ધારાસભ્યને તાત્કાલિક જામીન મંજૂર, 1 માસનો કોર્ટે સ્ટે આપ્યો
ભાજપમાં પ્રવેશ ન કર્યો એટલે તેમના નેતાઓના ઇશારે મારી ઉપર ખોટો ગુન્હો દાખલ કરાયો – વિમલ ચુડાસમા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
7 નવેમ્બર 2010ના રોજ વિમલ ચુડાસમા જ્યારે ચોરવાડ પાલિકાનાં વિરોધ પક્ષના નેતા હતા તે દરમિયાન તેમના પર મારામારી કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ત્યારે માળિયા કોર્ટ દ્વારા આજે તેની સુનવણી હાથ ધરવામાં આવી હતી જેમાં માળિયા હાટીના કોર્ટે ધારાસભ્ય વિમલ ચુડાસમાને 143, 147, 148, 504, 506 અને 427 હેઠળ નિર્દોષ જ્યારે 149 અને 323 જેવા રાયોટિંગના ગુન્હા અંતર્ગત 6 માસની સાદી સજા ફટકારી છે.ત્યારે આ અંગે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે 2010માં જ્યારે હું ચોરવાડ નગરપાલિકાનો કોંગ્રેસનો વિરોધ પક્ષનો નેતા હતો તે દરમિયાન મને ભાજપમાં આવવા દબાણ આપવામાં આવ્યું હતું અને જે ફરિયાદી મિત વૈદ્ય છે તેના પિતા વકીલ છે અને ભાજપના સક્રિય કાર્યકર અને આગેવાન છે. ઉપરાંત હાલના સાંસદના ભાઈ હરીશ ચુડાસમાએ પોતાની વગનો ઉપયોગ કરી મારી ઉપર ખોટી ફરિયાદ દાખલ કરી હતી.હવે અમો સેશન્સ કોર્ટમાં ન્યાય મેળવવા જશું અને મને ભરોસો છે મને ન્યાય મળશે.આ અંગે ફરિયાદી મિત વૈદ્ય એ જણાવ્યું હતું કે 7 નવેમ્બર 2010ના નૂતનવર્ષના દિવસે હું અને મારો મિત્ર હરીશ નારણભાઈ ચુડાસમા અને અન્ય મિત્રો હોલીડે કેમ્પ ચોરવાડ તેમજ દતેશ્વર મહાદેવ દર્શન કરવા ગયા હતા તે દરમિયાન વિમલ ચુડાસમાએ મારા અને મારા મિત્ર હરીશ ઉપર પ્રાણઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો.આજે માળિયા કોર્ટ દ્વારા તેમને સજા ફટકારવામાં આવી છે તેમનો હું આભાર માનું છું અને વધુમાં વધુ સજા થાય તેવી માંગણી અમો સેશન્સ કોર્ટમાં કરીશું.