આ ચાસણી કાંચીપુરમની ફેક્ટરીમાં બનાવવામાં આવતી હતી
જ્યારે તમિલનાડુએ 24 કલાકની અંદર શંકાસ્પદ બેચનું પરીક્ષણ કર્યું, પુષ્ટિ કરી અને પ્રતિબંધ મૂક્યો, મધ્ય પ્રદેશ હજી પણ “રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે”.
- Advertisement -
છિંદવાડામાં 9 બાળકોના મૃત્યુ બાદ મધ્ય પ્રદેશમાં Coldrif કફ સિરપ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. પ્રદેશના મુખ્ય મંત્રી મોહન યાદવે આ સંબંધે નિવેદન જાહેર કરીને કહ્યું કે, ગુનેગારોને છોડવામાં નહીં આવે.
મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી
મુખ્યમંત્રી યાદવે ‘X’ પર લખ્યું કે, ‘છિંદવાડામાં Coldrif સિરપના કારણે બાળકોનું મૃત્યુ ખૂબ જ દુઃખદ છે. આ સિરપનું વેચાણ આખા મધ્ય પ્રદેશમાં પ્રતિબંધિત કરવામાં આવે છે. સિરપ બનાવનારી કંપનીના અન્ય પ્રોડક્ટના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. સિરપ બનાવનારી ફેક્ટરી કાંચીપુરમમાં છે, તેથી ઘટના સામે આવ્યા બાદ તમિલનાડુ સરકારને પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. શનિવારે વહેલી સવારે જ તપાસ રિપોર્ટ સામે આવ્યો છે અને રિપોર્ટના આધારે કડક એક્શન લેવામાં આવ્યા છે. બાળકોનું દુઃખદ મૃત્યુ બાદ સ્થાનિક સ્તરે કાર્યવાહી ચાલી રહી હતી. રાજ્ય સ્તરે પણ આ મામલે તપાસ માટે ટીમ બનાવવામાં આવી છે. ગુનેગારોને કોઈપણ કિંમતે છોડવામાં નહીં આવે.’
- Advertisement -
તપાસ ટીમનું કરાયું ગઠન
સ્થાનિક સ્તરે છિંદવાડા વહીવટી તંત્રએ પહેલાં જ Coldrif અને Nextro-DS સિરપ પર જિલ્લા-વ્યાપી પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે રાજ્ય સ્તર પર વિશેષ તપાસ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે, જે સિરપના વિતરણ, સપ્લાય ચેઇન અને તબીબોની ભૂમિકાની તપાસ કરશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર(NCDC)ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ચુકી છે, જે સેમ્પલ તપાસમાં સહયોગ કરી રહી છે.
સિરપના સેવન બાદ બાળકોનું મૃત્યુ?
નોંધનીય છે કે, છિંદવાડાના પરાસિયા વિસ્તારમાં વાઈરલ તાવની સારવાર માટે સ્થાનિક ડૉક્ટરની સલાગ મુજબ, સિરપનું સેવન કર્યા બાદ બાળકોની સ્થિતિ બગડવા લાગી હતી. તેઓ છિંદવાડા અને નાગપુરની હૉસ્પિટલમાં દાખલ થયા. પરંતુ, અનેક બાળકોને બચાવી ન શકાયા.
મૃતકોમાં શિવમ, વિધિ, અદનાન, ઉસૈદ, ઋષિકા, હેતાંશ, વિકાસ, ચંચલેશ અને સંધ્યા જેવા માસૂમ બાળકો સામેલ છે. પરિવારનો આરોપ છે કે, શરદી-ખાંસીની સમસ્યાએ તેમના બાળકોનો ભોગ લીધો.
આરોગ્ય વિભાગની વાલીઓને સલાહ
આરોગ્ય વિભાગે માતા-પિતાને સલાહ આપી છે કે તેઓ ડૉક્ટરની સલાહ વિના બાળકોને કોઈપણ દવા ન આપે. વધુમાં, 1,400થી વધુ બાળકો માટે જિલ્લા સ્તરીય સ્ક્રિનિંગ ઝુંબેશ ચાલી રહી છે જેથી સંભવિત અસરગ્રસ્ત બાળકોને વહેલા ઓળખી શકાય.