જયસુખ પટેલનું સરનામું મળે તો પણ પોલીસને તેને પકડવામાં રસ હોય તેવું લાગતું નથી!
ખાસ-ખબર સંવાદદાતા
ખાસ-ખબરમાં ગત રોજ મોરબી ઝૂલતા પુલ હોનારત માટે જવાબદાર ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ હરિદ્વારમાં પોતાના બંગલે જલ્સા કરતા હોવાના અહેવાલના જબરદસ્ત પડઘા પડ્યા છે. આ અહેવાલની નોંધ સ્થાનિકથી લઈ રાષ્ટ્રીય મીડિયા દ્વારા લેવામાં આવી છે. મોરબી ઝૂલતા પુલ હોનારત બાદ જયસુખ પટેલ પરિવાર સાથે હરિદ્વાર ફરાર થઈ ગયા હોવાનો અને હરિદ્વારમાં આવેલા પોતાના બંગલે જલ્સા કરતા હોવાનો અહેવાલ ખાસ-ખબરમાં પ્રસિદ્ધ થયા બાદ વધુ એક ચોંકવનારી વિગત બહાર આવી છે કે, જયસુખ પટેલનું છેલ્લું લોકેશન હરીદ્વારનું ટ્રેસ થયું છે. મતલબ કે, જયસુખ પટેલ હરિદ્વારમાં હોવાનો ખાસ-ખબરનો અહેવાલ સત્ય છે. મોરબી દુર્ઘટના મામલે પોલીસનું સર્ચ ઓપરેશન શરૂ થયા બાદ ચાલાક-ચતુર જયસુખ પટેલ હરિદ્વારમાં હોવાનું સાબિત થઈ ચૂક્યું છે. ઓરેવાના માલિક જયસુખ પટેલ ઝૂલતા પુલ દુર્ઘટનામાં સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તબક્કે સ્પષ્ટ થઈ ગયા બાદ તેઓ પોલીસ પકડથી બચવા સહપરિવાર રાજ્ય બહાર ભાગી ગયાની આશંકા હતી ત્યારે જયસુખ પટેલનું છેલ્લું લોકેશન હરિદ્વારનું ટ્રેસ થયું છે. હવે જો પોલસી અને પ્રશાસન ઈચ્છે તો મોરબી ઝૂલતા પુલ હોનારતના મુખ્ય જવાબદાર આરોપી જયસુખ પટેલની ધરપકડ કરી શકે છે.
- Advertisement -
ગૃહમંત્રીની પહેલેથી લઈ છેલ્લે સુધી એક જ વાત ‘તપાસ ચાલું છે’
જયસુખ પટેલનું લોકેશન હરિદ્વારમાં હોવા અંગે જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, આખા કિસ્સામાં તપાસ ચાલુ છે. ઝૂલતા પુલ હોનારતમાં ગૃહમંત્રી પાસેથી પહેલેથી લઈ છેલ્લે સુધી એક જ વાત જાણવા મળી રહી છે કે, તપાસ ચાલુ છે.
જયસુખ પટેલની શોધખોળ કે પૂછપરછ કરવાની પણ પોલીસ તસ્દી લેતી નથી!
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ સહપરિવાર ફરાર થઈ ચૂકેલા જયસુખ પટેલની સંભવિત સ્થાનો પર શોધખોળ કે તેના લાગતાવળગતાને પૂછપરછ કરવાની પણ પોલીસ તસ્દી લેતી માલૂમ પડી નથી. પળવારમાં ચોરી, લૂંટ, હત્યાના આરોપી સુધી પહોંચી શકતી પોલીસ જયસુખ પટેલના કિસ્સામાં ચોક્કસ કારણોસર વામણી પુરવાર થઈ રહી છે એટલું જ નહીં કરોડોનો નશીલો જથ્થો ક્યાંથી નીકળ્યો છે, ક્યાં પહોંચ્યો છે, ક્યાં આવી રહ્યો છે, ક્યાં છુપાવ્યો છે વગેરેની માહિતી મેળવનારા ઉચ્ચ અધિકારીઓ પણ પાંગળા એટલે સાબિત થઈ રહ્યાં છે કેમ કે તેમને પણ જયસુખ પટેલની બાતમી નથી મળી રહી.
ફરાર જયસુખ પટેલ હરિદ્વારમાં જલ્સા કરે છે!
- Advertisement -