પરસોતમ રૂપાલા રાતે ક્ષત્રિયોના આસ્થાના કેન્દ્ર ગધેથડ આશ્રમ પહોંચ્યા, લાલબાપુએ કહ્યું- સમાજ સમજે એવી અમારી ભાવના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
- Advertisement -
રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફાટી નીકળી હતી. આ પછી શુક્રવારે ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્યો, સંસદસભ્યો તેમજ ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો અને નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. એમાં પુરુષોત્તમ રૂપાલાએ હાજરી આપી જાહેરમાં ફરી એક વખત માફી માગી રંજ વ્યક્ત કર્યો હતો. આ પછી તેમણે રાત્રિના તેઓ ક્ષત્રિય સમાજની આસ્થાનું કેન્દ્ર સમાન ગધેથડ આશ્રમ ખાતે લાલબાપુની મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ સમયે વિવાદના પગલે કોઈ નિવેદન કરવાને બદલે લાલબાપુએ પુરુષોત્તમ રૂપાલાને આશ્વાસન આપ્યું હતું.
આ પછી લાલબાપુએ પુરુષોત્તમ રૂપાલાને જણાવ્યું હતું કે સમાજ માટે હું સમાજને ખૂબ સમજાવીશ અને એના માટે અમે મહેનત કરીશ. બને એટલી કોશિશ કરીશું કે સમાજ સમજે એવી અમારી ભાવના અને લાગણી છે એટલે એ અમે કરીશું, કારણ કે સમાજની જે ગરીમા એ સમજે અને હું સમજુ એ પ્રમાણેનો વચ્ચેનો રસ્તો કાઢીને ગમે તે રીતે મારી રીતે હું સમજાવીશ. બધાને અનુકૂળ આવે, બધાનું સારું થાય, બધાનું હિત થાય તેમજ બધાનું કલ્યાણ થાય એવી અમારી માતાજીને પ્રાર્થના છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુસોત્તમ રૂપાલાએ રાજા રજવાડાં સામે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. ત્યારે મામલો શાંત પાડવા ગોંડલના શેમળા ગામમાં જયરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ક્ષત્રિય સમાજની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક પૂર્ણ કરી પુરુષોત્તમ રૂપાલા રાત્રિના સમયે ઉપલેટા નજીક આવેલા ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે લાલબાપુની મુલાકાત કરી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. ગધેથડ આશ્રમ એ રાજકોટ અને સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના લોકો માટે એક આસ્થાનું કેન્દ્ર માનવામાં આવ છે અને એટલા જ માટે કદાચ પુરુષોત્તમ રૂપાલાએ પણ અહીં હાજરી આપી હોઈ શકે એવું ચર્ચાઈ રહ્યું છે.
આ મારી ક્ષતિ છે અને હું જ જવાબદાર છું: રૂપાલા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
ક્ષત્રિયોની બેઠકમાં ગઈકાલે સાંજે પહોંચેલા રૂપાલાએ ફરીવાર માફી માગતાં જણાવ્યું હતું કે હું મારી વાત શરૂ કરું એ પહેલાં મને જે ફીલિંગ આવી છે એ વ્યક્ત કરી દઉં, પછી મારી વાત શરૂ કરું. મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો એની મેં અનુભૂતિ પણ કરી છે. અત્યારસુધી જે ચાલ્યું અને અત્યારે હું આવું એવી મારે જયરાજસિંહભાઈ સાથે વાત થઈ હતી કે તમારે 7 વાગ્યે પહોંચવું એવી વાત થઈ હતી. હું ચૂંટણીસભામાં જતો હોવ અને ઢોલ-નગારાં સાથે મારું જે સ્વાગત થાય એ ક્ષત્રિયો સિવાય કોઈ કરી ન શકે, એ શક્ય જ નથી. મિત્રો મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું. મારી આખી જિંદગીમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો કોઈ રેકોર્ડ નથી. એક બિનઆયોજિત કાર્યક્રમમાં કરશન સાગઠિયાના ભજનમાં ગયા હતા, એમાં થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો, જયરાજસિંહજી એનાથી મોટો કોઈ અફસોસ નથી. આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માગું છું. આ મારી ક્ષતિ છે અને હું જ જવાબદાર છું. મારા કારણે પાંચ ક્ષત્રિયને કારણે નુકસાની સહન કરવાનો વારો આવે એવું હું ઇચ્છતો નથી. અમારા સમર્થનમાં આવેલા છે એ મનાવીને નહીં પણ પ્રેમથી આવ્યા છે. હું જયરાજસિંહનો આભારી છું કે એક ક્ષત્રિયને છાજે એ રીતે આપે રસ લીધો એ બાબતે હું અંત:કરણપૂર્વક આપનો આભારી છું અને પાર્ટીના વરિષ્ઠ આગેવાન તરીકે પાર્ટી વતી પણ તમને અભિનંદન આપું છું.