તિયાઝ ઉર્ફે લાલાને રાજકોટમાં ન રહેવા હાઈકોર્ટ દ્વારા તાકીદ કરવામાં આવી હતી. આમ છતાં હાઈકોર્ટના હુકમનો અનાદર કરીને ઈમ્તિયાઝ ઉર્ફે લાલો રાજકોટમાં જ હતો. આ તકે શહેરમાં ખુલ્લેઆમ રખડતા રીઢા ગુંડાઓ વિરુદ્ધ પોલીસ ઢીલી નીતિ અપનાવતી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. પોલીસે તાત્કાલિક ઈમ્તિયાઝ ઉર્ફે લાલાની ધરપકડ કરી તેને જેલ હવાલે કરવો જોઈએ અને તેના જામીન પણ નામંજૂર કરી દેવા જોઈએ.
- Advertisement -
ઈન્સ્ટાગ્રામ ઈન્ફલ્યુએન્સર જન્નત મીર સાથેની વાઈરલ ઑડિયો ક્લિપમાં ઈમ્તિયાઝ ઉર્ફે લાલાએ ઉચ્ચારી મર્ડરની વાત
ઈમ્તિયાઝનાં ત્રાસથી જન્નતનો પણ આત્મહત્યાનો પ્રયાસ, રાધાનાં કમોત બાબતની તપાસ કોણે અને શા માટે બંધ કરી?
જન્નત મીર સાથેની ટેલીફોનિક વાતચીતમાં ઈમ્તિયાઝ ઉર્ફે લાલો ખૂદ સ્વીકારે છે કે, તેણે જ તોફાની રાધાની હત્યા કરી હતી અને હવે તે જન્નતની હત્યા પણ કરી નાંખશે. આ વાતચીતની ઑડિયો ક્લિપ પણ વાઈરલ થઈ છે.
ગત તા. 21 ફેબ્રુઆરી 2025ના રોજ સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર રાધિકા ધામેચાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. એ સમયે ‘ખાસ-ખબર’ દ્વારા ગત તા. 22-24 ફેબ્રુઆરી 2025ના રોજ અહેવાલ પ્રસિદ્ધ કરી લખ્યું હતું કે, રાધિકાના મોત પાછળ કુખ્યાત મુસ્લિમ શખ્સ જવાબદાર? તેના નજીકના લોકોના કથન અનુસાર રાધિકા ધામેચાએ આપઘાત કર્યો નહતો, તેની હત્યા થઈ હતી. રાધિકાનું મોત રહસ્યમય હતું. ત્યારબાદ આ આખોય કિસ્સો દબાઈ ગયો હતો. પોલીસે પણ રાધિકા ધામેચા ઉર્ફે તોફાની રાધાની આત્મહત્યા કે હત્યા મામલે ઊંડી તપાસ કરવાનું ટાળી કેસની ફાઈલ બંધ કરી દીધી હતી.
હવે જ્યારે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જન્નત મીરે ઈમ્તિયાઝ રાઉમા ઉર્ફે લાલાના ત્રાસથી કંટાળી ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે ત્યારે આ બંનેની વાતચીતના કેટલાક ઓડિયો બહાર આવ્યા છે. જેમાં ઈમ્તિયાઝ રાઉમા ઉર્ફે લાલાએ તોફાની રાધાની જેવા જ હાલ જન્નત મીરના કરવાની અને તેણે જ જન્નત મીરને મારી હોવાનું કબુલ્યું છે. આમ, તોફાની રાધાના કથિત આપઘાત સમયે ’ખાસ-ખબર’ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા અહેવાલ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે. રાધિકા ધામેચા કેસની ફાઈલ ફરી એકવાર રિઓપન થવી જોઈએ. ચોરી, લૂંટ, મારામારી, હત્યાની કોશિશ, ફાયરિંગ વગેરે જેવા ગુનામાં સંડોવાયેલા ઈમ્તિયાઝ રાઉમા ઉર્ફે લાલાના ત્રાસ અને મારનો ભોગ અન્ય કોઈ બની આત્મહત્યા કરે એ પૂર્વે પોલીસ વિભાગે આ અંગે ઘટતું કરવું જોઈએ.
ઈમ્તિયાઝ સામે રાજકોટમાં પ્રથમ ગુજસીટોકનો ગુનો નોંધાયેલો
સમા ભાયાણી ઉર્ફે જન્નત મીરે ફીનાઇલ જેના ત્રાસથી ગટગટાવ્યું છે તે ઈમ્તિયાઝ ઉર્ફે લાલો અસંખ્ય ગુનાનો ઇતિહાસ ધરાવે છે. રાજકોટમાં ગુજસીટોકનો પ્રથમ ગુનો ઈમ્તિયાઝ ઉર્ફે લાલા અને તેની ગેંગ સામે નોંધાયો હતો તેમજ થોડા સમય પૂર્વે રાધિકા ધામેચા ઉર્ફે તોફાની રાધા નામની યુવતીએ આત્મહત્યા કરી હતી તે પ્રકરણમાં પણ લાલાની સંડોવણીના આક્ષેપો થયા હતા. ત્યારે ક્યા કારણે પોલીસ ઈમ્તિયાઝ જેવા રીઢા ગુનેગારને છાવરી રહી છે તેવા સવાલો ઊભા થયા છે.
સોશિયલ મીડિયાથી એકબીજાના સંપર્કમાં આવ્યા, લાલાએ મીરને જાનથી મારી નાખવાની ધમકી આપી
જન્નત મીરને સોશિયલ મીડિયાથી જ યુવક ઈમ્તિયાઝ રાઉમા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે ત્યારબાદ યુવતીને ખ્યાલ આવ્યો કે આ શખસ 12 વર્ષ જેલમાં રહી ચૂક્યો છે અને ગુનાહિત માનસિકતા ધરાવે છે. પરાણે પ્રેમ સંબંધ બાંધવાનું કહી યુવતી અને તેના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી આરોપીના ત્રાસથી કંટાળીને પગલું ભર્યું હોવાનું સુસાઇડ નોટમાં અને પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. જોકે, હાલ યુવતીની હાલત સ્થિર છે અને તેણે પ્રદ્યુમન નગર પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ઈમ્તિયાઝ સાથે પ્રેમસંબંધ હોવાથી 28 જુલાઈથી 18 ઓગષ્ટ, 2025 દરમિયાન અવાર નવાર ઘરે આવી યુવતી અને તેની માતા સાથે માથાકૂટ કરતો હતો. તેમજ યુવતીના માનીતા ભાઈ તેમજ મિત્રના ફોનમાંથી કોનફરન્સ કોલમાં ફોન કરી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.
તોફાની રાધાને મારી એમ હું તને પણ મારી નાંખીશ: ઈમ્તિયાઝ ઉર્ફે લાલો
અવારનવાર ઈમ્તિયાઝ મીરના ઘરે આવીને તેને અને તેની મમ્મી સાથે માથાકૂટ કરી હેરાન પરેશાન કરતો હતો અને છેલ્લા 20 દિવસથી આ ઈમ્તિયાઝ તેના ફોનમાંથી મીરના માનીતા ભાઈ હનન ચાવડા તથા અહેમદ સુમરાના ફોનમાં કોન્ફરન્સ કોલમાં લઈ વાત કરતો હતો. ઈમ્તિયાઝ કોલમાં મીરને કહેતો કે, મારી સાથે સંબંધ નહી રાખે તો તને મારી નાખીશ તેમ ધમકી આપતો હતો અને જેમફાવે તેમ ભુંડા બોલી ગાળો આપતો હતો. આ વિશે જન્નત મીરે કહ્યું હતું કે, ગત તા.18 ઓગસ્ટના રોજ રાત્રીના સમયે હું મારા ઘરે હતી ત્યારે મને અલગ અલગ ફોનમાંથી ફોન કરી ધમકી આપતો હતો કે, તું ઘરની બહાર નીકળીશ એટલે જાનથી મારી નાખીશ. ફોન પરત ન આપી કહ્યું કે, જેમ મેં તોફાની રાધાને મારી એમ હું તને પણ મારી નાખીશ. મેં 12 વર્ષથી જેલ કાપેલી છે. તું પોલીસ કમિશનર, પોલીસ ઇન્સ્પેક્ટર કે કોઈપણ ને કહીશ હું તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ. જે મામલે યુવતીએ ઈમ્તિયાઝ ભીખુ રાઉમા (રહે. દુધની ડેરી હાઉસીંગ બોર્ડના ક્વાટર પાસે, રાજકોટ) સામે રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં બી.એન.એસ. કલમ 352, 351(3) ફરિયાદ નોંધાવી છે.



