ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
પાટડી તાલુકાના વડગામમાં 72 વર્ષીય વૃદ્ધા શાંતિબેન ડોડીયાની થયેલી ક્રૂર હત્યાના 25 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ગત 28 ડિસેમ્બરે અજાણ્યા તસ્કરે વૃદ્ધાના કાનની બુટ કાપી રૂ. 1.80 લાખના સોનાના દાગીના લૂંટી લીધા હતા. આ ઘટનાએ ગામમાં એકલા રહેતી વૃદ્ધાઓમાં ભય ફેલાયો છે. ગામના મુખ્ય બજારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી હતી. સુરેન્દ્રનગર ડીએસપી ડો. ગિરીશ પંડ્યા, ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો. જોકે, હજુ સુધી કોઈ સફળતા મળી નથી. સ્થાનિક રાજકીય આગેવાન જેસિંગભાઈ ચાવડા સહિતના ગ્રામજનોએ જણાવ્યું કે, ગામની વચ્ચે રહેતા વૃદ્ધાની હત્યાના આરોપીઓ હજુ પકડાયા નથી, જેના કારણે એકલવાયું જીવન જીવતી વૃદ્ધાઓમાં ભયનો માહોલ છે. લોકોએ પોલીસ વિભાગ પાસે કડક અને ઝડપી કાર્યવાહી કરી હત્યારાઓને પકડવાની માંગ કરી છે.
પાટડીમાં વૃદ્ધાની હત્યા કરી દાગીનાં લૂંટનાર હત્યારો હજી પોલીસ પકડથી દુર
