યુનિવર્સિટીના પરિસરમાં 5 એકરમાં નિર્માણ પામશે સંશોધન કેન્દ્ર
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ વન પર્યાવરણ તથા પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે રૂ.15 કરોડના ખર્ચ નિર્મિત થનાર આદિકવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રના ભવનનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ ખાતમુહૂર્ત કર્યું હતું.
જૂનાગઢના યુનિવર્સિટી રોડ પર પોલિટેકનિક કોલેજની સામે ખડિયા ખાતે આકાર પામનાર આ સંશોધન કેન્દ્રમાં આદિકવિ નરસિંહ મહેતાના સાહિત્ય પર રિસર્ચ થવાની સાથે તેમના જીવન-કવનને વણી લેતું વર્ચ્યુઅલ મ્યુઝિયમ પણ બનશે. ઉપરાંત કંઠોપકંઠ પરંપરાથી શ્રી નરસિંહ મહેતાના જળવાયેલા પદોનું ડિજીટલાઈઝેશન કરવામાં આવશે.આ પ્રસંગે મંત્રી મુળુભાઈ બેરાએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની શુભકામના પાઠવતા જણાવ્યું કે, આદિકવિ શ્રી નરસિંહ મહેતાની રચનાઓનો ગુજરાતી ભાષા સાહિત્ય પર પ્રભાવ જોવા મળે છે. ગાંધીજીને પ્રિય એવા ‘વૈષ્ણવ જન’ ભજન વસુધૈવ કુટુંબકમની ભાવનાને અને એક સારા માનવીના ગુણો દર્શાવે છે, આ ભજન ગાંધીજીના જીવનનું પણ પર્યાય બની ચૂક્યું હતું.આપણા સાહિત્ય અને લોકસાહિત્ય પરંપરાઓનો વારસો ખૂબ ઉજળો રહ્યો છે, નરસિંહથી ન્હાનાલાલ અને નર્મદથી નરેન્દ્ર મોદી સુધી વિસ્તર્યો છે. ત્યારે આ સંશોધન કેન્દ્ર આપણા વારસાને વધુ જીવંત કરીને સમાજ સુધી પ્રસરાવશે તેવી વાત કરી હતી.


