ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.20
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અને વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનો કાર્યક્રમ બહાર પાડેલ છે. જે અન્વયે 11-પોરબંદર લોકસભા મતદાર વિભાગની સામાન્ય ચૂંટણી અને 83-પોરબંદર વિધાનસભા મતદાર વિભાગની પેટા ચૂંટણી આગામી તા.07 મેના રોજ યોજાનાર છે અને ત્યારબાદ મતગણતરી તા.04 જૂનના રોજ છે.
આ ચૂંટણી પ્રક્રિયા અન્વયે પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ કે.ડી. લાખાણી દ્વારા પ્રિન્ટિંગ પ્રેસના મુદ્રકો અને માલિકો સાથે બેઠક યોજી જરૂરી સૂચના અપાઇ છે. કલેક્ટર કે.ડી. લાખાણીએ પ્રિન્ટિંગ પ્રેસના મુદ્રકો અને માલિકોને ચૂંટણી પ્રક્રિયા અંગે રાજકીય પક્ષો દ્વારા જે ચૂંટણી સાહિત્યો છાપવામાં આવતા હોય છે તેમના પ્રકાશક, મુદ્રક તેમજ આપવામાં આવતી નકલોના હિસાબો, પ્રતની નકલો, હિસાબો નિયત કરેલ નમુનામાં નિભાવવામાં આવે અને તેનું ડેકલેરેશન સંબંધિત સતા અધિકારીને મળી જાય, જે માટે નમૂના સહિતની માહિતી પ્રિન્ટિંગ પ્રેસના માલિકો અને સંચાલકોને આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.બી ઠક્કર તેમજ આચાર સંહિતાના નોડલ અધિકારી રેખાબા સરવૈયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હિરલબેન દેસાઈ અને પ્રિન્ટિંગ પ્રેસના મુદ્રકો, માલિકો, સંચાલકો સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.