જૂનાગઢ જિલ્લાના સફાઈ કર્મચારીઓના પ્રશ્ર્નોની સમીક્ષા કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
ભારત સરકારના રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષા શ્રીમતી અંજના પંવારના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જિલ્લાના સફાઈ કર્મચારીઓના પ્રશ્નોની સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા કલેકટર, મહાનગરપાલિકા તથા જિલ્લાની નગરપાલિકાઓના અધિકારીઓ ઉપરાંત સફાઈ કર્મીઓના યુનિયનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સફાઈ કર્મચારીઓના પ્રશ્નોના સાર્થક ઉકેલ માટે જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં શ્રીમતી અંજના પંવારે સફાઈ કર્મચારીઓને સમાજની મુખ્ય ધારામાં જોડવા મૂળભૂત પ્રશ્નોને સંવેદના સાથે હલ કરવા નિર્દેશ આપ્યા હતા. આ સાથે સફાઈ કર્મચારીઓને કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાઓનો લાભ અને જાણકારી મળી રહે તે માટે ખાસ કેમ્પ માટે સૂચના આપી હતી. ઉપરાંત લઘુત્તમ વેતન, સફાઈ કર્મીઓના આરોગ્ય તપાસણી, વીમો સહિતના લાભો મળી રહે તે સુનિશ્ચિત કરવા અપાઈ સૂચના આપી હતી.આ બેઠકમાં સફાઈ કર્મચારીઓના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે વિશેષ કાળજી લેવા માટે પણ જણાવ્યું હતું. ઉપરાંત સફાઈ કર્મચારીઓને ઋતુ મુજબ એટલે કે ચોમાસા માટે રેઈનકોટ, શિયાળામાં ગરમ કપડાં, સુરક્ષાને ધ્યાને લઇ રેડિયમવાળા જેકેટ, પગ પહેરવાં માટે શૂઝ વગેરે મળી રહે તે સુનિશ્ચિત કરવા પણ સૂચના આપી હતી.