17 બોગસ દસ્તાવેજ અંગેની ફરિયાદ નોંધાયા બાદ હર્ષ સોની ભૂગર્ભમાં ઉતરી ગયો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની જિલ્લા નોંધણી કચેરીમાં નકલી દસ્તાવેજના કૌભાંડના મુખ્ય સૂત્રધાર હર્ષ સોનીની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. 17 બોગસ દસ્તાવેજો અંગે ફરિયાદ નોંધાયા બાદ તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.પ્રદ્યુમનનગર પોલીસની ટીમ અમદાવાદથી ઝડપાયેલા હર્ષ સોનીને રાજકોટ લાવી છે. પીઆઈ ડોબરીયા અને તેમની ટીમે સઘન પૂછપરછ હાથ ધરી છે. જેમાં અનેક અધિકારીઓ સહિત મોટા નેતાઓની સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે. 1972ના હસ્તલિખિત દસ્તાવેજની સ્કેનિંગ કોપીમાં, ઓફિસ સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી સહિત ત્રણ લોકોએ 17 દસ્તાવેજો સાથે ચેડા કર્યા હોવાનું બહાર આવ્યું હતું.
- Advertisement -
અગાઉ પોલીસે જયદીપ ઝાલાની ધરપકડ કરી હતી. અમદાવાદની ઇગજ એજન્સીના કોન્ટ્રાક્ટ આધારિત સુપરવાઈઝર જયદીપ ઝાલા, કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી હર્ષ સોની અને અન્ય કિશન ચાવડાએ સમગ્ર કૌભાંડને અંજામ આપ્યો હતો. જો કે આ કેસમાં પોલીસે અગાઉ જયદીપ ઝાલાની ધરપકડ કરી હતી. જ્યારે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હર્ષ સોની ફરાર હતો. સબ રજીસ્ટ્રાર કચેરીમાં ચાલતા નકલી દસ્તાવેજના કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.