જૂનાગઢ ભવનાથ તીર્થ ક્ષેત્ર મનોરંજનનું કેન્દ્ર બન્યું
ભવનાથ ગ્રાઉન્ડ પર નિયમોની ઐસીતૈસી કરી ચાલતી રાઇડ્સ
પ્રશાશન રાજકોટ, મોરબી, વડોદરા જેવી દુર્ઘટના રાહ જુવે છે ?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જૂનાગઢનું ભવનાથ તળેટી ક્ષેત્ર જે એક ધર્મનગરી તરીકે ઓળખાય છે, તે હવે મનોરંજનનું કેન્દ્ર બન્યું છે. ભવનાથના જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં બાળકો માટે અનેક રાઇડ્સ ચાલી રહી છે, જેમાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રશાસન જાણે કે ’સબ સલામત’ હોવાના દાવા કરતું હોય તેમ, આ ગેરરીતિઓ સામે આંખ આડા કાન કરી રહ્યું છે. ગત રવિવારે રજા હોવાથી મોટી સંખ્યામાં પરિવારો બાળકો સાથે ફરવા આવ્યા હતા. ગ્રાઉન્ડમાં ચાલી રહેલી રાઇડ્સની મજા માણી રહ્યા હતા ત્યારે એકાએક એક ભાગની લાઇટ ગુલ થઈ ગઈ. જેના કારણે એક જમ્પિંગ રાઇડમાંથી હવા નીકળી જતા તેમાં બેઠેલા બાળકો અને વાલીઓમાં ભારે અફરાતફરી મચી હતી.
લગભગ 15 થી 20 ફૂટ ઊંચી આ રાઇડ અચાનક નીચે બેસી જતા લોકો ગભરાઈ ગયા અને ચીસાચીસ થઈ હતી. જોકે, સદનસીબે કોઈ મોટી દુર્ઘટના થઈ નહોતી અને હાજર રહેલા લોકોએ ઝડપથી બાળકોને બહાર કાઢ્યા હતા. આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. ભૂતકાળમાં રાજકોટ ગેમઝોન, વડોદરાની હરણી બોટ દુર્ઘટના અને મોરબીના ઝૂલતા પુલ જેવી ઘટનાઓ નિયમોની અવગણનાને કારણે જ બની હતી. એ જ રીતે, ભવનાથ ગ્રાઉન્ડમાં પણ રાઇડ્સ નિયમ વિરુદ્ધ ચાલી રહી હોવાનું જણાય છે. વરસાદી માહોલમાં વીજળીના વાયરો જમીન પર ખુલ્લા જોવા મળી રહ્યા છે. આવા સંજોગોમાં પ્રશાસન શું કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે? આ ઘટનાએ તંત્રની બેદરકારી અને આગામી સમયમાં થનારી કાર્યવાહી પર ગંભીર પ્રશ્ર્નો ઊભા કર્યા છે.
જૂનાગઢ પ્રશાશન આ ગ્રાઉન્ડમાં ચાલતી રાઈડનું ચેકિંગ કરશે ?
વીજ કનેક્શન: આ રાઇડ્સના વીજ કનેક્શન કાયદેસર છે કે ગેરકાયદેસર તેની તપાસ થશે?
ફાયર સેફ્ટી: શું ગ્રાઉન્ડ પર ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ છે?
સુરક્ષાના ધોરણો: રાઇડ્સના સંચાલનમાં સુરક્ષાના નિયમોનું પાલન થાય છે કે નહીં?