ગિરનારની ગોદમાં શ્રદ્ધાનો મહાકુંભ: ભવનાથ મહાશિવરાત્રી મેળાનો ભવ્ય ઇતિહાસ
પૌરાણિક કથાઓ અનુસાર, સૃષ્ટિના સંહારક ભોળાનાથે અહીં કઠોર તપ કર્યું હતું
- Advertisement -
ભવનાથમાં શિવ-શક્તિના સાનિધ્યે ’ભક્તિ, ભજન અને ભોજન’નો શિવરાત્રી મેળો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢના ગરવા ગિરનારની તળેટીમાં યોજાતો મહાશિવરાત્રીનો મેળો એ માત્ર લોકમેળો નથી, પરંતુ ભારતની પ્રાચીન સનાતન સંસ્કૃતિ, અધ્યાત્મ અને લોક આસ્થાનો જીવંત દસ્તાવેજ છે. હજારો વર્ષોથી અવિરત ચાલતી આ પરંપરામાં ’ભજન, ભોજન અને ભક્તિ’નો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળે છે. ગિરનાર એ સિદ્ધો અને તપસ્વીઓની ભૂમિ છે. પૌરાણિક કથાઓ અનુસાર, સૃષ્ટિના સંહારક ભોળાનાથે અહીં કઠોર તપ કર્યું હતું. એક સમયે કૈલાસ પર્વત પર શિવજીની ગેરહાજરી જણાતા માતા પાર્વતી અને અન્ય દેવતાઓ તેમની શોધમાં નીકળ્યા હતા. ભ્રમણ કરતાં કરતાં તેઓ ગિરનારની પવિત્ર ધરતી પર આવી પહોંચ્યા, જ્યાં શિવજી બિરાજમાન હતા. દેવતાઓની સ્તુતિ અને સંતોની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ શિવજીએ અહીં લિંગ સ્વરૂપે પ્રગટ થવાનું વરદાન આપ્યું હતું. માઘ માસની વદ ચૌદશના દિવસે થયેલું આ પ્રાગટ્ય આજે ’મહાશિવરાત્રી’ તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.
મેળાની શરૂઆત પ્રતિવર્ષ ’મહાવદ નોમ’ના પવિત્ર દિવસે વિધિવત ધજા ચડાવીને કરવામાં આવે છે. સૌપ્રથમ ભવનાથ મંદિરમાં ભૈરવ ડેરી પર કાળા રંગની ધજા ચડાવવામાં આવે છે, જે આ મેળાની વિશિષ્ટતા છે. ત્યારબાદ મુખ્ય શિખર, ગુરુજીની સમાધિ, ચંડભૈરવ, મૃગી માતાજી, દત્ત ભગવાન અને ગંગનાથ સહિતના સ્થાનો પર આઠ કેસરી ધજાઓ લહેરાવવામાં આવે છે. આ ધજા રોહણ સાથે જ સાધુ-સંતો પોતપોતાના રસાલાઓ સાથે ભવનાથમાં ઉમટી પડે છે અને મેળાનો વિધિવત પ્રારંભ થાય છે.
ભવનાથનો મેળો એ સાચા અર્થમાં ’અલખના આરાધકો’નો મેળો છે. તળેટી વિસ્તારમાં ચોવીસે કલાક સંતવાણીનો પ્રવાહ વહે છે. ગંગાસતી, પાનબાઈ, સંત રોહીદાસ અને નરસિંહ મહેતાના પદો જાણીતા ભજનિકોના કંઠે ગવાય છે. ભારતીબાપુની જગ્યા અને પ્રેરણાધામ જેવા અનેક ધાર્મિક સ્થાનો પર ભક્તિની પવિત્ર ગંગામાં સ્નાન કરવા માનવ મહેરામણ ઉમટી પડે છે. મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓના જઠરાગ્નિને ઠારવા 250થી વધુ અન્નક્ષેત્રો કાર્યરત રહે છે. નાત-જાતના ભેદભાવ વગર એક જ પંગતે બેસીને પ્રસાદ લેવાની આ પરંપરા કાઠિયાવાડી સંસ્કૃતિની ઉદારતા દર્શાવે છે.
નાગા સાધુઓ એ હિન્દુ ધર્મના એવા સાધુઓ છે જે સનાતન ધર્મની રક્ષા માટે સંસારનો ત્યાગ કરી, શરીર પર ભભૂતિ ધારણ કરે છે અને શિવની આરાધનામાં લીન રહે છે. ભવનાથના મેળામાં તેમને જોવા એ એક લ્હાવો માનવામાં આવે છે. સાધુ સમાજમાં પણ સંસારીઓની માફક વિવિધ શાખાઓ અને કક્ષા હોય છે. મુખ્યત્વે સાત અખાડાઓ જોવા મળે છે. જૂના અખાડા, આહવાન અખાડા, અગ્નિ અખાડા, નિર્વાણી અખાડા, નિર્મલ અખાડા, અટલ અખાડા અને આનંદ અખાડાનો સમાવેશ થાય છે.
સંત સમાજમાં પદ અને જવાબદારી મુજબ વિવિધ કક્ષાઓ હોય છે જેમ કે, મહાપુરુષ, નાગા, મહંત, શ્રીમહંત, થાણપતિ, સેક્રેટરી, રણાપતિ અને મહામંડલેશ્વર પદ ધરાવતા હોઈ છે. જયારે સાધુ સંતોમાં દશનામ પરંપરા જોવા મળે છે, જેમાં મુખ્ય 10 શાખાઓનો સમાવેશ થાય છે. જેમાં ગીરી, પુરી, ભારતી, સરસ્વતી, તીર્થ, સાગર, અરણ્ય, વન, આશ્રમ અને પર્વત જેવા નામથી ઓળખાઈ છે. મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ નીકળતું નાગા સાધુઓનું સરઘસ મેળાનું સૌથી મોટું આકર્ષણ છે. શરીરે ભભૂતિ ચોળેલ અને લાંબી જટા ધરાવતા નાગા સાધુઓ હાથમાં તલવારો, મશાલ, ભાલા અને લાઠી-દાવના અદભૂત પ્રયોગો કરે છે. પોલીસ બેન્ડના સુરો સાથે ’હર હર મહાદેવ’ અને ’જય ભોલેનાથ’ના પ્રચંડ નાદથી ગિરનારની કંદરાઓ ગુંજી ઉઠે છે. આ સરઘસની પૂર્ણાહુતિ મૃગી કુંડ ખાતે થાય છે. મધ્યરાત્રિના સમયે નાગા સાધુઓ સહિતના સાધુ-સંતો મૃગી કુંડમાં કુદી પડી પાવન સ્નાન કરે છે. એવી લોકવાયકા છે કે આ કુંડમાં સ્નાન કર્યા પછી સિદ્ધ પુરુષો અને નાગા સાધુઓ અદ્રશ્ય થઈ જાય છે. નાગા સાધુઓ મોટાભાગનો સમય હિમાલયની ગુફાઓ કે એકાંત સ્થળોએ તપસ્યામાં વિતાવે છે અને માત્ર કુંભ કે મહાશિવરાત્રી જેવા મોટા મેળામાં જ દર્શન આપે છે. તેઓ ભૌતિક સુખ-સુવિધાઓનો ત્યાગ કરે છે અને કઠિન બ્રહ્મચર્યનું પાલન કરે છે.



