ફેરિયા-દુકાનદારોને ગુલાબ આપી પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા અંગે અપીલ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.26
સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં 22 મેથી 5 જૂન દરમિયાન વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત થીમ પર અનેકવિધ કાર્યક્રમો થકી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
સુરક્ષા સેતુ સોસાયટી સ્ટૂડન્ટ પોલીસ કેડેટ સમર કેમ્પના કેડેટ્સ અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સફાઈ કર્મચારીઓ દ્વારા સોમનાથ પરિસર, હમીરજી સર્કલ, રામમંદિર સહિતના સ્થળોએ ’પ્લાસ્ટિક નાબૂદી’ ઝૂંબેશ અભિયાન અંતર્ગત હોટેલ, દુકાનો, ફેરિયાઓ અને પ્રવાસીઓમાં ’પ્લાસ્ટિક પ્રદૂષણ’ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
- Advertisement -
સૌ પ્રથમ દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર સામેના પરિસરમાં ઉપસ્થિત સર્વે કર્મચારીઓ, સ્ટૂડન્ટ પોલીસ કેડેટ સમર કેમ્પના કેડેટ્સ અને સફાઈ કામદારોએ ’પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ’ના શપથ લઇ અને પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા સંકલ્પબદ્ધ થયાં હતાં.
આશરે 250થી વધારે સ્ટૂડન્ટ પોલીસ કેડેટ સમર કેમ્પના કેડેટ્સ દ્વારા સોમનાથ, રામમંદિર ખાતે હોટેલ સંચાલકો, ફેરિયા-દુકાનદારો તેમજ પ્રવાસીઓને ગુલાબ આપી પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા અંગે અપીલ કરવામાં આવી હતી. આ રીતે સ્ટૂડન્ટ પોલીસ કેડેટ સમર કેમ્પના કેડેટ્સ અને સફાઈ કામદારોએ રેલી દ્વારા સોમનાથ સહિત ધાર્મિક સ્થળોએ પ્લાસ્ટિક એકત્ર કરી ’પ્લાસ્ટિક મુક્ત યાત્રાધામ’નો સંદેશઆપ્યોહતો.