રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ અંતર્ગત મનોરંજન સાથે માહિતીના અભિગમ સાથે પરંપરાગત માધ્યમ થકી સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે જાગૃતિ સંદેશ આપવામાં આવે છે. મનોરંજન સાથે સામાજિક પ્રગતિના સંદેશ આપીને સામાન્ય લોકોના દૃષ્ટિકોણમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે આવા કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમો થકી પરંપરાગત માધ્યમોના કલાકારોને પોતાની કલાના પ્રદર્શન માટે યોગ્ય માધ્યમ અને પ્રોત્સાહન પણ મળે છે.
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન નિમિત્તે સ્વચ્છતા અંગે જાગૃતિ માટે રાજકોટ તાલુકાના ઢાંઢણી અને અણીયારા ગામોમાં પપેટ શોનું પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત રીતે આ કલાના કલાકાર ઉકાભાઇ ભાટે ઢાંઢણી અને અણીયારા ગામોમાં કઠપુતળીના ખેલ દ્વારા રસપ્રદ અને મનોરંજક શૈલીમાં બાળકો અને ગામલોકો સામે કાર્યક્રમ રજુ કર્યો હતો. આ પપેટ શોમાં સ્વચ્છતા તેમજ અન્ય સંદેશાઓ વણી લઇને અસરકારક રજુઆત કરવામાં આવી હતી. આ કલા સાથે સ્વચ્છતાના પાઠ શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક નિહાળી હતી.