કાયદો લાગુ કરાયાના પહેલાંના સોદાઓ અટકી પડ્યા
101 સોદાઓને મંજૂરી: 70 પેન્ડિંગ: અલગ-અલગ ધર્મની આશરે 20 જેટલી ફાઈલો અંગે અરજદારો મુંઝવણમાં મૂકાયા
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગૃહ જીલ્લામાં પ્રથમ વખત અશાંત ધારો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદાની અસર લોકોને મિલ્કત ખરીદવા અને વેચાણ પર શું અસર થઈ તે અંગે એક ડોકીયું કરીએ.
રાજકોટમાં તા. 13 જાન્યુઆરી 2021ના રોજ બપોરથી અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શહેરના રૈયા રોડ, એરપોર્ટ રોડ અને રેસકોર્સ રિંગ રોડ પર આવેલ 28થી વધુ સોસાયટીઓમાં ડિસ્ટર્બડ સેકશન કાયદાનો અમલ કરવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
આ કાયદો રાજ્યના નાગરીકોને શાંતિ અને સલામતી પૂરી પાડવા માટે ઘડવામાં આવ્યો હતો પરંતુ આ જ કાયદો મોટાભાગના લોકો માટે મુશ્કેલીજનક બની ગયો છે. આ મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોનું કહેવું છે કે સરકાર દ્વારા લાગુ કરાયેલ આ કાયદો યોગ્ય છે પરંતુ દરેક લોકોને ચોક્કસ દિવસની સમયમર્યાદા આપવી જોઈએ. અહીં આપણે વાત કરીએ છીએ અશાંત ધારાના આ કાયદાથી હેરાન-પરેશાન થયેલા લોકોની. જે દિવસે અશાંત ધારો લાગુ થયો એજ દિવસે અનેક લોકોના સવારમાં દસ્તાવેજ કરવાના હતા ત્યારે એ જ દિવસે એટલે કે 13 જાન્યુઆરી 2021ના બપોરે અચાનક આ નિયમ લાગુ કરતાં ઘણાં લોકોના દસ્તાવેજ અટકી ગયા હતા અને મુશ્કેલીઓ એવી સર્જાઈ છે કે અમુક લોકોએ 2020માં સોદા કર્યા હતા. પાર્ટી પાસેથી 50થી 70 ટકા પેમેન્ટ લીધુ હોય અને તે જ પૈસાનું ઘર ખરીદ્યું ત્યારબાદ અચાનક દસ્તાવેજના દિવસે આ કાયદો આવી જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.
- Advertisement -
ઘણાં ખરા લોકોના પૈસા અટવાઈને પડ્યા છે એવા કિસ્સા સામે આવી રહ્યા છે. હવે પૈસા પરત કેમ આપવા? અને બીજો પ્રશ્ર્ન એ છે કે રૈયા રોડ તેમજ રામેશ્ર્વર ચોક ખાતે રહેતા આ લોકોનું કહેવું છે કે એમની શેરીમાં 20 જેટલા મકાનો છે, જેમાંના 10થી 12 જેટલા મકાનો અશાંત ધારો લાગુ પડ્યા પહેલાં વેચાઈ ગયા હતા. હવે હિન્દુ આ શેરીમાં મકાન ખરીદવા તૈયાર નથી એટલે ‘દાઝ્યા પર ડામ’ જેવી સ્થિતિ સર્જાઈ છે. શેરીમાં વધુ પડતા મકાનો મુસ્લિમના હોવાથી હિંદુઓ મકાનો ખરીદતા વિચારે છે. તો બીજીબાજુ અચાનક અશાંત ધારો લાગુ થયા પહેલાં મકાનના સોદા કરેલા છે તે કલેકટર અને સીપી દ્વારા નેગેટીવ રીપોર્ટ અપાતા મકાન માલિકોની સ્થિતિ ‘ધોબીનો કૂતરો ના ઘરનો ના ઘાટનો’ જેવી સ્થિતિ ઉભી થવા પામી છે.
આવા એક કે બે નહીં પરંતુ અનેક કિસ્સાઓ છે. સીપી અને કલેકટર દ્વારા નેગેટીવ રીપોર્ટ આવ્યા બાદ મિલ્કત માલિકોને ગાંધીનગર અરજી કરવા ધક્કા ખાવા પડશે. તાજેતરમાં જ રાજકોટ જીલ્લા કલેકટર એક દિવસમાં 101 જેટલી ફાઈલોને મંજૂરી આપી છે. આશરે 70 જેટલી અરજીઓ પેન્ડિંગ છે અને આશરે 20થી 25 જેટલી અરજીઓ હિન્દુ-મુસ્લિમના નામે અટકી પડી છે. તો હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ અંગે શું નિર્ણય કરવામાં આવશે.
કલેક્ટરને વિશેષ સત્તાઓ
અશાંત ધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતો ટ્રાન્સફર થઇ હોય તેમાં કલેક્ટરને કોઈ શંકા જાય તો ‘સુઓ મોટો’ ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરીને મિલકત ટ્રાન્સફર માટે તૈયાર થયેલા માલિકને એની મિલકત પાછી અપાવી શકે એવી સત્તા અપાવામાં આવે છે.
- Advertisement -
રાજકોટ ઇતિહાસમાં પહેલીવાર બની આ ઘટના
રાજકોટના ઇતિહાસમાં આ પહેલીવાર ઘટના બની કે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે આ અંગે રાજ્ય સરકારે જાહેરનામું પણ બહાર પાડ્યું છે.
28 સોસાયટીમાં મિલકતના વેચાણ માટે મંજૂરી જરૂરી
રાજકોટના રૈયા રોડ, એરપોર્ટ રોડ અને રેસકોર્ષ રિંગ રોડ પર આવેલી છોટુનગર, નિરંજન સોસાયટી, નહેરુનગર સોસાયટી,સિંચાઈ નગર, ઈન્કમટેક્ષ સોસાયટી, અવંતિકા પાર્કનો સમાવેશ કરવામાં આવ્યો છે.
12 જાન્યુઆરી 2026 સુધી અશાંતધારો લાગુ
આ અશાંતધારો 13 જાન્યુઆરી 2021થી 12 જાન્યુઆરી 2026 સુધી લાગુ રહેશે. આ સોસાયટીઓમાં હવે પછી થી સ્થાવર મિલકતોનું હસ્તાંરણ માટે જિલ્લા કલેકટરની મંજૂરી જરૂરી બની રહેશે.
અશાંત ધારો એટલે શું?
જે વિસ્તારમાં અશાંત ધારો લાગું કરાવમાં આવ્યો હોય તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે, અને જો મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે છે. જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે, અને કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો ગણાય છે.