ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.4
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના પીપળવા ગામના ખેડૂત હરદાશભાઇ જાદવભાઇ બમરોટિયાએ પ્રાકૃતિક ખેતીની શિબિરો બાદ પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. જેમાં તેમણે મહારાષ્ટ્રના પ્રવાસ દરમિયાન એક મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી અને ત્યાંથી જાણવા મળ્યું હતું કે, શેરડી અને કેળ એક વખત વાવ્યા બાદ તે આજીવન થાય છે. આથી હરદાશભાઇએ પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતીથી એક વખત શેરડી અને કેળનું વાવેતર કરી દર વર્ષે સારૂ એવું ઉત્પાદન મેળવી રહ્યાં છે.
આ અંગે પ્રાકૃતિક ખેતી કરતા હરદાશભાઇએ જણાવ્યું હતું કે, સુભાષ પાલેકરની શિબિર કર્યા બાદ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. જેમાં મહારાષ્ટ્રના પ્રવાસ દરમિયાન એક મોડેલ ફાર્મની મુલાકાત વખતે જાણવા મળ્યું કે શેરડી એક વખત વાવ્યા પછી તે આજીવન થાય છે અને કેળ પણ આજીવન થાય છે. તે જાણી અને પછી મારા ખેતરમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. હરદાસભાઈએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી શરૂ કરે તે પહેલા રસાયણિક ખેતીમાં ખર્ચ વધી જતો હતો અને ધીમે ધીમે ઉત્પાદન પણ ઘટવા લાગ્યું હતું. જમીન, પાણીનો પ્રશ્ન રહેતો સાથે જૈવિક તત્વોનો પણ નાશ થતો હતો. આથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત 18 વિઘા જમીનમાં શેરડી અને કેળાંનું વાવેતર કરીને કરી હતી. તેમની સાથે મિશ્ર પાક પધ્ધતિ અપનાવી અને મગફળી, સૂર્યમુખી, મકાઇ, તુવેર, ચણા, ધાણા જેવા પાકનું ઉત્પાદન પણ સારૂ એવું મેળવું છું. આથી કહી શકાય કે, ઓછા ખર્ચે પ્રાકૃતિક ખેતીમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
- Advertisement -
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારા ખેત ઉત્પાદનોનું મૂલ્યવાર્ધન કરી વેચાણ કરું છુ તેના લીધે આવક બમણી થઈ છે. પ્રાકૃતિ ખેતીમાં પાક ઉપર જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત તેમજ પ્રાકૃતિક દવાઓના ઉપયોગથી પાક તેમજ જમીનમાં ઉત્પાદન સાથે ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો છે. જમીનમાં સેંદ્રિય કાર્બનનું પ્રમાણ વધવાથી માટી પણ મુલાયમ બની છે અને અળસિયાનું પ્રમાણ વધ્યું છે.